બંગાળના પ્રખ્યાત તંત્ર-ગ્રંથ ‘કાલીવિલાસ તંત્ર’માં એ વાતનો ઉલ્લેખ મળી આવે છે કે, કૃષ્ણ વાસ્તવમાં ગૌર વર્ણના હતાં, જે પરાશક્તિના પુત્ર સ્વરૂપે જન્મ્યા હતાં; પરંતુ જ્યારે એમની લીલાઓ શરૂ થઈ ત્યારે તેઓ શ્યામ વર્ણના થઈ ગયા!
કૃષ્ણના તંત્રસ્વરૂપને રૂઢિગત સમાજ સ્વીકારી શકતો નથી, એની પાછળના મુખ્ય કારણોમાં તંત્ર પ્રત્યેની ગેરસમજ અને સમર્પણભાવના અભાવને ગણી શકાય.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વાઈરલ વિડીયો । મોટાભાગના પુરાણો, ધર્મગ્રંથો અને મહાભારત જેવાં મહાકાવ્યમાં કૃષ્ણને મહાવિષ્ણુના પૂર્ણ-અવતાર માનવામાં આવ્યા છે. આદિ શંકરાચાર્યના પ્રયાસો બાદ ભારતમાં ભક્તિ-ચળવળ વ્યાપક બનવાને કારણે આજે કૃષ્ણ લીલા-અવતાર તરીકે વધુ પ્રચલિત છે, પરંતુ તંત્રશાસ્ત્ર પ્રમાણે કૃષ્ણ અને કાલી એ બંને એક જ ઊર્જાસ્વરૂપો છે! બંગાળના પ્રખ્યાત તંત્ર-ગ્રંથ ‘કાલીવિલાસ તંત્ર’માં એ વાતનો ઉલ્લેખ મળી આવે છે કે, કૃષ્ણ વાસ્તવમાં ગૌર વર્ણના હતાં, જે પરાશક્તિના પુત્ર સ્વરૂપે જન્મ્યા હતાં; પરંતુ જ્યારે એમની લીલાઓ શરૂ થઈ ત્યારે તેઓ શ્યામ વર્ણના થઈ ગયા!
અન્ય ગ્રંથ ‘ટોડલ તંત્ર’ અનુસાર, દસ મહાવિદ્યાઓમાંની સર્વપ્રથમ મહાવિદ્યા કાલીના પતિ કૃષ્ણ છે. શ્યામસુંદર કૃષ્ણનો તાંત્રિક બીજમંત્ર છે: ક્લીં! રસપ્રદ વાત એ છે કે ‘ક્લીં’ એ મહાકાલીનો પણ બીજમંત્ર છે. જન્માષ્ટમીને આપણે શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવીએ છીએ, પરંતુ એ ભૂલી જઈએ છીએ કે આ દિવસે જ નંદબાબાને ત્યાં સ્વયં મહામાયાનો જન્મ પણ થયો હતો, જેને વસુદેવ કારાવાસમાં લાવ્યા હતાં અને બાદમાં કંસે તેની બાળહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ કારણોસર, તંત્રશાસ્ત્ર પ્રમાણે જન્માષ્ટમીને ‘મોહરાત્રિ’ કહેવામાં આવી છે.
દુર્ગા સપ્તશતીના ‘તંત્રોક્ત રાત્રિસૂક્તમ્’માં સ્વયં સર્જનહાર બ્રહ્મા આદિ પરાશક્તિના સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે,
प्रकृतिस्त्वं च सर्वस्य गुणत्रयविभाविनी ।
कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा ॥
ભાવાર્થ: આપ ત્રણ ગુણ (સત્ત્વ, રજસ અને તમસ)ને ઉત્પન્ન કરનારી સર્વ પ્રકૃતિસ્વરૂપા છો. ભયંકર કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ આપ સ્વયં છો!
સંસારમાં રહેતો સાધક ભક્તિભાવપૂર્વક કૃષ્ણનું સ્મરણ ‘ॐ क्लीं कृष्णाय नमः’ મંત્રોચ્ચારણ વડે કરે છે, જ્યારે એ જ મંત્ર કોઈ તંત્રસાધક માટે થોડો ભિન્ન છે:
ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजन वल्लभाय स्वाहा ॥
કૃષ્ણના તંત્રસ્વરૂપને રૂઢિગત સમાજ સ્વીકારી શકતો નથી, એની પાછળના મુખ્ય કારણોમાં તંત્ર પ્રત્યેની ગેરસમજ અને સમર્પણભાવના અભાવને ગણી શકાય.
