• આત્મનિર્ભર ગ્રામ યાત્રાના માઘ્યમથી છેવાડાના માનવી સુધી યોજનાકીય સહાય – લાભો પહોચાડાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
  • તા.૨૦ સુધી જિલ્લા પંચાયતની ૩૪ બેઠક ઉપર રથ પરિભ્રમણ કરશે
  • જિલ્લામાં કુલ રૂ. ૩૧.૨૩ કરોડના ૨,૩૭૮ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

Vadodara. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા રાજયમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના સોખડા ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલો આ કાર્યક્રમ ગુજરાતના હજારો ગામોને આત્મનિર્ભર કરવાની રાજય સરકારની પહેલના એક ભાગરુપ છે. ગુજરાતના અનેક ગામોમાં રથના માધ્યમથી રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પ્રજાજનોને સુધી પહોંચાડવામાં આવશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યુ કે, ખેડુત, મહિલા, યુવાઓને વિવિધ સહાયના યોજનાકીય લાભો મળી રહે તે અને તેમના સપના સાકાર કરવા માટે આ યાત્રા ઉપયોગી નીવડશે. ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિવારણ થયું, ગેસ બોટલ્સ કનેકશન આપવામાં આવ્યા. ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને પાકા મકાન માટે સહાય આપવા આવી.

વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા રાજ્યમંત્રીએ ઉમેર્યુ કે, રૂ.૩૧.૨૩ કરોડના ૨,૩૭૮ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રૂ.૧.૪૫ કરોડની કિંમતના ૧૨૬ આવાસો, મનરેગાના રૂ.૫.૭૨ કરોડના ૧,૬૩૯ કામો, માર્ગોના રૂ.૬.૯૮ કરોડના ૧૨ કામો, વાસ્મોના રૂ.૫.૫૧ કરોડના ૨૧ યોજનાકીય કામો, ૧૪માં નાણાપંચના રૂ.૮.૭૩ કરોડના ૫૫૦ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિત વાંકાનેર ખાતે રૂ.૧૬ લાખના ખર્ચથી નિર્મિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવતા તે જનપયોગી બની રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં કહ્યુ કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રા એ દરેક ગામના છેવાડાના માનવી સુધી વિકાસકાર્યો કરી શકાય તેનું માધ્યમ છે.

શાબ્દિક સ્વાગત કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સંજય પંડયાએ આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમની રુપરેખા આપી હતી.

મંત્રીએ વિવિધ યોજનાકીય સહાયના લાભાર્થીઓને સહાય આપી લાભાન્વિત કર્યા હતા. આ યાત્રા અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં જુદાં-જુદાં ગામોમાં રમતગમત, રંગોળી, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા મંત્રીશ્રીએ વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, ૩ વર્ષ સુધીનાં બાળકો, ૩ થી ૫ વર્ષના બાળકો માટે પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર અને તેની સમજ આપવા આઇસીડીએસ દ્વારા વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ખેડા ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં વિકાસલક્ષી કાર્યો દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતુ. બાળાઓએ સમૂહ પ્રાર્થના કરી હતી. પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયતી ખેતી અંગેની સમજ, વૈજ્ઞાનિક પધ્ધતિથી પશુપાલન અંગેની સમજ, પશુ રસીકરણ, કૃત્રિમ બીજ દાન, પર્યાવરણ જાગૃત્તિ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગેની જરૂરિયાત અંગે સમજ આપવામાં આવી હતી.

આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત રાજ્યના અનેક ગામોમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોથી પ્રજાજનોને માહિતગાર કરી તેમને વ્યક્તિગત વિકાસ માટે સહિતની સહાય આપવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ થતાં આ ગ્રામ યાત્રા જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે સતત ત્રણ દિવસ સુધી ફરશે અને સરકારની યોજનાઓની માહિતી ઘરઘર સુધી પહોંચાડશે.

સોખડા સ્થિત જગાજી મહારાજ વિદ્યામંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, વડોદરા પોલીસ કમિશનર ડૉ. સમશેરસિંઘ, ધારાસભ્યો જીતેન્દ્રભાઇ સુખડીયા, યોગેશભાઇ પટેલ, મધુભાઇ શ્રીવાસ્તવ, અક્ષયભાઇ પટેલ, કલેકટર આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઇ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુધીર જોષી, પદાધિકારીઓ, અધિકારી – કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

#funrang #Vadodara #funrang #gujaratnews #vadodaranews #latestnews #newsupdate #vadodara

ટચૂંકડી જાહેરાત

(ઓફિસ ભાડે / વેચાણ)

વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *