વિશાલ મિસ્ત્રી રાજપીપળા: વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતી મીરાબા સોલંકી એકા એક ગુમ થતા પિતા નિલેશભાઈ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી.દરમિયાન મીરાબા સોલંકીની રહસ્મય સંજોગોમાં તિલકવાડા નજીક કેસરપૂરા ગામ નજીક ખેતરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી હતી.બીજી બાજુ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલ ખેતરમાંથી મીરાની લાશ મળી આવતા તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી.મીરાની લાશના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મીરાના પરિવારજનો તિલકવાડા આવી પહોંચ્યા હતા અને એ લાશ પોતાની જ પુત્રી મીરાની હોવાની ઓળખ કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવામાં નર્મદા પોલિસને સફળતા મળી છે, મીરાની હત્યા એના પ્રેમી સંદીપે જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
મીરા જ્યારે ઘરેથી નીકળી ત્યારે મીરાએ તેની પિતરાઈ બહેનને વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું હતું કે હું સંદિપ સાથે છું.ચિંતા કરશો નહીં. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ.નર્મદા પોલીસે એ મેસેજને આધારે હત્યારાને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા.યુવતિની હત્યા બાદથી તેનો મિત્ર સંદિપ મકવાણા ગુમ હતો.પોલીસ તેની શોધખોળમાં લાગી હતી, અને વડોદરાના અલગ અલગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી.સંદિપ મકવાણા વડોદરાના વાઘોડિયા રોડ નજીકના પંચમ પાર્ટી પ્લોટ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલિસને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી. મીરાના પરિવારજનોને પણ એવી માહિતી મળતાં તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.જો કે નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સંદિપ મકવાણાને શંકાને આધારે 22 મી એપ્રિલે ઝડપી પાડયો હતો.
નર્મદા પોલીસની પૂછ પરછમાં સંદિપ મકવાણાએ મીરાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.નર્મદા જિલ્લા પોલીવડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે 16 મી તારીખે બપોર બાદ મીરા અને સંદિપ બહાર ગયા હતા સંદિપ મકવાણાએ મીરા વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સબંધ હતો, સંદિપ મીરા સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ મીરા સંદિપ સાથે લગ્ન કરવા માંગતી ન હતી. એટલે સંદિપ મીરાને મારી નાખવાના ઈરાદે પટાવીને વડોદરાથી બહાર લઈ જઈ છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્યના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો.ત્યાંથી સંદિપ મીરાને તિલકવાડા નજીક કેસરપૂરા વિસ્તારમાં લઈ આવ્યો હતો જ્યાં તે એની સાથે મોડી રાત સુધી રહ્યો હતો. ત્યાં પણ એણે મીરાને લગ્ન કરવાની ઓફર આપી હતી, તો મીરાએ એ વખતે પણ ના પાડી હતી.જેથી સંદિપે એકાંતનો લાભ લઈ મીરાને એની જ ઓઢણી વડે ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી, બાદ એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.હત્યાના બીજે દિવસે બપોરે એ લાશ જોવા ત્યાં આવ્યો પણ હતો.
નર્મદા જિલ્લા પોલીવડાએ વધુમાં જણાવ્યું હતું કે સંદિપે આગોતરું આયોજન કરી મીરાની હત્યા કરી છે એમ લાગી રહ્યું છે. સંદિપ ફરાર થયા બાદ પોતાની ઓળખ છતી ન થાય એ માટે માથાના વાળ કઢાવી ફરી રહ્યો હતો. પીએમ રિપોર્ટમાં સંદિપે મીરા સાથે શારીરિક સબંધ બાંધ્યો હોય એવું નથી આવ્યું પણ જો પૂછ તાછ માં જો સંદિપ એ કબુલશે તો એ કલમ પણ ઉમેરવામાં આવશે. આગમી દિવસોમાં મીરાના પરિવારજનોના નિવેદન પણ લેવાશે.