Funtu News કોઈ રેલ્વે સ્ટેશન ભૂતના કારણે વર્ષો સુધી બંધ રહ્યું હોય એવી વાત કદાચ મજાક લાગી શકે, પરંતુ આ સત્ય હકીકત છે. ભૂતના કારણે બંધ રહેલું આ રેલ્વે સ્ટેશન પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું, બેગુનકોડોર રેલ્વે સ્ટેશન છે.
સંથાલની રાણી શ્રીમિત લાચન કુમારીના પ્રયાસોને પગલે 1960માં બેગુનકોડોર રેલ્વે સ્ટેશન શરૂ થયું. કેટલાંક વર્ષો સુધી રેલ્વે સ્ટેશન રાબેતા મુજબ ધમધમું રહ્યું, પરંતુ 1967માં એક રેલ્વે કર્મચારીએ સ્ટેશન પર યુવતિનું ભૂત દેખાયું હોવાનો દાવો કર્યો. કહેવાય છે કે, એ યુવતિનું મૃત્યુ એક રેલ્વે અકસ્માતમાં આજ સ્ટેશન પર થયું હતું.
દરમિયાનમાં બેગુનકોડોરના સ્ટેશન માસ્તર અને એમનો પરિવાર રેલ્વે ક્વાર્ટરમાં મૃત્યુ પામેલી અવસ્થામાં મળી આવ્યો અને અફવા વહેતી થઈ કે, પરિવાર સહિત સ્ટેશન માસ્તરના મોત પાછળ યુવતીના ભૂતનો જ હાથ છે. લોકોનું કહેવું હતું કે, સંધ્યાકાળ બાદ જ્યારે રેલ્વે સ્ટેશન પરથી કોઈ ટ્રેન પસાર થાય છે ત્યારે એ યુવતિનું ભૂત ટ્રેનની સાથે દોડવા લાગે છે અને ક્યારેક તો ટ્રેનથી પણ ઝડપી દોડીને આગળ નિકળી ય છે. આ ઉપરાંત, કેટલાંક લોકોએ યુવતિના ભૂતના રેલ્વે ટ્રેક પર નાચતી જોયાનો પણ દાવો કર્યો.
ડરામણી ઘટનાઓને પગલે બેગુનકોડોરને ભૂતીયું રેલ્વે સ્ટેશન માનવામાં આવવા લાગ્યું અને એની નોંધ રેલ્વેના રેકોર્ડમાં પણ કરવામાં આવી. યુવતિના ભૂતથી ડરીને લોકો રેલ્વે સ્ટેશનની આસપાસ પણ ફરકતાં નહોતાં. રેલ્વેના કર્મચારીઓમાં પણ ભારે ફફટાડ વ્યાપેલો હતો. કોઈને આ સ્ટેશન પર કામ કરવા તૈયાર નહોતું. સ્ટેશન પર ટ્રેન ઉભી રાખવાનું પણ બંધ થઈ ગયું. બાદમાં સ્ટેશન પણ સૂમસામ થઈ ગયું.
કહેવાય છે કે, આ સ્ટેશન આવતાં પહેલાં લૉકૉ પાયલટ ટ્રેનની ઝડપ વધારી દેતાં હતાં, તો મુસાફરો સ્ટેશન આવતાં પહેલાં બારી – દરવાજા બંધ કરી દેતાં હતાં. જોકે, વર્ષ 2009માં ગ્રામજનોનાં કહેવા પર તત્કાલિન રેલ મંત્રી મમતા બેનર્જીએ સ્ટેશન પુનઃ શરૂ કરાવ્યું. ત્યારથી લઈને આજદીન સુધી ભૂત દેખાયું હોવાનો કોઈએ દાવો કર્યો નથી.