- માલના નાણાં માંગનાર વેપારીઓને મારી નાંખવાની અને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી.
- રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટના વેપારીએ ઠગ દંપત્તિ સહિત પાંચ જણા સામે નોંધાવેલી વિશ્વાઘાતની ફરિયાદ.
Funrang. સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલા રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટ અને સુરત ટેક્સટાઈલ માર્કેટના ત્રણ વેપારીઓ પાસેથી ડ્રેસ મટીરિયલ અને સાડી ખરીદીને રૂ. 58.68 લાખની રકમ નહીં ચુકવીને વિશ્વાસઘાત કરનાર પંજાબનાં ઠગ દંપત્તિ સહિત પાંચ શખ્સો સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાધાકૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં વ્રિશા પ્રિન્ટના નામે ડ્રેસ મટીરીયલ્સનો વેપાર કરતાં રામેશ્વર નારાયણ દાસ રાઠી વર્ષ 2019માં સંજય ગોયલને મળ્યા હતાં. પંજાબના ક્રોસીંગ અબોહરના ફર્સ્ટ ચોકમાં સુરત સિલેક્શન નામની દુકાન ધરાવતો હોવાનું જણાવી સંજય ગોયલે રામેશ્વર રાઠી સાથે પરિચય વધાર્યો હતો. ત્યારબાદ 40 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે 6.74 લાખના ડ્રેસ મટિરિયલ્સ રામેશ્વર પાસેથી તેમજ અન્ય 19 વેપારીઓ પાસેથી રૂ. 34.15 લાખ મળી કુલ રૂ. 40.89 લાખનો માલ તેણે ઉઠાવ્યો હતો. જોકે, ત્યારબાદ તે નાણાં ચૂકવતો ન હોવાથી વેપારીઓએ ઉઘરાણું શરૂ કર્યું હતું.
પંજાબના વેપારી સંજયે નાણાં ચૂકવવાને બદલે વેપારીઓને મારી નાંખવાની અને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે આ મામલે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અન્ય એક કિસ્સામાં રાધાક્રિષ્ણા માર્કેટમાં આવેલી કટારીયા સિલ્ક મીલ્સના દિલીપ નેમીચંદ મહેતા પાસેથી ક્રિપા ટેક્સટાઈલ નામે ધંધો કરતાં કૈલાશ પુનમચંદ ભુતડા અને ધર્મેન્દ્ર પુનમચંદ ભુતડાએ વર્ષ 2018માં રૂ. 14.83 લાખનું કાપડ ખરીદ્યું હતું. ત્યારબાદ નાણાં ચુકવવાને બદલે રાતોરાત દુકાનને તાળા મારી તેઓ રફૂચક્કર થઈ ગયા હતાં. આ મામલે બંને સામે ફરિયાદ નોંધાઈ છે.
વધુ એક કિસ્સામાં સુરત ટેક્સટાઈલ માર્કેટમાં મનભરી પ્રિન્ટ્સ નામે વેપાર કરતાં નરેન્દ્ર રામઅવતાર સાબુ પાસેથી વર્ષ 2018માં રીંગરોડના ગોલ્ડ પોઇન્ટમાં આર. ટી. ટેક્સટાઈલના નામે વેપાર કરતાં થોમસ કુટાટે અને તેની પત્ની બેટ્સી થોમસ કુટાટે રૂ. 3.05 લાખની સાડી ખરીદી હતી. અને તેનું પેમેન્ટ આજદીન સુધી નહીં કરવામાં આવતાં આખરે આ મામલે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
#funrang #gujaratinews #surat #fraud