મેહુલ વ્યાસ જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે જે ક્યારેય ભુલી નથી શકાતી, પણ આગળ વધવા માટે એવી ઘટનાઓને – વ્યક્તિઓને “Shift + Delete” કરી દેવી ખૂબ જ જરૂરી છે. તમારી જાણ માટે કહી દઉં કે, જ્યારે કોમ્પ્યુટરમાંથી તમે કોઈ નક્કામી ફાઈલને ડિલટ કરીએ છીએ ત્યારે એ ફાઈલ ડસ્ટબીનમાં જાય છે અને ડસ્ટબીન ક્લિન કરીએ ત્યારે એ ફાઈલ સાચા અર્થમાં ડિલીટ થાય છે. પણ, જ્યારે તમે ફાઈલને ડિલીટ કરતાં પહેલાં શિફ્ટનું બટન દબાવીને ડિલીટ કરો છો ત્યારે ફાઈલ ડસ્ટબિનમાં જવાને બદલે સીધી આપણી સિસ્ટમમાંથી જ દૂર થઈ જાય છે.

તમે એક યુવતીને બહુ જ પ્રેમ કરી રહ્યાં છો, એના પ્રેમનું ગાંડપણ તમારા મન – મગજ પર છવાઈ ગયું હોય, તમને એની સાથે જન્મોજનમનો સાથ નિભાવવાના સ્વપ્ન જોતાં હોવ, તમને એને જીવથી વધારે ચાહતાં હોવ.. અને એવાં સમયે ખબર પડે કે એ તો તમને ટાઈમપાસ સમજી રહી હતી. એને તો બસ તમારી સાથે હરવા ફરવામાં મઝા આવતી હતી.

દગો થયો, વિશ્વાસઘાત થયો… એવી બધી લાગણીઓ સાથે તમને ખૂબ ગુસ્સો આવે છે. સંબંધો તોડી નાંખો છો. એની તમામ યાદો – વાતો બધું જ ડિલીટ કરવાનો નિર્ણય કરો છો, જીવનમાં આગળ વધવાનો નિર્ણય કરો છો, પણ, ખરેખર એવું થતું નથી. તમારા હૃહય મનની ડસ્ટબીનમાં હજી એ યુવતીની ડિલીટ કરેલી યાદો – વાતો સંઘરાયેલી હોય છે, જે તમારાં જીવનની સિસ્ટમને ગમે ત્યારે હેંગ કરવા માટે સમર્થ હોય છે.

આ ખૂબ સહજ અને સામાન્ય બાબત છે. જોકે, તમારા ડસ્ટબિનને ખાલી કરવાનો કમાન્ડ તમારે જાતે આપવાનો હોય છે. કોઈ અન્ય વ્યક્તિ એ કાર્યમાં આપની મદદ કરી શકે એમ નથી હોતું. પણ, જો તમે એ યુવતીની વાતો – યાદો ડિલીટ કરવાને બદલે “Shift + Delete” કરો, તો શક્ય છે, આપને કેટલીક તકલીફોમાંથી બચવાનો રસ્તો મળી રહે.

મૂળ વાત તો એ છે કે, “Shift + Delete” કરવું કેવી રીતે? એમ કંઈ કોઈની સાથે વિતાવેલાં કલાકો – મહિનાઓ – વર્ષો વગેરેથી એક ક્ષણમાં છુટકારો થોડો મળી શકે? મળી શકે જરૂર મળી શકે… એ વ્યક્તિની વાતો – યાદોને ડિલીટ કરવાને બદલે, જાતને પ્રશ્ન કરવો જોઈએ કે, શું હવે આ વ્યક્તિ મારા જીવનમાં કોઈ અસ્તિત્વ ધરાવે છે? શું આ વ્યક્તિનું મારા કે મારા પરિવાર માટે કોઈ અસ્તિત્વ છે? શું મારે એના વિશે એક સેકન્ડ પણ વિચાર કરવો જોઈએ? આવાં પ્રશ્નોનો જવાબ તમને એ વ્યક્તિને તમારા જીવનમાંથી “Shift + Delete” કરવાની પ્રેરણા આપશે. અને જેવું “Shift + Delete” થયું કે, એક અનોખી હળવાશ અનુભવશો.

ત્યારબાદ એ વ્યક્તિ તમારી આસપાસ આવશે ત્યારેય તમને અજુગતું નહીં લાગે. એની વાત તમારી આસપાસ થશે તોય તમે એની પ્રત્યે ધ્યાન નહીં આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *