- વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સચિને જ ગળું દબાવી મહેંદીને મોતને ઘાટ ઉતારી.
- હિના ઉર્ફે મહેંદી સાથેના સંબંધથી સચિન દીક્ષીત શિવાંશનો પિતા બન્યો હતો.
- સચિન દીક્ષીત છેલ્લાં ત્રણ મહિનાથી વડોદરા ખાતે જોબ કરતો હતો.
FunRang. બે દિવસ અગાઉ ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં ત્યજી દેવાયેલા માસૂમ શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીનો મૃતદેહ વડોદરાના બાપોદ વિસ્તારના એક ફ્લેટના રસોડામાં સૂટકેસમાં પેક કરાયેલી હાલતમાં મળી આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શિવાંશના પિતા સચિન દીક્ષીતની ધરપકડ બાદ જ પ્રકરણ પરથી પડદાં હટી રહ્યાં છે.
સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં દોઢ વર્ષિય શિવાંશને તેનો પિતા સચિન દીક્ષીત ભેદી સંજોગોમાં તરછોડીને ભાગી છૂટ્યો હતો. આ બનાવને પગલે રાજ્યભરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, પોલીસ તંત્ર દ્વારા ગણતરીના દિવસમાં સચિન દીક્ષીતને ઝડપી પાડવામાં આવ્યો હતો.
છેલ્લાં ત્રણ મહિનાથી વડોદરા ખાતે નોકરી કરતાં સચિન દીક્ષીતના પ્રથમ લગ્ન થઈ ચૂક્યા હતા. જોકે, ત્યારબાદ અમદાવાદના એક શો રૂમમાં નોકરી કરતી હિના પેઠાણી ઉર્ફે મહેંદી સાથે તેને પ્રેમ થયો હતો. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમપ્રકરણને પગલે વર્ષ 2020માં શિવાંશનો જન્મ થયો હતો.
ગત જૂન – 2021માં સચિન અને મહેંદી વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલાં દર્શનમ્ ઓવરસિઝનો જી-102ફ્લેટ ભાડે રાખી લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતાં. તેમજ વડોદરામાં જ નોકરી શરૂ કરી હતી. સચિન સોમથી શુક્રવાર દરમિયાન મહેંદી સાથે વડોદરા રહેતો હતો અને શનિ – રવિ ગાંધીનગરમાં માતા – પિતા સાથે રહેતી પત્ની અનુરાધા સાથે રહેવા જતો હતો.
બે દિવસ અગાઉ સચિન અને મહેંદી વચ્ચે વતન જવા બાબતે ઝગડો થયો હતો. ઝગડા દરમિયાન ઉશ્કેરાયેલા સચિને ગળું દબાવીને મહેંદીની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ મહેંદીની લાશને સૂટકેસમાં પેક કરીને તે શિવાંશને લઈ નિકળી ગયો હતો. દરમિયાનમાં શિવાંશ માતા પાસે જવાની જીદ કરતાં તેને ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ મંદિરની ગૌશાળામાં ત્યજીને સચિન ભાગી છૂટ્યો હતો.
હાલના તબક્કે શિવાંશને શિશુગૃહમાં ખસેડી દેવામાં આવ્યો છે.
#Funrangnews