• ચરસના જથ્થા સાથે ઝડપાયેલા બંકીમ શાહને 14 વર્ષ કેદની સજા થઈ હતી.
  • વર્ષ 2009માં વડોદરા સેન્ટ્રલમાંથી પેરોલ રજા પર બહાર નિકળી ફરાર થઈ ગયો હતો.
  • ભાવનગર ખાતેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંકીમ શાહને ઝડપી પાડ્યો.
  • બંકીમ શાહને વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપવા ધકેલી દેવાયો.

FunRang News. વર્ષ 2009માં વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ રજા લઈ બહાર નિકળ્યા બાદ ફરાર થઈ ગયેલાં કેદીને 12 વર્ષે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. મૂળ મુંબઈનો રહેવાસી છેલ્લાં 12 વર્ષથી મુંબઈમાં જ અલગ અલગ જગ્યાઓ પર રહેતો હતો. ભાવનગર ફરવા આવેલા કેદીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી, સેન્ટ્રલ જેલમાં સજા કાપવા મોકલી આપ્યો હતો.

અમદાવાદ નાર્કોટિક્સ બ્યૂરો દ્વારા દાદરા નગર હવેલી ખાતે દરોડો પાડી બંકીમ રસીકાલ શાહ (મૂળ રહે. શાંતિનગર, મલાડ, મુંબઈ, મહારાષ્ટ્ર)ને 372 કિ.ગ્રા ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં બંકીમ શાહને 14 વર્ષ કેદ અન રૂ. 2 લાખનાં દંડની સજા કોર્ટે ફટકારી હતી. વર્ષ 2005માં બંકીમ શાહને પાકા કામના કેદી તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

બાદમાં 25 ફેબ્રુઆરી 2009ના રોજ 20 દિવસની પેરોલ રજા પર બંકીમ શાહ જેલની બહાર નિકળ્યો હતો. 21 માર્ચ 2009ના રોજ રજા પુરી થતાં તેણે પરત જેલમાં હાજર થવાનું હતું. જોકે, બંકીમ શાહ નાસી છૂટ્યો હતો. આ અંગે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને બંકીમ શાહ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અવાર નવાર તપાસ કરવામાં આવી હતી. છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.

(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલા વ્યંગસભર કાર્ટૂન્સ જુઓ)

દરમિયાનમાં ક્રાઈમ બ્રાન્ચના પો.સ.ઈ. કે. જે. વસાવા સહિતની ટીમે હ્યુમન સોર્સ, ટેક્નિકલ સોર્સ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે, હાલ 57 વર્ષિય બંકીમ શાહ મહારાષ્ટ્રના ભાયંદર થાણા વેસ્ટ ખાતે આવેલા કમલા પાર્કના એક મકાનમાં રહે છે. અને તે ફરવા માટે ભાવનગર જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવનગર પહોંચી હતી.

ભાવનગરમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રવાસી તરીકે ફરીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે વૉચ ગોઠવી હતી. અને ફરાર કેદી બંકીમ શાહને 12 વર્ષે ઝડપી પાડ્યો હતો. કેદીને વડોદરા લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સેન્ટ્રલ જેલમાં બાકીની સજા કાપવા મોકલી અપાયો હતો.

પોલીસને પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, પેરોલ પર છૂટ્યા બાદ બંકીમ શાહ ધરપકડથી બચવા મુંબઈમાં અલગ અલગ જગ્યાઓ પર આશ્રય લેતો હતો.

ફરાર કેદીને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. જે. વસાવા તથા સ્ટાફના દિપકભાઈ, કનકસિંહ, અમુલભાઈ, કનૈયાલાલ, સુરેશભાઈ, રવિન્દ્રભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો.  નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *