- વડીલ મહિલાને મુસાફર તરીકે બેસાડી કટરથી સોનાની ચેઈન ચોરવામાં આવતી હતી.
- તા. 16 ડિસેમ્બરે અકોટા વિસ્તારમાં વડીલ મહિલાનો અછોડો તોડ્યો હતો.
- બે દિવસ અગાઉ સમા વિસ્તારમાં એક વડીલ મહિલાની ચેઈન ચોરી હતી.
- ગુનાઈત ઇતિહાસ ધરાવતાં મુખ્ય આરોપી સહિતની ત્રિપુટીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.
વડોદરા. અમદાવાદ પાર્સિંગની રીક્ષામાં આવેલી ગેન્ગ દ્વારા વડોદરાના ગોત્રી અને સમા વિસ્તારમાં વડીલ મહિલાઓનાં અછોડા તોડવામાં આવ્યા હતાં. વડીલ મહિલાઓને રીક્ષામાં મુસાફર તરીકે બેસાડી કટરથી સોનાની ચેઇન કાપી, ચોરી કરનાર ગેન્ગને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ઝડપાયેલા રાજેશ પરમાર (દેવીપૂજક) સામે અમદાવાદ, રાજકોટ અને ખેડા ખાતે 17 જેટલાં ચોરી – મારામારીના ગુનામાં પકડાયેલો છે.
(કટાક્ષયુક્ત ન્યૂઝ કાર્ટૂન જુઓ – દહાડો સુધરી જશે.)
તા. 16 ડિસેમ્બરના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં એક વડીલ મહિલા અકોટા ડી-માર્ટ પાસેથી રીક્ષામાં બેઠા હતાં. રીક્ષામાં તેમની સાથે એક સ્ત્રી અને પુરુષ નાના બાળક સાથે બેઠાં હતાં. આશરે પોણા દસ વાગ્યે રીક્ષા વોર્ડ નં. 11 પાસે પહોંચી ત્યારે વડીલ મહિલાને ધ્યાનમાં આવ્યું કે, તેમનાં ગળામાં રહેલી સોનાની ચેઇન ચોરાઈ ગઈ છે. જેને પગલે તેમણે બૂમરાણ મચાવી મૂકી હતી.
વડીલ મહિલાએ બૂમરાણ મચાવતાં તેમને રીક્ષામાંથી ઉતારીને ચાલક સહિતના શખ્સો નાસી છૂટ્યા હતાં. આ અંગે ગોત્રી પોલીસ મથકમાં ગુનોં નોંધાવવામાં આવ્યો હતો. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવાની સુચના મળતાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.આલે તપાસ હાથ ધરી હતી.
સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સને આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. આલ સહિતની ટીમે અછોડા તોડતી રીક્ષા ગેન્ગ ઝડપી પાડી હતી. અછોડાતોડ રીક્ષા ગેન્ગનો મુખ્ય આરોપી રાજેશ દયારામ પરમાર (દેવીપુજક) મૂળ રાજકોટનો રહેવાસી છે અને હાલ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે રહે છે. તેની સાથે રાજકોટ ખાતે રહેતો સાગર ચંદુભાઈ ચુડાસમા (દેવીપુજક) અને મૂળ દિલ્હીની રહેવાસી હાલ ખેડા જિલ્લાના મહેમદાવાદ રહેતી શિલ્પાબહેન કરણભાઈ પરમાર અછોડો તોડવાના ગુના કરવા અમદાવાદ પાર્સિંગની રીક્ષા લઈ વડોદરા આવ્યા હતાં. રાજેશ દયારામ પરમાર (દેવીપુજક) અગાઉ અમદાવાદ, રાજકોટ અને ખેડા ખાતે કુલ 17 જેટલાં ચોરી – મારામારીના ગુનાઓમાં પકડાયો છે. ગુનાઈત પ્રવૃત્તિને કારણે પાસા પણ થયેલ છે.
રાજેશ, સાગર અને શિલ્પા એકલ-દોકલ જતી વડીલ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. વડીલ મહિલાઓને રીક્ષામાં બેસાડ્યા બાદ મુસાફરના સ્વાંગમાં બેઠેલી શિલ્પા સહિતના શખ્સ દ્વારા વડીલ મહિલાની નજર ચૂકવી કટરથી સોનાની ચેઇન કાપી નાંખવામાં આવતી હતી.
અછોડાતોડ રીક્ષા ગેન્ગ દ્વારા બે દિવસ અગાઉ સમા રોડ વિસ્તારમાં એક મહિલા મુસાફરની સોનાની ચેઈન ચોરી લેવામાં આવી હોવાની હકીકત પણ સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ત્રિપુટી પાસેથી 40 હજારની કિંમતની સોનાની ચેઈન, ઓટોરીક્ષા, કટર વગેરે મળી 1,10,020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
અછોડાતોડ રીક્ષા ગેન્ગને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી.બી.વાલ, પો.સ.ઈ. એસ. એમ. ભરવાડ તથા સ્ટાફના અરવિંદભાઈ, પંકજભાઈ, નાશીરભાઈ, રાજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, સુરેશભાઈ, ભુપેન્દ્રસિંહ, વિશાલભાઈએ સારી કામગીરી કરી હતી.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg