- જાંબુઘોડાના જંગલમાં આવેલો ધનેશ્વરી ડુંગર ભોમિયા વિના ભમાય એવો નથી.
- ડુંગર પર ધનપરી ગામના આરાધ્ય દેવી ધનેશ્વરી માતાનું થાનક છે.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ભોમિયા વિના મારે ભમવા તા ડુંગરા એવું આપણા એક અગ્ર કવિએ કીધું છે કિંતુ જાંબુઘોડા અભયારણ્યના સાદરા ના જંગલને અડીને આવેલો અને જમીન તળથી માંડ ૩૩૦ મીટર કે એક હજાર ફૂટની ઊંચાઈ ધરાવતો ડુંગર ભોમિયા વગર ભમાય એવો નથી. અને બીજી વાત એવી છે કે, ધનેશ્વરી ડુંગરના ચઢાણ એવાં છે કે, ફેફસાંની ધમણની આકરી કસોટી થઈ જાય.
ધનેશ્વરી માતાના ડુંગર તરીકે તેની ઓળખ છે કારણ કે પાસેના ધનપરી ગામના આરાધ્ય દેવી માતા ધનેશ્વરીનું તેની ટોચ પર થાનક છે. આ ડુંગર કડા ડેમ અને સાદરાના હર્યાભર્યા જંગલો વચ્ચે આડી દીવાલ રચે છે જે અહીં આવતા કુદરત પ્રેમી પ્રવાસીઓને પર્વત ચઢાણ જેવી સાહસિક પ્રવૃત્તિ કરવાની સુંદર તક આપે છે. જો કે ડુંગર પર ચઢવા માટે માત્ર કેડી છે અને તે પણ ખરેલા પાંદડા અને અડાબીડ ઉગેલા વૃક્ષોને લીધે ચોખ્ખી દેખાતી નથી.
એટલે પાસેના ધનપરી ગામના ગમિરભાઈ નાયક કે જશુભાઇ રાઠવા જેવા ભોમિયાને સાથે રાખીને આ ડુંગર પર ચઢવું હિતાવહ છે. આમ તો ખૂબ સાવચેતી રાખી ચઢવું પડે અને લાંબા શ્વાસ લેવાની આદત ના હોય તે થાકી જાય, એકવાર તો અડધેથી પાછા ફરવાનું મન થઇ જાય એવી કસોટી આ ડુંગર કરે છે.
ધનપરી ઇકો ટુરિઝમ મંડળીના સચિવ મનહરભાઈને આગોતરી જાણ કરો તો આ ભોમિયાઓની સેવા મળી જાય છે. ડુંગરની ટોચ પરથી ચારે તરફ પથરાયેલી પ્રકૃતિને મનભરીને માણી શકાય છે. અહીંથી અંદાજે ૨૦ કિલોમીટર દૂર આવેલું તરગોળ તળાવો, વનરાજી, ગામો, ખેતરો બધું જ મસ્ત દેખાય છે.
પહેલા અહીં ધનેશ્વરી માતાજી પ્રતિમા રૂપે બિરાજમાન હતા એવી જાણકારી આપતાં જશુભાઇ રાઠવા કહે છે કે ખાસ કરીને આ ડુંગર ચઢવો મોટી ઉંમરના લોકો, વડીલો માટે અઘરો હોવાથી હવે તેમનું મંદિર તળેટીમાં આવેલા ધનપરીમાં બનાવ્યું છે. જો કે ડુંગરની ટોચ પર હજુ પ્રતીકાત્મક થાનક છે. જાંબુઘોડાના રાજવી પરિવારને માતાજીમાં ખૂબ શ્રધ્ધા છે અને ઘણાં ગામલોકો નવરાત્રિમાં થાનકના દર્શન કરવા ઉપર ચઢે છે.
બાળ અને યુવા પેઢીને હિમાલયમાં પર્વતારોહણ અને સ્થાનિક જગ્યાઓમાં ખડક ચઢાણ અને સાહસિક પરિભ્રમણ (ટ્રેકિંગ)ની પ્રેરણા અને તાલીમ આપતા સંદીપ વૈદ્ય જણાવે છે કે ટોચ પર આવેલી તોતિંગ શિલાઓ રેપ્લિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટે ઉત્તમ જણાય છે.
તેમનું કહેવું છે કે વડોદરાની આસપાસ ૧૦૦ કિલોમીટર વર્તુળમાં પાવાગઢ, ચેલાવાડા,કેવડી જેવા સ્થળો પ્રકૃતિની હરિયાળી ગોદ માં વિહરવાની અને સાહસિક પ્રવૃત્તિઓમાં જોડવાની ઉત્તમ તક આપે છે. જરૂરી સાવચેતી સાથે આ પ્રવૃત્તિઓ કરવામાં આવે અને પ્રકૃતિને જાળવીને કરવામાં આવે તે ઉચિત ગણાય. વન વિભાગે આ જગ્યાઓ એ વન કેડીઓ, પ્રવાસીઓના રોકાણ માટે ટેન્ટ નિવાસ જેવી વ્યવસ્થાઓ કરી છે. અત્યારે પાનખર છે એટલે આખા ડુંગર પર ખરેલા પાંદડાઓની ચાદર પથરાઈ છે. એક જંગલી છોડવા પર મસ્ત આસમાની રંગના ફૂલો ખીલ્યાં છે અને ઠેર ઠેર ઉગેલા આ છોડ પર ખીલેલા ફૂલો વેલી ઓફ ફ્લાવર્સની યાદ અપાવે છે.
વન્ય જીવ વિભાગ, વડોદરા નાયબ વન સંરક્ષક આર. એલ.મીનાના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી અને વન પાલકો, વન રક્ષકો આ જંગલનું ઉચિત પ્રબંધન અને કાળજી લઈ રહ્યાં છે. અહીં વન્ય જીવ વિભાગમાં આગોતરું આરક્ષણ કરાવીને અને યોગ્ય પરવાનગી સાથે આવવું હિતાવહ છે. ઓનલાઇન આરક્ષણની સુવિધા છે.
ચેતવણી: આ જગ્યાઓ સેલ્ફી પોઇન્ટ નથી. કુદરતની આમન્યા જાળવીને પ્રકૃતિને માણવાની આ જગ્યાઓ એ બેદરકારી જોખમી બની શકે છે. અહીં ધાંધલ ધમાલ જેવી પ્રવૃત્તિઓને અવકાશ નથી અને પ્લાસ્ટિક કચરાથી આ જગ્યાઓને મુક્ત રાખવાની કાળજી સૌ પાસે અપેક્ષિત છે.
ડુંગર અને આ વિસ્તારમાં વનસ્પતિ અને પક્ષી વિવિધતા ઘણી છે.
ધનેશ્વરી માતાના ડુંગર અને સાદરા ના જંગલમાં વનસ્પતિ અને પક્ષી વિવિધતા ઘણી છે અને દીપડા, નીલગાય, શાહુડી સહિતના વન્ય જીવો પણ છે. ભોમિયા જશુભાઇ રાઠવા કહે છે કે ડુંગર પર અને ઢોળાવો પર રામબાવળ, ઉંભ, બિલી, વાંસ, દેવ વૃક્ષ ગણાતું કલમ, જેની લચીલી ડાળખીઓનો ઘાસની ગાંસડી બાંધવામાં દોરડી જેવો લોકો ઉપયોગ કરે છે તે મોઈનો, ટીમરૂ જેવા વૃક્ષો અને વેલાઓ મોટા પ્રમાણમાં છે. આ વિસ્તારમાં સાગ, સાદડ, જળ જાંબુ, ખાખરો, આલેડો, બહેડો, ઉમરો, આસિતરો, કાકડ, મોદડ, લીમડો, કુસુમ, ગૂગળ અને ચારોળી જેવા સંખ્યાબંધ પ્રજાતિઓના વૃક્ષો છે.
મહુડા હોય ત્યાં પોપટ તો હોય જ તેવી જાણકારી આપતાં વનરક્ષક જગદીશ પટેલ અને ઇકો ટુરિઝમ મંડળીના મનહરભાઈ જણાવે છે કે ચિલોત્રો, ખેરખટ્ટો, દુધરાજ, પીળક, લક્કડખોદ, ચીબરી સહિતની પક્ષી વિવિધતા પણ પંખી છબિકારો એ નોંધી છે. તરગોળ અને કડાના બે સિંચાઇ તળાવો જંગલોને પોષે છે અને પવિત્ર ઝંડ હનુમાનની જગ્યા, પ્રાચીન અને જર્જરિત શિવ મંદિરો અને પાંડવ કાલીન અવશેષો આ વિસ્તારને રસપ્રદ બનાવે છે.
(આજનો Funrang જોક)
પકડું – આ આપણો ટીનો હાથ ધોઈને ટીના પાછળ પડ્યો છે…
ટાઈગર – ટીનાને કહેવું પડશે, એક દિવસ મોં ધોઈને એને જુએ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz