• ‘ઘાટ’નું ટ્રેલર જોઈને પહેલી વખત એવી ઈચ્છા થઈ કે ‘ઓહો ગુજરાતી’ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ.
  • બે અલગ અલગ પેઢીના પંડિતો – ભાસ્કરભાઈ અને અનિલ – વચ્ચે ચાલતી ગોરપદુંની મૂકસ્પર્ધા.
  • ડિરેક્ટર અને એડિટર તરીકે રાહુલ ભોલે તેમજ વિનીત કનોજિયાની બેલડીએ પોતાનો કમાલ ફરી દેખાડ્યો છે.
  • સરપ્રાઇઝ એલિમેન્ટ છે, ચેતન ધાનાણી! ના. અભિનેતા તરીકે નહીં, લિરિસિસ્ટ તરીકે!

[Funrang Editor – Mr.   Mehulkumar Vyas – 9978918796]

ફનોરંજન રંગમંચના ધુરંધરો અને નવી પેઢીને નાટ્યશાસ્ત્રની કક્કો-બારાખડી શીખવતાં નાટ્યશિક્ષકો મેદાનમાં આવે, ત્યારે કેવું ઉત્કૃષ્ટ સર્જન કેમેરાના કચકડે કંડારી શકાય એનું એક ઉદાહરણ એટલે ‘ઘાટ’! સાવ નિખાલસપણે કહું તો, ‘ઘાટ’નું ટ્રેલર જોઈને પહેલી વખત એવી ઈચ્છા થઈ કે ‘ઓહો ગુજરાતી’ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. કારણો સ્પષ્ટ હતાં: (૧) ‘રેવા’ના મેકર્સનું ઘણા સમય બાદ પુનરાગમન અને એ પણ વેબસીરિઝ સ્વરૂપે. (૨) મા નર્મદાના ઘાટની પૃષ્ઠભૂમિ પર રચાયેલી વાર્તા.

નર્મદાઘાટે વર્ષોથી ગોરપદું સંભાળી રહેલાં શાશ્વત દાદા (રાકેશ મોદી)ની ચિરવિદાય બાદ એમનું સ્થાન રિક્ત થયું છે. શાશ્વત દાદાની ચિત્તા પણ શાંત નથી થઈ, ત્યાં ભાસ્કરભાઈ (વૈભવ બિનીવાલે), અનિલ (પ્રમથ), દેવુ મહારાજ (જીતેન્દ્ર કર્વે), શેખર મહારાજ (મેહુલ વ્યાસ) સહિત તમામ પંડિતોના મનમાં યક્ષપ્રશ્ન ઉદ્ભવી ચૂક્યો છે કે, નર્મદાઘાટના મહાપંડિત હવે પછી કોણ બનશે?

અહીંથી શરૂ થાય છે, ‘ઘાટ’ની વાર્તા, જેનું સૌથી અગત્યનું પાત્ર છે, નર્મદાનું ખળખળ વહેતું નીર! બેકગ્રાઉન્ડ સ્કૉરની પણ જરૂરિયાત ઊભી ન થાય એ રીતે, નર્મદાએ પોતાની પાત્રતા આખી સીરિઝમાં જાળવી છે. મનમાં ચાલતાં દ્વંદ્વ, અઘોષિત પીડા, હ્રદયના ખૂણે સંઘરી રાખેલો સંતાપ અને કોતરી ખાતી ભવિષ્યની ચિંતા સમય-સમય પર નર્મદા થકી વ્યક્ત થતી રહે છે. એની ક્ષિતિજ પર ઉગતો-આથમતો સૂરજ નર્મદા‘ઘાટ’ના મનોભાવનો સાક્ષી બનીને પોતાની હાજરી સતત પૂરાવતો રહે છે.

બે અલગ અલગ પેઢીના પંડિતો – ભાસ્કરભાઈ અને અનિલ – વચ્ચે ચાલતી ગોરપદુંની મૂકસ્પર્ધા ગણિતના એક્સપૉનેન્શિયલ ગ્રાફની માફક શરૂઆતમાં સાવ મંદગતિથી અને પછીથી ઘોડાવેગે આગળ વધે છે. વચ્ચે વચ્ચે ક્રિકેટ-કમેન્ટેટરની માફક લાઇવ-ફીડબેક આપી રહેલાં ‘ક્રિષ્ણા ટી સ્ટૉર’ના રાજભાઈ (કુનાલ ધાનાણી)ના મંતવ્યો પ્રેક્ષકોના મગજમાં પંડિતો અને નર્મદાઘાટની માટેની એક ચોક્કસ છબી ઉપસાવવાનું કામ કરે છે. ફૉર્થ વૉલ પર બેસીને સીરિઝ માણી રહેલાં પ્રેક્ષકો જેમ નિરપેક્ષભાવે ‘ઘાટ’નો નજારો જોઈ રહ્યા છે, એ જ રીતે અનંત વેલાણી અને યશ બુદ્ધદેવના પાત્રો – સૂત્રધારો – એકબીજા સિવાય અન્ય કોઈનીય સાથે વાતચીત ન કરતાં હોવા છતાં આખી કથાને એકતાંતણે બાંધી રાખે છે. એમને અપાયેલાં સંવાદો, એમાં છુપાયેલો મર્મ અને વાર્તાપ્રવાહને ખલેલ પહોંચાડ્યા વગર હળવેકથી નવા મુકામ પર લઈ જવા જેટલી સજ્જતા માટે લેખક કશ્યપ વ્યાસને દાદ આપવી પડે.

વૈભવ બિનીવાલેએ પોતાના પાત્રને એટલું અસરકારક બનાવ્યું છે, કે પ્રત્યેક દર્શકના મનમાં એમના પાંડિત્ય માટે માન ઉપજે. કિરદારને આટલું વાસ્તવિક બનાવવું એ મહેનત માંગી લે એવું કામ છે. મેહુલ વ્યાસ તો રોજિંદા જીવનમાં પણ ગોરપદું કરી જાણે છે, એટલે ‘શેખર મહારાજ’ કા તો ક્યા કહેના? એ સિવાય જીવણ મહારાજ (ભાનુપ્રસાદ ઉપાધ્યાય)ના ભાગે એકલદોકલ સંવાદો આવ્યા હોવા છતાં પ્રેક્ષક માટે તેઓ જીજ્ઞાસાનો વિષય બની જાય છે. ખરેખર તો જીવણ મહારાજનું પાત્ર સીરિઝના અન્ય કિરદારોને પરોક્ષ શિક્ષા આપવાનું કામ કરે છે.. અને એ પણ સાવ નિર્લેપભાવે! વૈભવ બિનીવાલે, મેહુલ વ્યાસ, જીતેન્દ્ર કર્વે, રાકેશ મોદી તો સ્વયં રંગમંચની તાલીમ આપતાં કુશળ શિક્ષકો છે એટલે એમના અભિનયમાં ધાર તો હોવાની જ! ચેતન ધાનાણી, હર્ષિત કોઠારી, રંગનાથન અને મયંક ગઢવી જેવા કલાકારોના નાના પરંતુ અસરકારક પાત્રો વેબસીરિઝમાં ફ્લેવર ઉમેરે છે. એમાં પણ ખાસ કરીને મયંક ગઢવીનો કાઠિયાવાડી લહેજો ઘડીના છઠ્ઠા ભાગમાં દર્શકનું ધ્યાન ખેંચી લે છે.

