Fun Varta વડોદરા પહોંચતા પહેલાં જ ટ્રેનમાં જ હિરેને સ્ટેશનથી ગોત્રી જવા માટે ઓનલાઈન ટેક્સી બુક કરાવી લીધી, ત્યાં ટ્રેન યાર્ડમાં અટવાઈ ગઈ. 5 મીનીટ થઈ હશે ત્યાં તો ટેક્સી ડ્રાઈવર જીવાનો ફોન આવ્યો…
જીવો – સાહેબ રેલ્વે સ્ટેશન પર આવી પહોંચ્યો છું. ક્યાં છો?
હિરેન – હું યાર્ડમાં…
જીવો – ત્યાં આવું…
હિરેન – અરે ના… હું ટ્રેનમાં છું…
જીવો – ટ્રેન લઈને ગોત્રી જવાના…
હિરેન – અરે, ના ભાઈ… ટ્રેન યાર્ડમાં ફસાઈ છે, તું ત્યાં ઉભો રહે હું પહોંચ્યો, 5 – 10 મીનીટમાં…
જીવો – પાંચ મીનીટ? કે 10 મીનીટ? (અકળાયેલો હિરેન કંઈ બોલે એ પહેલાં જ જીવાએ ચલાવ્યું) સાહેબ, 10 મીનીટ થાય એમ હોય તો હું ચા પી લઉં…
હિરેન – ભાઈ, તું સ્ટેશનની બહાર ચાની લારી પર પહોંચ, ચા પી… હું ત્યાં આવી જઈશ…
જીવા સાથે જીવલેણ વાતચીત કર્યા બાદ એક તબક્કે હિરેનને થયું ટેક્સી કેન્સલ કરાવી દે. એણે ફોનમાં એપ્લિકેશન ખોલી પણ ખરી. પણ, ત્યાં ટ્રેન ચાલવા માંડી, એટલે એણે ટેક્સી કેન્સલ કરવાનું માંડી વાળ્યું. પ્લેટફોર્મ પર ટ્રેન થોડી ધીમી પડી ત્યાંતો હિરેન જીવના જોખમે ઉતર્યો… બે ચાર જણાંએ ટોક્યો પણ ખરો. જોકે, લગભગ બે મહીના પછી વડોદરા આવેલા હિરેનને ઘરે પહોંચવાની ખૂબ જ તાલાવેલી હતી.
સ્ટેશનની બહાર આવી એ ચાની લારીએ પહોંચ્યો, અને જીવાને કોલ કર્યો…
જીવો – બોલો સાહેબ,
હિરેન – ક્યાં છો?
જીવો – ચાની દુકાન પર…
હિરેન – હું પણ ચાની ટપરી.. તમે…
જીવો – અરેરે… સાહેબ, ત્યાની ચા મને નથી ભાવતી… એટલે સ્ટેશનની પાછળ આવ્યો ચા પીવા…
હિરેન – ઠીક છે, જલ્દી આવી જાવ…
જીવો – સાહેબ, હજી ચા આવી જ છે… એમ હોય તો સ્હેજ ચાલી નાંખોને… પ્લિઝ…
હિરેનને જીવા પર ગુસ્સો તો બહુ આવ્યો… પણ, પછી એણે ખબર નહીં કેમ સ્ટેશન ક્રોસ કરવા માટે ડગ ઉપાડ્યા. હિરેન સ્ટેશન ક્રોસ કરીને પાછળના ભાગે ચાની દુકાન પર પહોંચ્યો ત્યારે જીવો ટેક્સીમાં ગોઠવાઈ ચૂક્યો હતો. નંબર પ્લેટના આધારે હિરેન જીવાની ટેક્સી સુધી પહોંચી ગયો. કંઈપણ કહ્યાં વિના હિરેન ટેક્સીની પાછલી સીટ પર બેસી ગયો. જીવાએ ટેક્સી સ્ટાર્ટ કરી…
ટેક્સી ચાલુ થઈ ત્યાં હિરેનને થયું કે નિરાલી માટે આઈસક્રિમ લેતો જઉં. કોઈ શોપ પર ટેક્સી ઉભી રાખવાની સૂચના આપવા માટે એણે જીવાના ખભા પર ટપલી મારી… જીવો જોરદાર ભડક્યો… બરાડીને બોલ્યો… સાહેબ, ટપલી ના મારશો… હમણાં બસ સાથે અથડાઈ જાત… તમને તમારો જીવ વહાલો નહીં હોય… આ જીવાને જીવ વહાલો છે.
જીવાની બૂમને પગલે હિરેનના મનમાં આવેલો આઈસ્ક્રિમનો વિચાર ઓગળી ગયો… હિરેને નક્કી કર્યું આની સાથે વાત જ નથી કરવી… ટેક્સીમાં નિરવ શાંતિ સ્થપાઈ ગઈ. હરીનગર બ્રિજ ઉતર્યા બાદ ગોત્રી હોસ્પિટલ આવી, મંદિર પાસેથી પસાર થતાં જેમ લોકો માંથુ નમાવે, હાથ છાતીએ લગાડે એવી જ રીતે જીવાએ હોસ્પિટલને આદર આપ્યો.
થોડીક વાર તો હિરેનને થયું જવા દે… પણ, પછી થયું પુછી લઉં… આવું કેમ કર્યું? પુછવા માટે એણે સહજ ભાવે જીવાના ખભા પર ટપલી મારી… જીવો ફરી ભડક્યો… સાહેબ ટપલી ના મારશો… હમણાં મરી ગયા હોત…
હિરેને લાગ્યું કે જીવો ખૂબ ધ્યાન પૂર્વક કાર ચલાવી રહ્યો છે અને ટપલી મારવાને કારણે એનું ધ્યાન ભંગ થાય છે. પોતાની ભૂલ માનીને હિરેને કહ્યું, સોરી જીવાભાઈ, મને ખબર નહીં કે ટપલીને કારણે તમે ગભરાઈ જાવ છો…
જીવો બોલ્યો… સાહેબ, એવું નથી… ટપલીની આદત નથી… ગઈકાલ સુધી શબવાહિની ચલાવતો હતો. 20 વર્ષ શબવાહિની ચલાવી પણ કોઈએ ટપલી નથી મારી.