- 18 દિવસથી વડોદરા પોલીસને હાથતાળી આપી રહેલો અશોક જૈન પાલીતાણાથી પકડી પાડવામાં આવ્યો.
- બૂટલેગર અલ્પુ સિંધી હરીયાણાના ગુંડગાવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
FunRang. શહેરમાં ભારે ચકચાર મચાવનાર હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં છેલ્લાં 18 દિવસથી પોલીસને હાથતાળી આપતો અશોક જૈનને પાલીતાણા ખાતેથી દબોચી લેવાયો હતો. તે ઉપરાંત, ચકચારી કેસમાં ભેદી ભુમિકા ભજવનાર બૂટલેગર અલ્પુ સિંધીને હરીયાણાના ગુંડગાંવ ખાતેથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરાની પહેલી મુલાકાત ટાણે જ યોગાનુયોગ શહેર પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.
દુષ્કર્મ કેસમાં પિડીતા દ્વારા મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવેલો સી.એ. અશોક જૈન ગત તા. 19 સપ્ટેમ્બરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલામાં પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ એવાં બૂટલેગર અલ્પુ સિંધીની પણ ભેદી ભૂમિકા બહાર આવી હતી. રાજ્યના નવા ગૃહમંત્રીએ તાજેતરમાં આ મામલામાં કડક વલણ અપનાવવામાં આવશે તેવો મત વ્યક્ત કર્યો હતો.
સમગ્ર પ્રકરણમાં પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટના રિમાન્ડ પૂરા થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. તે ઉપરાંત કાનજી મોકરીયા પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.
અશોક જૈન અને અલ્પુ સિંધી હાથ લાગતાં ના હતાં તે અંગે અનેક તર્ક વિતર્ક વહેતાં થયા હતાં. અશોક જૈને વકીલ મારફતે કરેલી આગોતરા જામીનની સુનવણી પણ તા. 8 ઓક્ટોબરના રોજ થવાની હતી. દરમિયાનમાં એક તરફ આજરોજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહેલીવાર વડોદરાની મુલાકાતે આવી રહ્યાં હતાં. તેવા ટાણે બીજી તરફ પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.
પાલીતાણાના ધોલેરા ખાતેની ધર્મશાળામાં છુપાઈને ભત્રીજા સાથે સંપર્કમાં રહેલાં અશોક જૈનને પોલીસે ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ, હરીયાણાના ગુંડગાંવ ખાતે છુપાયેલા બૂટલેગર અલ્પુ સિંધીને પણ દબોચી દીધો હતો. બંને આરોપીઓને લઈને ટીમો વડોદરા આવવા રવાના થઈ હોવાની માહિતી પ્રાપ્ત થાય છે.
#Vadodara #Funrangnews #Rapcase #Ashokjain #Crime