વિશાલ મિસ્ત્રી રાજપીપળા:
આખા બોલા ભાજપ સાંસદ મનસુખ વસાવા પ્રજાને થતા અન્યાય સામે હરહંમેશ બોલતા જ આવ્યા છે.પછી ભલેને એમાં પોતાની જ સરકારના મોટા નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ કેમ ન બોલવું પડે.કદાચ એમની આ જ ટેવને લીધે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેરમાં એમ કહ્યુ હતુ કે મનસુખ વસાવાની એક કુટેવ એવી છે કે તેઓ વધુ બોલે છે.સી.આર.પાટિલને સાંસદ મનસુખ વસાવાનો આવો સ્વભાવ ભલે ગમતો ન હોય પણ પ્રજાનો સાચો સેવક તો આવો જ હોવો જોઈએ.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિરુદ્ધ ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એક સણસણતો પત્ર લખ્યો છે, જેમાં એમણે પોલીસ બીટીપી-કોંગ્રેસ સામે મુકપ્રેક્ષક બની ગઈ હોવાનો તથા ગુનેગારોને છાવરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે.મનસુખ વસાવાના આ આક્ષેપ બાદ પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું છે.પણ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોલીસ વિરુદ્ધ આવા ગંભીર આક્ષેપો લગાવવાનો વારો કેમ આવ્યો એનું મૂળ કારણ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ બનેલી ઘટનાઓ છે.તો એ જ ઘટનાઓને ટાંકી એમણે ગુજરાત સરકારના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે સરપંચની ચૂંટણીમાં બી.ટી.પી અને કોંગ્રેસના હારેલા ઉમેદવારોએ વિજેતા થયેલા ઉમેદવારો પર જીવલેણ હુમલાઓ કર્યા છે.ઝઘડિયા તાલુકાના દરિયા ગામે નવીન બાબુ વસાવા પર બી.ટી.પીના લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો, આ ઘટનાને 5 દિવસ થયા છતાં પણ પોલીસે આ ગુનેગારોને પકડ્યા નથી કે ગામની મુલાકાત લીધી.આ જ પ્રકારે નેત્રંગ તાલુકાના ઘોલેગામ તથા મુગજ મચામડી ગામે ખુબજ આતંક મચાવ્યો છે.તો ઝઘડીયાના આમલઝર ગામે ભાજપ કાર્યકર પર જીવલેણ હુમલો કર્યો તથા સિયાલી ગામે ભાજપ કાર્યકરની ટુ-વહીલર સળગાવી દીધી, વાલિયા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બની છે.તે છતાં પોલીસ મુક પ્રેક્ષક બની ગુનેગારોને છાવરતી હોય એમ જણાઈ રહ્યુ છે.કેટલીક જગ્યાએ પોલીસે ફરિયાદ દાખલ કરી ભાજપના આગેવાનોને ગુનેગાર ઠેરવવાનો પ્રયત્ન થયો છે.જો ગુનેગારો અને તોફાની તત્વોને ડામવામાં નહિ આવે તો જિલ્લામાં સીધા વ્યક્તિને હરવું ફરવું અઘરું થઈ પડશે.જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી બાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ બિટીપી કોંગ્રેસની હાર થતા તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તોફાનો મચાવે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષના સાંસદે સીધી ગૃહરાજ્ય મંત્રીને રજુઆત કરવાનો જો વારો આવતો હોય તો સામાન્ય માણશે તો ન્યાય મળે એવું વિચારવું પણ ન જોઈએ.હવે જોવું એ રહ્યુ કે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મનસુખ વસાવાની આ રજુઆત પર કાર્યવાહી કરે છે કે કેમ????