શ્રીવિદ્યાના પ્રખર ઉપાસક ઓમ સ્વામી કહે છે કે બુદ્ધિશાળી જીવો માટે પૂર્ણ સમર્પણ સૌથી કઠિનત્તમ પ્રયોગ છે. વિચારશીલ મનુષ્યો માટે સમર્પણ પણ શરતોને આધીન હોય છે. આપણે ઈશ્વરના ચરણોમાં ત્યારે જ સમર્પિત થઈએ છીએ, જ્યારે જાત ઉપર કોઈ વિપદા આવી હોય! આ તો વેપાર થયો, ભક્તિ નહીં.
પૂર્ણ સમર્પણનો અર્થ છે, વાંદરાના બચ્ચાનું તેની મા સાથે ચીપકી જવું… બિલાડી દ્વારા તેના બચ્ચાને પોતાના મોઢાની અંદર તીક્ષ્ણ દાંતો વચ્ચે ઉપાડીને એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું! વાંદરાનું બચ્ચું તેની માતાને પૂછવા નથી જતું કે હું તારી છાતી સાથે ચીપકીને બેઠું હોવા છતાં તું નદી-ઝરણા કે પહાડ ઉપરથી કૂદીને કેમ જઈ રહી છે? એવી જ રીતે, બિલાડીનું બચ્ચું એમ નથી વિચારતું કે માતાના દાંત તેના શરીરમાં ખૂંપી ગયા તો? મા સાથે પોતે સંપૂર્ણપણે સુરક્ષિત છે, એવો સમર્પણભાવ એ બચ્ચામાં અજાણપણે જ રહેલો છે!
આધ્યાત્મના માર્ગ પર ચાલનારો માણસ મોટાભાગે પોતાને ‘આપદામુક્ત’ ગણી લેવાની ભૂલ કરી બેસે છે! સમર્પણની વ્યાખ્યા આજકાલ આ પ્રકારની થઈ રહી છે. જેમ જેમ ઉપાસક દ્વારા સાધનાની તીવ્રતા વધતી જાય, એમ એમ તેને એવું લાગવા માંડે કે ઈશ્વર પરત્વે સંપૂર્ણ સમર્પણભાવ દાખવવાથી તેના પર કોઈ સંકટ નહીં આવે; પરિવાર, સમાજ, દેશ, વિશ્વ સુખી અને સમૃદ્ધ રહેશે; ઘરના સભ્યો તથા નિકટજનનું સ્વાસ્થ્ય સારું રહેશે; જીવનમાંથી બાધાઓનો સફાયો થઈ જશે! ભક્તિમાર્ગ ઉપર રહેલી વ્યક્તિને રોગ લાગુ પડે કે પછી બિમાર પડે, તો સમાજ તેના ઈશ્વર સાથેના અનુસંધાનને પણ શંકાશીલ દ્રષ્ટિથી જોવા માંડે છે. વાસ્તવિકતા એ છે કે સમર્પણભાવ તમારી નિયતિ બદલી શકતો નથી. જો પ્રખર કાલી-ઉપાસક હોવા છતાં રામકૃષ્ણ પરમહંસને કેન્સર થઈ શકતું હોય, તો સામાન્ય માનવીની તો શું વિસાત?
મારા ભાગ્યમાં જે દુર્ગતિ લખાયેલી છે, એ થઈને જ રહેશે. એને કોઈ ટાળી શકે એમ નથી. પરંતુ હા, સમર્પણભાવને કારણે સાધકમાં એ દુર્ગતિ સામે બાથ ભીડવાની શક્તિ જરૂર આવે છે. નિઃસ્વાર્થ સમર્પિત હોવાનો ફાયદો એ છે કે સમસ્યાઓના મુશળધાર વરસાદમાં ઈશ્વર દ્વારા વ્યક્તિને સહનશીલતારૂપી છત્રી અને રેઈનકોટ મળી જાય છે, જેથી તે હેમખેમ સ્વધામ પરત ફરી શકે!
કૃષ્ણને ભક્તિમાર્ગ અપનાવીને પૂજવામાં આવે કે પછી તંત્રમાર્ગ વડે, તેઓ હંમેશા પોતાના ભક્તને યથોચિત ફળ અવશ્ય આપે છે. એમાં પણ ખાસ કરીને કળિયુગમાં કૃષ્ણના પ્રત્યેક મંત્રોને ફળદાયી માનવામાં આવ્યા છે. એ મંત્રોના ઉચ્ચારણ પૂર્વે કોઈ પ્રકારના નિષ્કિલન અથવા શાપ-વિમોચન ક્રિયાઓની આવશ્યકતા રહેતી નથી.
(ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.