- માર્સુપિપલ્સ કેટેગરીમાં આવતું ક્વૉકાનો ચહેરો જોનારના ચહેરા પર સ્મિત લાવે એવો છે.
- ઉંદર જેવા દેખાતા ક્વૉકાનું કદ બિલાડી જેટલું હોય છે.
- પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળે છે ક્વૉકા.
Gajab News. આજે એક એવાં પ્રાણીની વાત કરીએ, જેને દુનિયાનું સૌથી ખુશ પ્રાણી હોવાની ઉપાધિ પ્રાપ્ત થઈ છે. આમ તો આ પ્રાણી હસતું નથી પરંતુ એના ચહેરાની બનાવટ જ એવી છે કે, એને જોનાર વ્યક્તિના ચહેરા પર સ્મિત આવી જાય. આ પ્રાણીના ચહેરાની બનાવટ જ એવી છે કે, જાણે એ હસી રહ્યું હોય એમ જણાય છે. અને તેથી જ તેને દુનિયાનું સૌથી ખુશ પ્રાણી માનવામાં આવે છે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયના જંગલોમાં જોવા મળતું ક્વૉકા હંમેશા ખુશ હોય એવું લાગે છે. ઉંદર જેવું દેખાતું ક્વૉકા બિલાડીના કદનું હોય છે. ક્વૉકાનો સમાવેશ માર્સુર્પિપલ્સ કેટેગરીમાં થાય છે. માર્સુપિપલ્સ અર્થાત્ કાંગારુની માફક બાળકને કોથળીમાં ઉછેરતાં પ્રાણી. ક્વૉકાના ચહેરાની બનાવટને કારણે તે હંમેશા ખુશ હોય એમ લાગે છે. તેથી જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતાં લોકો એની સાથે સેલ્ફી ખેંચાવતાં હોય છે. દરેક સેલ્ફીમાં ક્વૉકાની સ્માઈલ અકબંધ જ રહે છે.
સામાન્ય રીતે પરિવાર કે ટોળાંમાં રહેતું ક્વૉકા રાત્રીના સમયે બહાર નિકળતું હોય છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ઉપરાંત રૉટનસ્ટ દ્વીપ પર પણ ક્વૉકા વસવાટ કરે છે.
(આ સમાચારનું નટુ દ્વારા સ્પેશિયલ રિપોર્ટિંગ)
મેહુલ નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યાં છો મને…
નટુ (નટુ માત્ર મોટી સ્માઈલ આપે.)
મેહુલ ખાંટુ… હલો ખાંટુ…
નટુ (સ્માઈલ રાખીને) ઓહ હા… ખાંટુ નટુંના ખાટ્ટા મીઠ્ઠા નમસ્કાર
મેહુલ નટીયા… આજે બહુ ખુશ લાગે છે… શું વાત છે?
નટુ વાત કંઈ નથી… સમાચાર જ એવાં છે… ખુશ થઈ જવાય એવાં…
મેહુલ તો વદી નાંખ… નહીંતર ગાલ દુઃખી જશે…
નટુ ઓહ યા… આજે વાત કરવાનો છું, દુનિયાના સૌથી ખુશ રહેતાં પ્રાણી વિશે…
મેહુલ એ તો તું જ છે ને…
નટુ પ્રાણી… જંગલમાં રહેતાં પ્રાણીની વાત છે…
મેહુલ તું જંગલમાં રહેવા જવાનો છે?
નટુ બસ… ખોટી ચર્ચા કરે એ ખાંટુ નહીં… તો વાત એમ છે કે, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના જંગલમાં જોવા મળતું ક્વૉકા હંમેશા ખુશ જ રહે છે.
મેહુલ અચ્છા એવું છે… પણ એના ખુશ રહેવાનું કોઈ કારણ…
નટુ કારણમાં એટલું જ કે, કુદરત એના પર મહેરબાન છે. ઉપરવાળાએ એનો ચહેરો જ એવો બનાવ્યો છે કે એ હસી રહ્યું હોય એવું જ લાગે. દેખાવમાં ઉંદર જેવું લાગતું આ ક્વૉકા બિલાડી જેટલાં કદનું હોય છે.
મેહુલ જબરૂ કોમ્બિનેશન… જેરી જેવો લૂક અને ટોમ જેવી સાઈઝ..
નટુ વેરી નાઈસ.. ક્વૉકાનો ચહેરો એવો છે કે એને જોનારના મોં પર સ્મિત આવી જ જાય.
મેહુલ ઓકે… ઓકે… તો ક્વૉકા બાબતે સૂત્રો કંઈક કહે છે…
નટુ હા… જંગલમાં ઝાડ પર લટકતાં સૂત્રોનું કહેવું છે કે, ક્વૉકાની કમરના ભાગે કુદરતે જરૂર એવું કંઈક આપ્યું હશે જેના કારણે એને સતત ગલીપચી થયા કરે…
મેહુલ નટીયા… તારા ઝાડ પર લટકતાં સૂત્રોનો અને તારો આભાર…
નટુ ઓકે… થેન્ક્યુ વેરી વેરી વેરી…
મેહુલ મચ… મને તો નટીયામાં જ ક્વૉકા દેખાયું… તમને દેખાયું… મળીએ ત્યારે…