ડિરેક્ટર અને એડિટર તરીકે રાહુલ ભોલે તેમજ વિનીત કનોજિયાની બેલડીએ પોતાનો કમાલ ફરી દેખાડ્યો છે. રાજાણીના પાત્રમાં કેમિયો કરતાં ચેતન ધાનાણી સાથેની પૂજાવિધિ પૂરી થાય, એ પછી દર્શાવવામાં આવતો નર્મદા ઘાટનો ડ્રોન-શૉટ આંખોને ફક્ત ટાઢક નથી પહોંચાડતો, પરંતુ નર્મદાની વિશાળતા, ગતિશીલતા અને સમતાને પણ દર્શાવે છે. આવા તો બીજા અગણિત શૉટ છે, જેના માટે ડિરેક્ટર/ડિરેક્ટર્સને દાદ આપવી ઘટે! બહુ ઓછી વેબસીરિઝ અને ફિલ્મો એવી જોઈ છે, જેમાં પાંડિત્યને કથાવસ્તુના કેન્દ્રમાં રાખવામાં આવ્યું હોય. મારા તો પરિવારમાં જ કર્મકાંડી વ્યક્તિઓ હોવાથી નાનપણથી આ કલ્ચરને બહુ નજીકથી નિહાળવાનો અવસર મળ્યો છે. આનંદ એ વાતનો થયો કે વેબસીરિઝના તમામ પાત્રોના મુખેથી ઉચ્ચારાતાં સંસ્કૃત-મંત્રોમાં એકપણ ત્રુટિ, ક્ષતિ કે ચૂક નથી જોવા મળી. સ્વાભાવિક છે, રંગમંચના જીવ હોવાને લીધે ‘સ, શ અને ષ’ બાબતે પણ ભૂલ થવાની સંભાવના તો ન જ હોય!

સરપ્રાઇઝ એલિમેન્ટ છે, ચેતન ધાનાણી! ના. અભિનેતા તરીકે નહીં, લિરિસિસ્ટ તરીકે! ‘રેવા’ તો રાષ્ટ્રીય સ્તર પર પોંખાઈ ચૂકી છે અને કલાકાર તરીકે તો થોડા અઠવાડિયા પહેલાં જ એમની ‘ડિયર ફાધર’ ફિલ્મ આપણે જોઈ ચૂક્યા છીએ, પરંતુ ‘ઘાટ’ના ટાઇટલ-ટ્રેકના લિરિક્સ આજ વખતે એમણે લખ્યા છે. ભવિષ્યમાં એમણે આ ક્ષેત્રે પણ આગળ ધપવું જોઈએ, એ વાતની ‘બરોડ ટૉકિઝ’ ટીમ ખાસ નોંધ લે.

કેટલાક દર્શકોને સીરિઝ પ્રમાણમાં થોડી ધીમી લાગી શકે, પરંતુ આ પ્રકારના અમુક ચોક્કસ કથાવસ્તુને વિશાળ ફલક પર પ્રસ્તુત કરતાં હોઈએ, ત્યારે મંથરગતિ યથોચિત ગણી શકાય. શરૂઆતમાં કહ્યું એમ, નર્મદાના નીરની ગતિશીલતા સામે સંતુલન સાધી શકે એટલો ધૈર્યવાન દ્રષ્ટિકોણ દિગ્દર્શક પાસે હોય, તો જ આટલાં સમપ્રમાણ નવ-રસ ધરાવતી વેબસીરિઝનું નિર્માણ શક્ય છે.

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ: છેલ્લાં કેટલાક દિવસોથી સતત ટ્રાવેલિંગમાં હોવાથી મોસ્ટ-અવેઇટેડ ફિલ્મ ‘RRR’ થિયેટરમાં જઈને જોવાનો મોકો હજુ નથી મળ્યો. તમે જોઈ હોય તો કેવી લાગી એ જરૂરથી કહેજો.

કેમ જોવી?: રેવાના રવનો રસાસ્વાદ માણવા માટે!

કેમ ન જોવી?: ધૂમધડામ અને મસાલા ભભરાવેલી વેબસીરિઝ જોવા ટેવાયેલા હો તો!

(આજનો Funrang જોક)

ચમન – યાર, આ ઓનલાઈન ડિલિવરી કરનારા છેતરતાં હોય છે…

અમન – કેમ શું થયું?

ચમન – બપોરે બહુ ગરમી લાગતી હતી, એટલે ઓનલાઈન બરફ મંગાવ્યો… ખોલીને જોયું તો પાણી નિકળ્યું… બોલ..

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે.   રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.   v.   vyas@gmail.   com / funrangnews@gmail.   com પર મેઈલ કરો.   

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.   whatsapp.   com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *