- આફ્રિકાના સ્વાજીલેંડ હાલ ધ કિંગડમ ઓફ ઇસ્વાતિનીના રાજા મસ્તાવી (ત્રીજા) 22થી વધુ પત્નીઓ ધરાવે છે.
- ઓગષ્ટ – સપ્ટેમ્બરમાં યોજાતાં સમારોહમાં 10 હજારથી વધુ કુંવારી છોકરીઓ ભાગ લે છે.
Gajab News. વિશ્વભરના મોટાભાગના દેશોમાં રાજાશાહી નથી રહી, જોકે હજી એવાં કેટલાંક દેશો છે જ્યાં રાજાશાહી અકબંધ છે. એ પૈકીનો એક આફ્રિકન દેશ છે સ્વાજીલેન્ડ જ્યાના રાજા મસ્તાવી (ત્રીજા) દર વર્ષે કુંવારી છોકરી સાથે લગ્ન કરે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આઝાદીના 50 વર્ષ પૂરા થવા પર વર્ષ 2018માં સ્વાજીલેન્ડનું નામ બદલીને ધ કિંગડમ ઓફ ઇસ્વાતિની કરી દેવામાં આવ્યું હતું.
ધ કિંગડમ ઓફ ઇસ્વાતિનીના રાજા મસ્તાવી (ત્રીજા) દર વર્ષે પોતાના માટે નવી પત્ની પસંદ કરવા માટે એક મહોત્સવનું આયોજન કરાવે છે. દર વર્ષે ઓગષ્ટ – સપ્ટેમ્બર માસમાં શાહી ગામ લુદજિજિનીમાં ઉમ્હલાંગા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં લગભગ 10 હજાર જેટલી કુંવારી છોકરીઓ અને બાળકીઓ ભાગ લેતી હોય છે.
ઉત્સવમાં ભાગ લેનારી છોકરીઓ જનમેદનીની હાજરીમાં રાજા સમક્ષ નૃત્ય કરતી હોય છે. અને એ પણ સંપૂર્ણ નગ્નાવસ્થામાં. ત્યારબાદ રાજા પોતાની નવી પત્નીની પસંદગી કરતાં હોય છે. આવી રીતે નગ્નાવસ્થામાં નૃત્ય કરીને પત્ની પસંદ કરવાની રાજાની પરંપરાનો કેટલીક છોકરીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને તેમણે ઉત્સવમાં ભાગ લેવાથી ના પાડી દીધી હતી. આ બાબતે રાજા મસ્તાવી (ત્રીજા)ને જાણ થતાં, તેણે એ છોકરીઓના પરિવારને મોટો દંડ ફટકાર્યો હતો.
આમ તો હાલ રાજા મસ્તાવી કેટલી પત્નીઓ અને બાળકો ધરાવે છે એ અંગે કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ, વર્ષ 2015માં રાજા મસ્તાવી (ત્રીજો) શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતાં. તે સમયે તેમની સાથે 15 પત્નીઓ – બાળકો અને 100 જેટલાં નોકરો આવ્યા હતાં. અને તેમના માટે દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં 200 રૂમ્સ બુક કરાવવામાં આવી હતી. માટે વર્ષ 2015થી ગણતરી કરવામાં આવે તો હાલ રાજા મસ્તાવી (ત્રીજો) 22 જેટલી પત્નીઓ ધરાવે છે એમ કહી શકાય.
રાજા મસ્તાવી (ત્રીજા) પર આરોપ છે કે, તે પોતે ખૂબ વૈભવી જીવન જીવે છે પરંતુ, તેમના દેશની મોટાભાગની પ્રજા ગરીબીમાં જીવન વિતાવી રહી છે.
(આ સમાચારનું નટુ દ્વારા સ્પેશિયલ રિપોર્ટિંગ)
મેહુલ નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યાં છો મને…
નટુ ખાંટુ નટુના ખાટ્ટા મીઠ્ઠા
મેહુલ જબરું છે નહીં… એક અનુસ્વાર ફરી જાય તો અર્થ બદલાઈ જાય…
નટુ શેનો અર્થ બદલાઈ જાય… સમજાય એ રીતે સમજાવો…
મેહુલ ખાંટુ શબ્દમાં ખાં પરનો અનુસ્વાર હટાવીને ટું પર મુકી દેવામાં આવે તો… ખાંટુનું ખાટું થઈ જાય…
નટુ હા એ તો છે… પણ, આ વાત અત્યારે કહેવાનો કોઈ અર્થ ખરો…
મેહુલ હા… તું ખાંટુ બોલવામાં ઘણીવાર ખાટું બોલી નાંખે છે… સમજ્યો ખાંટુ…
નટુ ઠીક છે… ભુલ તો થાય… હવે આજનો સમાચાર જણાવું?
મેહુલ હાં… સમાચાર જણાવ…
નટુ આજે એવા દેશના સમાચાર છે, જ્યાંનો રાજા દર વર્ષે એક કુંવારી છોકરી સાથે લગ્ન કરે છે.
મેહુલ ઓ હો… દર વર્ષે… રાજા વાજા અને વાંદરા…
નટુ આફ્રિકન દેશ ધ કિંગડમ ઓફ ઇસ્વાતિનીના રાજા મસ્તાવી – ત્રીજા પોતાના માટે નવી પત્ની પસંદ કરવા માટે ફેસ્ટિવલ યોજે છે.
મેહુલ ફૂડ ફેસ્ટિવલ યોજતાં હશે… જે સારી રસોઈ બનાવે એ રાણી…
નટુ ના… લુદજિજિની ગામમાં દર વર્ષે ઓગષ્ટ – સપ્ટેમ્બર મહિનામાં ઉમ્હલાંગા ફેસ્ટિવલ યોજાય છે. જેમાં 10 હજારથી વધારે કુંવારી છોકરીઓએ ભાગ લેવો પડે છે. આ છોકરીઓ પબ્લિકની વચ્ચે રાજાની સામે ડાન્સ કરે છે.
મેહુલ ઝીંગલાલા… હૂં… ઝીંગલાલા હૂં… એવું જ કંઈક…
નટુ એની ખબર નથી… પણ, કપડા પહેર્યા વગર છોકરીઓને ડાન્સ કરવો પડે છે. ફેસ્ટિવલ પૂરો થાય એટલે રાજા આ છોકરીઓમાંથી પોતાની નવી પત્ની પસંદ કરે છે.
મેહુલ આ તો બહું ખોટું કહેવાય… આવું તો ના કરવું જોઈએ રાજાએ…
નટુ કેટલીક છોકરીઓએ રાજાની આ પરંપરાનો વિરોધ કર્યો હતો. જોકે, રાજાએ એના પરિવારને આકરો દંડ ફટકાર્યો હતો.
મેહુલ સાલુ એ પણ છે… રાજા હોય કે ગમે તે સત્તાધારી… એનો વિરોધ કરવો ભારે તો પડે જ… ઠીક છે, તારા સૂત્રો શું કહે છે…
નટુ મારા વાંઢા સૂત્રો રાજા મસ્તાવીની વાત જાણીને બહુ દુઃખી થઈ ગયા છે… એમને એક નથી મળતી અને રાજા રોકાતો નથી… આ વાતે પોક મુકીને રડી રહ્યાં છે…
મેહુલ તું રડીશ નહીં… તારે કોઈ પ્રચાર કરવો હોય તો કરી દે…
નટુ ના… આજે હું દુઃખી છું કોઈ જાહેરાત નહીં કહી શકું… થેન્ક્યુ વેરી… વેરી… વેરી…
મેહુલ મચ…