વડોદરા ન્યૂઝ. ગત તા. 14 જૂનના રોજ પાદરાના લુણા ગામ સ્થિત કંપનીમાં પરિણીતાના એક તરફી પાગલ પ્રેમીએ ખૂની ખેલ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. પરિણીતાની ફરિયાદને આધાર પોલીસે યુવાન સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અટલાદરા વિસ્તારમાં રહેતી 29 વર્ષિય સુવર્ણા પાટીલ (M.Sc. માઈક્રોબાયોલોજી) છેલ્લા 3 વર્ષથી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામ ખાતે બીડીઆર લાઈફ સાયન્સિસ પ્રા. લી. કંપનીના ક્વોલિટી કંટ્રોલના માઈક્રો ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઓફિસર તરીકે નોકરી કરતી હતી. તેના ડિપાર્ટમેન્ટમાં દાજીપુરા (જાસપુર)નો અશ્વિન રાજેશમાર પરમાર કોન્ટ્રાક્ટના હેલ્પર તરીકે કરતો હતો.

છેલ્લાં અઢી માસથી અશ્વિન ફોન કરીને તેમજ યેનકેન પ્રકારે સુવર્ણાને મિત્રતા રાખવા માટે હેરાન કરતો હતો. જોકે, આ હેરાનગતિને સુવર્ણાએ હળવાશમાં લીધી હતી. ગત તા. 14 જૂનના રોજ સાંજે ડિપાર્ટમેન્ટના અન્ય બે કર્મચારી જતાં રહ્યા બાદ અશ્વિને દરવાજો બંધ કરી દીધો હતો.

“તું મને બહુ ગમે છે, તું મારી પ્રેમિકા શકીના જેવી દેખાય છે. મારે તારી સાથે લગ્ન કરવા છે” એવી વાતો કરી સુવર્ણાના એક તરફી પ્રેમમાં પાગલ અશ્વિને તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતાં. અને બાદમાં કટર વડે સુવર્ણા પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ પોતે પણ ગળું કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

પાદરા પીઆઇ. એસ.એ. કરમુરે જણાવ્યું હતું કે, ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ડભાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ભાનમાં આવતાં સુવર્ણા પાટીલે લગ્ન કરવા અંગે હેરાનગતિ કરી હુમલો કરનાર અશ્વિન પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *