- વેકેશનમાં મુંબઈ ફરવા જતાં પતિ – પત્નીને રેલ્વે સ્ટેશન પહોંચતાં પહેલાં નડ્યો હિટ એન્ડ રન.
- ચાલુ બાઈકે પડી ગયેલી બેગ ઉપાડવા ગયેલી સોનલને યમ ઉપાડી ગયો.
Funrang. દિવાળી ટાણે વેકેશનમાં મુંબઈ ફરવા જઈ રહેલાં પતિ – પત્નીને રેલ્વે સ્ટેશન જતાં પહેલાં જ ગમખ્વાર ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. ચાલુ બાઈક પરથી રસ્તા પર પડી ગયેલી બેગ ઉપાડવા ગયેલી પત્નીને અજાણી કારે અડફેટે લેતાં તેનું દુઃખદ મોત નિપજ્યું હતું.
અલથાણ આનંદ હોમ્સમાં રહેતા અને મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ કરતાં વિમલ શ્રીવાસ્તવે 5 વર્ષ અગાઉ સોનલ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. સોનલને હાથ પર નાનાં દાણાં નીકળ્યા હતાં. જેની સારવાર મુંબઈના પરિચિત ડોક્ટર પાસે કરાવી શકાય એમ હતું. તેથી દિવાળી વેકેશન મુંબઈ ફરવા જવા તેમજ ડોક્ટરને બતાવવાની યોજના બનાવીને પ્રેમી દંપત્તિએ મુંબઈ જવાનું આયોજન કર્યું હતું.
બાઈક રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં મુકી ફ્લાઈંગ રાણી ટ્રેન દ્વારા મુંબઈ જવાનું આયોજન કર્યા બાદ આજે દંપત્તિ ઘરેથી નિકળ્યું હતું. દરમિયાન પાંડેસરાના કૂદીગામ પાસેથી દંપત્તિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું ત્યારે એક બેગ ચાલુ બાઈકે રસ્તા પર પડી ગઈ હતી. સોનલ એ બેગ લેવા માટે ગઈ હતી અને પળવારમાં અજાણ્યા કારચાલકે સોનલને જીવલેણ ટક્કર મારી હતી. કારની ટક્કરે હવામાં ફંગોળાઈને સોનલ રોડ પર પટકાઈ હતી. બનાવને પગલે લોકો એકઠાં થઈ ગયાં હતાં. જોકે, કારચાલક નાસી છૂટ્યો હતો. સોનલને સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યા તબીબોએ તેને મૃત જાહેર કરતાં વિમલ શ્રીવાસ્તવના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
બનાવ અંગ પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.