• ભાલીયાપુરા, બીલ, તલસટ – વડસર, રણોલી – કોયલી, છાણી ગ્રામ્ય વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના ડ્રોનથી દરોડા.

FunRang. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના છેવાડાના વિસ્તારોમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠીઓ પર ડ્રોનની સહાયતાથી દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં 10 ભઠ્ઠીઓ પરથી 113 લીટર દેશીદારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના છેવાડામાં આવેલા ભાલીયાપુરા, બીલ, તલસટ – વડસર, રણોલી – કોયલી, છાણી ગ્રામ્ય વિસ્તારમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમતી ચાલતી હોવાની બાતમી શહેર પોલીસને મળી હતી. દેશીદારૂનાં ખેપિયાઓ દ્વારા વાહન જોખમી રીતે હંકારવામાં આવતું હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. તેમજ અકસ્માત સર્જાવાને કારણે જાહેર માર્ગો પર દેશીદારૂની રેલમછેલ થવાની ઘટનાઓ પણ બનવા પામી હતી.

જેને પગલે પોલીસ કમિશનર ડૉ. શમશેરસિંઘની સૂચના ને પગલે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાડેજા અને પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલ દ્વારા દેશીદારૂની ભઠ્ઠીઓનો સફાયો બોલાવવા માટે પાંચ ટીમો બનાવવામાં આવી હતી.

પોલીસની ટીમોએ અંતરીયાળ વિસ્તારમાં ધમધમતી ભઠ્ઠીઓ પર દરોડો પાડવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. અને ભાલીયાપુરા, બીલ, તલસટ – વડસર, રણોલી – કોયલી, છાણી ગ્રામ્ય વિસ્તાર વગેરે ખાતે દરોડા પાડ્યા હતાં. ડ્રોન દ્વારા ખાતરી કર્યા બાદ પાડવામાં આવેલા દરોડામાં ભાલીયાપુર ખાતેથી 2, વડસર ખાતે 2, બીલ ખાતેથી 2, કોયલી – રણોલી ખાતેથી 4 એમ કુલ મળીને 10 ભઠ્ઠીઓ શોધી કાઢવામાં આવી હતી.

(નવરાત્રિ સ્પેશિયલ ગુજરાતી ગીત “ગોરી હું તો તારા માટે” સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો.)

10 ભઠ્ઠીઓ પરથી કુલ 113 લીટર દેશીદારૂ તેમજ દારૂ ગાળવાનો વૉશ સહિતના સાધનો મળી કુલ 20,640 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

#Funrangnews #crimebranch #Vadodara #Vadodarapolice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *