- ‘ગધેડા સારા કે બે કરોડની કાર’ લખેલું બેનર લગાડી, દોરડાંથી કાર ખેંચી.
- વસ્ત્રાપુરમાં પોર્શે કંપનીનો કાર્યક્રમ હતો ત્યારે જ સરઘસ કાઢી કરાયો અનોખો વિરોધ.
અમદાવાદ. પોર્શે કંપનીની બે કરોડની વૈભવી કાર ખરીદ્યા બાદ બ્રેકની સમસ્યાનું નિરાકરણ નહીં આવતાં માલિકે કંપની સામે સરઘસ કાઢી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ‘ગધેડા સારા કે બે કરોડની કાર’ લખેલું બેનર ચોંટાડીને કાર માલિકે ઢોલ – નગારાં સાથે અડધો કિમીનું સરઘસ કાઢ્યું હતું.
વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા ઉમંગ કાપોપરાએ પોણા બે વર્ષ અગાઉ પોર્શે કંપનીમાંથી બે કરોડ રૂપિયાની કાર ખરીદી હતી. કારની બ્રેકમા સમસ્યા હોવાથી તેમણે અનેક વાર કંપનીમાં રિપેરિંગ માટે ધક્કા ખાધા હતાં. છતાં બ્રેકની સમસ્યા કંપની દ્વારા દૂર કરી શકાઈ નહોતી. બ્રેકની સમસ્યા દૂર કરવા માટે તેમણે લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચો પણ કર્યો હતો.
બ્રેકની સમસ્યા દૂર નહીં કરવા ઉપરાંત કંપની તરફથી યોગ્ય ઉત્તર પણ આપવામાં આવતો નહોતો. બે કરોડની કારમાં બ્રેક ના વાગે તો તેનો ઉપયોગ શું? એમ વિચારીને ઉમંગ કાપોપરાએ વિરોધ વ્યક્ત કરવાનું નક્કી કર્યું હતું.
શનિવારે સાંજે વસ્ત્રાપુરની મેરીયોટ હોટલમાં પોર્શે કંપનીનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે જાણ થતાં ઉમંગ કાપોપરાએ ઢોલ નગરાં સાથે મેરીયટ હોટલ સુધી સરઘસ કાઢ્યું હતું. કાર પર ‘ગધેડા સારા કે બે કરોડની કાર’ એવું બેનર ચોટાડ્યું અને ઘાંસ લગાડી દીધું હતું. તેમજ કારને દોરડાંથી ખેંચવામાં આવી હતી. પોર્શે કંપની દ્વારા જ્યાં જ્યાં કાર્યક્રમો યોજાશે ત્યાં જઈને વિરોધ વ્યક્ત કરવાનું ઉમંગ કાપોપરાએ નક્કી કર્યું છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg