શ્રીવિદ્યાના પ્રખર ઉપાસક અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશનના પ્રણેતા ઓમ સ્વામી પણ ઘણીવાર શ્રીહરિ વિષ્ણુની વૈજ્ઞાનિક લીલાઓનો પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કરતા હોય છે. હિમાચલપ્રદેશમાં આવેલાં એમના ‘બદ્રિકા આશ્રમ’માં સ્વયં શ્રીહરિના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જે અત્યંત જીવંત અને ચમત્કારી માનવામાં આવે છે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । શતપથ બ્રાહ્મણ, મહાભારત, મત્સ્યપુરાણ, ભાગવતપુરાણ અને અગ્નિપુરાણમાં શ્રીવિષ્ણુના સર્વપ્રથમ મત્સ્ય અવતારની લીલાઓ અંગે ઉલ્લેખ છે. શ્રીવિદ્યાના પ્રખર ઉપાસક અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશનના પ્રણેતા ઓમ સ્વામી પણ ઘણીવાર શ્રીહરિ વિષ્ણુની વૈજ્ઞાનિક લીલાઓ અંગે પોતાના પ્રવચનમાં વાત કરતા હોય છે. હિમાચલપ્રદેશમાં આવેલાં એમના ‘બદ્રિકા આશ્રમ’માં સ્વયં શ્રીહરિના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જે અત્યંત જીવંત અને ચમત્કારી માનવામાં આવે છે.
મત્સ્યપુરાણ અનુસાર, રાજા સત્યવ્રત શ્રીવિષ્ણુના ભક્ત હતાં અને નિત્યપૂજા-ધર્માચરણ થકી તેઓ પોતાના ઈષ્ટને પ્રસન્ન કરવા માટે કાર્યરત હતાં. એક દિવસ અર્ઘ્ય વેળા નદીમાંથી નાનકડી માછલી એમના હથેળીમાં આવી. આશ્ચર્યની વાત એ હતી કે માછલી પાસે વાણી હતી! તેણે સત્યવ્રત પાસે મદદની યાચના કરી. પરિણામસ્વરૂપ, સત્યવ્રતે પોતાની પાસે રહેલાં નાના જળપાત્રમાં તેને આશ્રય આપ્યો, પરંતુ માછલીનું કદ સતત વધતું ગયું. પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે તેના કદની સામે નદીનાળા અને સમુદ્ર સુદ્ધાં વામન લાગવા માંડ્યા, એ વખતે રાજાએ મત્સ્યને પોતાના વાસ્તવિક સ્વરૂપ અંગે જાણ કરવા કહ્યું. પ્રત્યુત્તરમાં મત્સ્યએ પોતાના વિષ્ણુ-અવતાર હોવા અંગેનો ખુલાસો કર્યો અને સાથોસાથ આવનારા મહાપ્રલયની વિસ્તૃત સમજૂતી આપી.
મત્સ્યાવતારે રાજા સત્યવ્રતને એટલું વિશાળ વહાણ/નૌકા બનાવવાનો આદેશ આપ્યો, જેમાં પશુ-પ્રાણી-જીવજંતુ, વનસ્પતિ અને માનવનો વસવાટ થઈ શકે. તદુપરાંત, એ ખાતરી પણ આપવામાં આવી કે મહાપ્રલય દરમિયાન તેઓ સ્વયં એમના વહાણની રક્ષા કરશે. મહાપ્રલય બાદ નવા યુગનો પ્રારંભ થશે, જેની ધુરા સત્યવ્રતે સંભાળવી પડશે.
એકદમ ટૂંકમાં વર્ણવેલી ‘મત્સ્યપુરાણ’ની આ કથા ફક્ત સનાતન ધર્મગ્રંથોમાં જ નહીં, પરંતુ દેશ-દુનિયાના અન્ય ધર્મના ગ્રંથોમાં પણ વાંચવા મળે છે. દાખલા તરીકે, બાઈબલમાં Noah’s Ark અંગે વર્ણન છે. ઘણાં વિદ્વાનોનું માનવું છે કે ‘નોઆહ’ શબ્દ ‘નૌકા’ પરથી ઉતરી આવ્યો છે!
મુદ્દો છે: મહાપ્રલય! મત્સ્ય અવતાર પ્રલયાવધિનું જે વર્ણન કરે છે, તે કઈ રીતે વૈજ્ઞાનિક છે એ અંગે સમગ્ર લેખમાળામાં જાણવાનો પ્રયત્ન કરીશું. જ્વાળામુખી પ્રસ્ફુટન, અસહ્ય તાપમાન, ઑઝોન-સ્તરમાં ગાબડાં, સમુદ્રના જળસ્તરમાં વધારો, તેજાબી વરસાદ અને દુષ્કાળની વાત ફક્ત આધુનિક વિજ્ઞાન જ નહીં, મત્સ્યપુરાણ પણ કરે છે!
જો પુરાણોની સમયરેખાને અનુસરીએ તો, મહાપ્રલય આજથી ૨૫૧.૧૫૨ મિલિયન (લગભગ ૨૫.૧૧ કરોડ) વર્ષો પૂર્વે આવ્યો હતો. અન્ય સંસ્કૃતિઓના ધર્મગ્રંથોમાં પ્રલયની ઘટના ફક્ત અમુક હજાર વર્ષો પૂર્વે બની હતી, એવો મત મળી આવે છે. પરંતુ આજની તારીખે ફક્ત સનાતન સંસ્કૃતિ જ મહાપ્રલયને કરોડો વર્ષ જૂની ઘટના ગણાવે છે, જે સત્યની વધુ નજીક છે; કારણકે આધુનિક વિજ્ઞાનના મત મુજબ, આ ઘટના ૨૫૧.૯ મિલિયન (૨૫.૧૯ કરોડ) વર્ષ પૂર્વે નોંધાઈ હોવાનું ‘રેડિયોમેટ્રિક ડેટિંગ ટેક્નિક્સ’ વડે પૂરવાર થયું છે!
પુરાણોને શા માટે ફક્ત કપોળકલ્પિત ગ્રંથ ન ગણી શકાય, એની પાછળના કારણો સમજવા માટે વિજ્ઞાનના વિષયમાં ઊંડુ ઉતરવું જરૂરી છે. કથાને રસપ્રદ બનાવવા માટે સમયની સાથે ઉમેરાયેલાં નવ રસના આવરણોને ઉતાર્યા બાદ ટેલિસ્કૉપિક-વ્યુથી નજર કરીએ ત્યારે સમજાય કે એમાં વહી ગયેલો ભૂતકાળ અને નક્કર ઈતિહાસ છુપાયેલો છે.
પુરાણોમાં સાર્વત્રિક પ્રલય અંગે વાત થઈ છે. રેશનાલિસ્ટ્સની દલીલ એવી છે કે જો વાસ્તવમાં પુરાણો પ્રલય અંગેની વાત કરી ચૂક્યા છે, તો પછી શા માટે તેમાં જુદા જુદા લોક અને એના ઉપર બનતી ઘટનાઓનો ઉલ્લેખ છે? પ્રલય જેવી વિનાશક ઘટના જ્યારે બની હશે, ત્યારે એ સમયના માનવો માટે કદાચ પરદુન્યવી (Other Worldly) ઘટના હશે. આ કારણોસર જ તેને ભૂમંડળના અન્ય લોક પરથી આવેલી આફત સરખાવવામાં આવી હોય, એ પણ શક્ય છે!
આધુનિક સમાજ માટે શ્રીવિષ્ણુનો કૉન્સેપ્ટ સમજવો અઘરો મુશ્કેલ એટલા માટે છે, કારણકે તેઓ મનુષ્યની શ્રેણીમાં ન મૂકી શકાય એવા અવતારોની વાત કરે છે! આને તાર્કિક દ્રષ્ટિકોણથી સમજવા માટે એક જ આધુનિક ઉદાહરણ આપું: આજે કૃત્રિમ બુદ્ધિક્ષમતા (આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ)ની મદદ વડે જે રોબોટ તૈયાર થઈ રહ્યા છે, એમાં માનવ-સંવેદના મૂકવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. ધારો કે, આ રોબોટ્સને ટઈમ-ટ્રાવેલિંગ ડિવાઈસની મદદથી આજથી ૫૦૦ વર્ષ પહેલાંના ભારતમાં મોકલવામાં આવે તો શું થાય? એ લોકો માટે રોબોટ કોઈ મનુષ્ય નથી. સંભાવના એ છે કે રોબોટને કદાચ ઈશ્વરના અવતાર અથવા અન્ય લોકના રહેવાસી (પરગ્રહવાસી) સાથે સરખાવવામાં આવે!
મત્સ્ય અવતાર સાથે પણ આ ઘટના બની હોય, એ શક્યતા નકારી શકાય નહીં.
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
(ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.