Mehulkumar Vyas. બોસ, ગમે તે કહો વડોદરા શહેર નસીબદાર તો ખરું… વિકાસશીલ વિચારોવાળા મેયર્સ મળ્યાં છે આ શહેરને.. નસીબની જ વાત છે ને!!? શહેરીજનોને પીવાના પાણી – ગટર – ખાડાવાળા રસ્તા જેવી સામાન્ય જરૂરીયાતોમાં ભલે તકલીફ પડતી હોય, છતાં સ્માર્ટ સિટી બનાવવાના અભરખાં ઓસરવા નથી દેવાયાં. સત્તાધીશો આ શહેરને શાંઘાઈ તો ચપટી વગાડતાં બનાવી શકે એમ છે, પણ એમને ભ્રષ્ટાચાર નડી જાય છે. અને પાછું ભ્રષ્ટાચાર કોણ કરે છે? એ ખબર પડતી નથી. હશે એ તો જેટલાં મોંઢા એટલી વાતો, અને જેટલી વાતો એટલું વતેસર…
સૂરસાગર તળાવના કિનારે 100 વર્ષ જેટલું જૂનું મસોબા ભગવાનનું મંદિર અજાણ્યા કારણોસર – અજાણ્યા સંજોગોમાં – અજાણ્યા આદેશોને આધિન કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ભગવાન શિવના અંશ એવા મસોબાનું નાનકડું મંદિર શ્રી સર્વેશ્વર મહાદેવની પીઠ પાછળ હતું, કદાચ એટલે ભગવાન સર્વેશ્વર મહાદેવનું આ ઘટના પર ધ્યાન ના ગયું, નહિતર એમણે મંદિર તૂટતા બચાવી લીધું હોત. પણ જે થયું એ… મંદિર તૂટતાં સ્થાનિક શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ ગઈ.
ગત તા. 28 જુલાઈના રોજ મંદિર પુનઃ બાંધવાની માંગણી સાથે દુભાયેલા શ્રદ્ધાળુઓ મેયરશ્રી કેયૂરભાઈ રોકડીયાને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. મસોબાનાં મંદિરના પુનઃ નિર્માણ માટે સૂરસાગર કિનારે અન્ય જગ્યા નક્કી કરવાના મામલે ચર્ચા થોડી ઉગ્ર થઈ ગઈ હતી. આમ તો, સમગ્ર ચર્ચાને અંતે મંદિર ક્યારે અને ક્યાં બનશે? એ તો નક્કી ના થઈ શક્યું, પરંતુ ચર્ચામાં મેયરશ્રીએ વિકાસશીલ વિચારને વ્યક્ત કર્યો હતો.
દુભાયેલા શ્રદ્ધાળુઓ સાથેની ચર્ચામાં એક તબક્કે મેયરશ્રી કેયૂરભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, મારી ઈચ્છા તો સૂરસાગર તળાવમાં (એમ્ફીબાયોસ – જમીન પર ચાલતી અને પાણીમાં તરતી) બસ ફેરવવાની છે. એમનો કહેવાનો અર્થ કંઈક એવો હતો કે, દાંડીયા બજાર તરફથી પેસેન્જર ભરેલી બસ આવે, બસ સૂરસાગરમાં ઉતરે એટલે બોટ બની જાય અને ન્યાયમંદિર તરફથી બહાર નિકળે ત્યારે પાછાં પૈંડા બહાર આવે અને બસ આગળ વધી જાય.
કેટલો ઉમદા વિકાસશીલ – વિકાસલક્ષી વિચારધારા… શહેરીજનોને એક અનોખું નજરાણું આપવાનું વિઝન. સોનાથી મઢાઈ રહેલાં ભસ્મના દેવ મહાદેવની ભવ્ય પ્રતિમાનાં નજીકથી દર્શન કરી શકવાનો લ્હાવો શ્રદ્ધાળુઓને મળી રહે તેવો પવિત્ર વિચાર મેયરશ્રીએ વ્યક્ત કર્યો હતો. પરંતુ, દરેક વાતમાં વાંકુ જોવા ટેવાયેલા લોકોને તો બસ વાંક જ જોવો છે.
વક્રદ્રષ્ટાઓનું ના માનીએ તોય એ તો બોલવાના જ… કે, સ્માર્ટ સિટીના નામે કરોડો ખર્ચાયા છતાં ઠેર ઠેર ગંદકી છે, હળવા વરસાદી ઝાપટાંમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, વાઈફાઈનાં કોઈ ઠેકાણા નથી, સૂરસાગર તળાવને સ્માર્ટ સ્વિમિંગપુલ બનાવી દીધો એટલે કાચબાઓ મરી રહ્યાં છે, રસ્તાઓ પર ખાડાં પડેલાં છે, ગંદા પાણીની સમસ્યા છે… આ બધાં પ્રશ્નોનો ઉકેલ પહેલાં જરૂરી છે. આ શહેરને એમ્ફીબાયોસ બસની હાલ જરૂર નથી. વક્રદ્રષ્ટાઓ તો ત્યાં સુધી કહે છે કે, સૂરસાગર તળાવમાં બોટીંગના ઠેકાણા નથી ત્યાં બસ તરાવવાના શેખચલ્લીના વિચારો કરવાનો શું અર્થ.
હશે વક્રદ્રષ્ટાઓને ઉપરવાળાએ જે બુદ્ધિ આપી હોય… પણ, બોસ, એમ્ફીબાયોસ બસ દોડતી થાય તો, આખા રાજ્યમાં વડોદરાનાં નામનો ડંકો વાગે… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટમાં પ્લેન ઉડાડ્યું તો વડોદરાના મેયર સૂરસાગર તળાવમાં બસ તરાવે… વાહ વાહ… કેટલો ગર્વ લેવા જેવી બાબત ગણાય.
માત્ર બસમાં પેસેન્જર વધારે ના ચડી જાય એનું ધ્યાન રાખવું પડશે, પેસેન્જરોએ પોતાની આટલી સુરક્ષા તો રાખવી જ જોઈએ. છે કે નહીં…!!?