- બોલો, રસ્તો બનાવવાની લ્હાયમાં કોન્ટ્રાક્ટરે પાર્ક કરાયેલી કાર પણ ના હટાવી.
- અમદાવાદ પાલિકાના અધિકારીઓની આબરૂ કાઢતાં કોન્ટ્રાક્ટર.
- સરદારનગરની સોસાયટીમાં રાતોરાત રોડ બનાવવા પહોંચેલા કોન્ટ્રાક્ટરે કાર હટાવ્યા વિના રસ્તા બનાવ્યાં.
અમદાવાદ. પ્રજાના પૈસે તાગડધિન્ના કરવામાં માહિર સરકારી અધિકારીઓને ઘણીવાર અન્ય લોકોને કારણે નીચું જોવા જેવું થાય છે. આવી જ ઘટના અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓની કોન્ટ્રાક્ટરે કરેલી ભૂલના કારણે થઈ છે. સરદારનગર વિસ્તારની સોસાયટીમાં રાતોરાત રસ્તો રિ-સર્ફેશ કરવા ગયેલાં કોન્ટ્રાક્ટરે જાણે કોઈ જોનાર જ નથી એવી ખુમારીમાં કાર હટાવ્યા વિના જ રસ્તાઓ બનાવડાવી દીધા હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદ મહાનગર પાલિકાની આરામદાયક ખુરશીમાં બેસી સ્માર્ટ વહિવટ કરતાં અધિકારીઓ દ્વારા સરદાર નગરની સોસાયટીમાં રસ્તાના રિ-સર્ફેશિંગનું કામ સોંપવામાં આવ્યું હતું. વહેલીતકે કામગીરી પુરી કરી, બિલો પાસ કરાવી – પ્રજાના પરસેવાની કમાણીમાંથી પોતાનો હિસ્સો કમાઈ લેવાની લ્હાયમાં કોન્ટ્રાક્ટર રાતોરાત સરદારનગરમાં આવેલી સોસાયટીમાં પહોંચ્યો હતો.
મશીનો અને માણસો સાથે પહોંચી ગયેલાં કોન્ટ્રાક્ટરને રસ્તો બનાવવાની એટલી હદે ઉતાવળ થઈ હશે કે એણે ત્યાં પાર્ક કરાયેલી કાર હટાવવાની તસ્દી પણ લીધી નહીં. કારની આસપાસ રસ્તા બનાવવાને કારણે પાલિકાના અધિકારીઓ પર લોકો હસશે એની પણ ચિંતા ના કરી, એટલું જ નહીં કામગીરીનું સુપરવિઝન થશે તો કોઈ તકલીફ પડશે એની પણ એને લગીરેય ચિંતા નહોતી. તેથી જ પ્રજાજનોની અગવડને ધ્યાનમાં રાખી કોન્ટ્રાક્ટરે રસ્તાનું રિ-સર્ફેશિંગ કરી નાંખ્યું હતું.
ચોમાસા દરમિયાન ખરાબ થયેલાં માર્ગોનું હજી સરખી રીતે સમારકામ કરાવવામાં નિષ્ફળ રહેલાં અમદાવાદ મહાનગર પાલિકા તંત્રના આલા અધિકારીઓનો અણઘડ વહીવટ સામે આવતાં સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો હતો.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg