[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । બહુ જ ઓછા ગુજરાતી કદાચ એવા હશે, જેમણે સુપરહિટ ગુજરાતી નાટક ‘ડિયર ફાધર’ નહીં જોયું હોય. હું એમાંનો એક કમનસીબ છું! પણ એનો ફાયદો એ થયો કે સાવ કોરી પાટી સાથે સિનેમાઘરમાં જઈને ફિલ્મ જોવાનો લ્હાવો મળ્યો. વાર્તા અંગે જ્યારે મનમાં કોઈ પૂર્વધારણાઓ ન બંધાયેલી હોય, ત્યારે મનોરંજનના બે જુદા જુદા માધ્યમો વચ્ચેની ભેદરેખા જાળવી રાખવામાં આપોઆપ મદદ મળી જતી હોય છે. સિનેમા અને નાટક, એકબીજાને સમાંતરે ચાલતાં એવા માધ્યમો છે જે સાવ સમીપ હોવા છતાં ખાસ્સા દૂર છે! નાટ્યગૃહની છેલ્લી બેઠક પર બેઠેલો પ્રેક્ષક પણ પહેલી સીટ પર બેઠેલાં પ્રેક્ષક જેટલો જ આનંદ માણી શકે, એ માટે નાટ્યકારના હાવભાવથી શરૂ કરીને અભિનય, વેશભૂષા, સંગીત, પ્રકાશ વગેરે જેવી પ્રત્યેક બાબતોમાં લાઉડનેસ જરૂરી બની જાય છે. સામે પક્ષે, સિનેમામાં ‘ક્લૉઝ-અપ’ની સગવડ આ પ્રણાલીને ધરમૂળથી બદલી નાખે છે.
રંગમંચ સાથે સંકળાયેલાં તમામ કલાકારો-કસબીઓ ચાર પ્રકારના અભિનય – આંગિકમ્ (બૉડી-એક્ટિંગ), વાચિકમ્ (સ્પીચ-વૉકલ એક્ટિંગ), આહાર્યમ્ (કૉસ્ચ્યુમ-મેકઅપ), સાત્વિકમ્ (ઑવરઑલ એક્ટિંગ-બૉડી) – ને ઘોળીને પી ગયા હોય છે. એમના રોમેરોમ અને રગેરગમાં અભિનયની સરવાણી ફૂટતી હોય છે. પરેશ રાવલ, ચેતન ધાનાણી અને માનસી પારેખ ગોહિલ એવા કલાકારો છે, જેમણે ફક્ત ટેલિવિઝન કે ફિલ્મો જ નહીં પરંતુ રંગમંચ પર પણ પુષ્કળ કામ કર્યુ છે! મૂળ રંગદેવતાના સંતાનો તરીકે એમને સંબોધીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. ‘ડિયર ફાધર’ ગુજરાતી ફિલ્મમાં એમની અંદરના તાલીમબદ્ધ થિયેટર-આર્ટિસ્ટ બહુ જ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ‘કાનજી વર્સિસ કાનજી’ના કાનજીભાઈ ઉર્ફે પરેશ રાવલને આજેય પ્રેક્ષકો ઉમેશ શુક્લ દિગ્દર્શિત ‘ઓહ માય ગોડ’ના કાનજીભાઈ તરીકે જ ઓળખે છે. ચેતન ધાનાણી તો વડોદરાની મ્યુઝિક-કૉલેજ (ફેકલ્ટી ઑફ પર્ફોમિંગ આર્ટ્સ)માંથી તાલીમ લઈને આવ્યા છે, જે અંગે નેશનલ અવૉર્ડ-વિનીંગ ફિલ્મ ‘રેવા’ના રિવ્યૂમાં પણ મેં લખ્યું હતું. મારા મગજમાં તો આજની તારીખે પણ માનસી પારેખ ગોહિલ એટલે વર્ષો પહેલાં ‘સ્ટાર પ્લસ’ પર આવતી સુપરહિટ સીરિયલ ‘ગુલાલ’ની નાયિકા! જેના ઝાંઝર જ્યાં રણકે, ત્યાં પાણીના ઝરા સ્ફૂરે!
મજાની વાત એ છે કે ગૌરવ લઈ શકાય એવા આ કલાકારોના ત્રિવેણીસંગમને લીધે ‘ડિયર ફાધર’ ગુજરાતી ફિલ્મોના સ્તરને એક પગથિયું ઉપર લઈ આવવાનું કામ કરે છે. મૂળ વાર્તા એટલી કે અચાનક એક રાતે અજય માંકડ (ચેતન ધાનાણી)ના પિતા અને અલ્કા માંકડ (માનસી પારેખ ગોહિલ)ના સસરા (પરેશ રાવલ) પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી નીચે પડી જાય છે. ઇન્સ્પેક્ટર જાડેજા (પરેશ રાવલ) સમગ્ર કેસની તપાસ આદરે છે. અકસ્માત, આત્મહત્યા કે ખૂન? આ ત્રણ સંભાવનાઓ વચ્ચે ઝોલાં ખાતી વાર્તા બાપ-દીકરા-પુત્રવધુના સંબંધને ઉજાગર કરે છે.
‘જેના દુઃખ સરખા, એના દેખાવે પણ સરખા!’ સંવાદ પરેશ રાવલના ડબલ-રૉલને જ જસ્ટિફાય નથી કરતો, પણ માનવમનના નાજુક તાંતણાઓની સુસંગતતા પણ વર્ણવે છે. સમ-દુઃખિયારા લોકો એકબીજા માટે અજાણ્યું ખેંચાણ અનુભવે છે, એ વાત સમાજના દરેક માણસે ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ હશે. આ જ તર્ક પર આધારિત ફિલ્મ છે, ‘ડિયર ફાધર’! એવું સમજી લો ને કે, આ સંવાદ જ ફિલ્મનો હાર્દ છે!
દિવંગત ઉત્તમ ગડા લિખિત અને ડિરેક્ટર ઉમંગ વ્યાસ દિગ્દર્શિત ‘ડિયર ફાધર’ ૧૩૮ મિનિટ લાંબી ફિલ્મ છે. પરેશ રાવલ, ચેતન ધાનાણી અને માનસી પારેખ ગોહિલના ખભે ફિલ્મ સલામત રીતે ઊંચકાઈ છે. આટલા વર્ષો પછી પરેશ રાવલને મોટા પડદે પડછંદ તથા સત્તાવાહી અવાજમાં ગુજરાતી સંવાદો બોલતાં જોવાનો આનંદ કેટલો ગજ્જબ છે, એનો અનુભવ તો થિયેટરમાં જ કરવો જોઈએ. પાડોશીના પાત્રમાં વૈભવ બિનીવાલે, ડૉક્ટરના પાત્રમાં રાકેશ મોદી અને અલ્કાની મિત્રના પાત્રમાં કૌસાંબી ભટ્ટ જેવા જાણીતાં અને પરખાયેલાં ચહેરાઓને જોઈને ખૂબ રાજીપો થયો. પોતાના નાના છતાં દમદાર કિરદારોને એમણે પૂરતો ન્યાય આપ્યો છે. નબળા પાસાંની વાત કરીએ તો, ફિલ્મના શરૂઆતી દ્રશ્યોને જરૂર કરતાં વધારે લાંબા અને અતિશય બોલકા રાખવાને બદલે ક્રિસ્પ અને ચોટદાર રાખવાની આવશ્યકતા હતી, એવું મારું અંગત મંતવ્ય છે. બેકગ્રાઉન્ડ સ્કૉર પર ખાસ્સું કામ થઈ શક્યું હોત!
ખેર, આ બંને બાબતોને બાદ કરીએ તો, બેશક આ ફિલ્મ ગુજરાતી પ્રેક્ષકોએ થિયેટરમાં જોવી જોઈએ. ફિલ્મમાં ‘સ્પર્શ’ અંગે બહુ જ લાગણીસભર વાત કહેવામાં આવી છે. ઇન્સ્પેક્ટર જાડેજા બોલે છે, જે વ્યક્તિને પોતાના જીવનમાં વર્ષોથી ફેમિલી-ડૉક્ટર સિવાય ઘર-પરિવારના સભ્યો સુદ્ધાંનો સ્પર્શ ન માણ્યો હોય, એનાથી વધુ બદનસીબ પિતા બીજા કોણ હોઈ શકે? તમે છેલ્લે ક્યારે તમારા પિતાનો હાથ પોતાના હાથમાં લઈને થપથપાવ્યો હતો? ક્યારે એમની સાથે પ્રેમથી એક ટંક ભોજન લીધું હતું? ક્યારે એમની સાથે બહાર ફરવા ગયા હતાં?
પિતા માટે ગુજરાતી સાહિત્ય અને ફિલ્મજગતમાં ઝાઝું કંઈ કહેવાતું નથી, એવી ફરિયાદો હવે ‘ડિયર ફાધર’ની રીલિઝ બાદથી ક્રમશઃ ઓછી થતી જાય, એવી અપેક્ષા! એના માટે પણ પ્રેક્ષકોએ જ આગળ આવવું પડશે. પ્રોડ્યુસર રતન જૈન આ પ્રકારના વધુ ને વધુ અર્થપૂર્ણ સિનેમાનું નિર્માણ કરીને ગુજરાતી ફિલ્મજગતને વાહિયાત-છીછરા-દ્વિઅર્થી-મગજવિહોણાં (ફાર્સ)કૉમેડી-વિશ્વમાંથી બહાર લાવવાનો સફળ પ્રયત્ન કરતા રહે એવી શુભેચ્છા.
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: તાજેતરમાં ‘સિંઘમ’ ફેમ પ્રકાશ રાજે ‘ડિયર ફાધર’ના કૉપીરાઇટ્સ ખરીદી લીધાં છે. આશા રાખીએ કે ટૂંક સમયમાં દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ ગુજરાતી ભાષાનું આ બળકટ સર્જન નવા સ્વરૂપમાં અવતરે!
કેમ જોવી?: પિતા, પિતૃત્વ અને પરેશ રાવલ માટે!
કેમ ન જોવી?: ગુજરાતી ભાષા ન સમજાતી હોય તો!
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, પેટ્રોલના ભાવ 150 રૂપિયે લિટર પહોંચશે તો, તું શું કરીશ?
ટાઈગર – હું બાઈકમાં સાઈકલના પેન્ડલ નખાવી દઈશ… થોડું પેટ્રોલ પર ચાલવાનું… વધારે પેન્ડલ પર…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz