ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક છે શ્રદ્ધા અને આસ્થા! શંકા-કુશંકાઓમાં રચ્યાપચ્યા રહેતા સાધકો એટલી હદે અંધ હોય છે કે સાક્ષાત્ ઈશ્વર એમની સામે આવીને ઊભા રહે તો પણ એમને ખ્યાલ ન આવે! 

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ વૈજ્ઞાનિકોની થિયરી મુજબ, બ્રહ્માંડના વિસ્તરણ અને સંકોચનની પ્રક્રિયા અવિરતપણે ચાલુ છે. આકાશગંગાઓનાં દ્રવ્ય પર હાલ સૌથી વધુ પ્રયોગો થઈ રહ્યા છે. ખાસ વાત તો એ છે કે હિંદુ વેદ-પુરાણોમાં શ્રીહરિ વિષ્ણુની યોગનિદ્રા સાથે તેમની આ સાયન્ટિફિક થિયરી બંધબેસતી પૂરવાર થઈ છે. એ તો નક્કી છે કે બ્રહ્માંડમાં આપણે એકલા નથી! વૈજ્ઞાનિકો હજુ એલિયન્સને રૂબરૂ જોઇ નથી શક્યા પરંતુ તેઓને પરગ્રહવાસીનાં અસ્તિત્વ વિશે તો પૂરેપૂરી ખાતરી થઈ ચૂકી છે.

ભાગવતપુરાણમાં મહાવિષ્ણુને ‘આદિપુરૂષ’ (જેની પહેલા કશાનું અસ્તિત્વ નહોતું અને જેનાં પછી પણ કશાયનું અસ્તિત્વ નહી રહે) કહેવામાં આવ્યા છે. પ્રબળ શુન્યાવકાશ દરમિયાન આદિપુરૂષની ઇચ્છાશક્તિ અને યોગબળને પ્રતાપે સત્વ, રજસ અને તમસનું સંતુલન ખોરવાઈને બ્રહ્માંડનાં સર્જનની પ્રક્રિનાનો આરંભ થાય છે. જેને ‘મહત-તત્વ’ કહે છે. રજોગુણનાં ત્રણ ભાગ અને તમોગુણનો એક ભાગ સંયોજન પામીને મહત-તત્વનું નિર્માણ કરે છે. (અહીં એવું માની લેવાનું જરૂર નથી કે સર્જન પ્રક્રિયામાં સત્વ ગુણની આવશ્યકતા નથી હોતી! રજોગુણ અને તમોગુણનું સત્વગુણ સાથે મિશ્રણ હોવાથી સત્વની હાજરી વિશે કોઇ પ્રશ્ન જ પેદા નથી થતો.) સરળ ભાષામાં કહેવું હોય તો, મહત-તત્વ એ ખરેખર ભ્રમમાં ઉભી થયેલી વાસ્તવિકતા છે (એક એવી વર્ચ્યુઅલ રિઆલિટી, જે વાસ્તવિક હોવા છતાં કામચલાઉ છે!) સર્જનનાં આ પ્રથમ પગથિયા (સર્ગ)ને અંતે ‘મન’ જાગ્રત થાય છે.

બીજા સર્ગમાં ‘મન’ સમગ્ર બ્રહ્માંડને પંચ-મહાભૂત પ્રદાન કરે છે : જળ, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વી! પંચ મહાભૂત એકબીજા સાથે મિશ્રિત થઈને સર્જનની પ્રક્રિયાને આગળ ધપાવે છે. (જે પ્રકારે લાલ, નીલા અને લીલા રંગને અલગ-અલગ પ્રમાણમાં ભેળવવામાં આવે તો આપણને બીજા ઘણા રંગો પ્રાપ્ત થઈ શકે છે એવી જ રીતે પંચ મહાભૂતનું મિશ્રણ અલગ-અલગ બ્રહ્માંડનાં સર્જન માટે કારણભૂત છે!) હવે આવે છે થર્ડ સ્ટેપ એટલે કે ત્રીજા સર્ગનો વારો!

ત્રીજા સર્ગ દરમિયાન દસ ઇન્દ્રિયો નિર્માણ પામે છે. ચક્ષુ, કર્ણ, ઘ્રાણ, સ્પર્શ અને રસ જેવી પાંચ ભાવ-ઇન્દ્રિય અને મોં, હાથ, પગ, ગુદા અને જનનાંગ જેવી પાંચ દ્રવ્ય-ઇન્દ્રિયોનાં નિર્માણ સાથે ત્રીજું સર્ગ પૂરું થાય છે. કેટલીક નાની-મોટી બાબતોને બાદ કરતાં મોટે ભાગે દરેક ધાર્મિક ગ્રંથોમાં બ્રહ્માંડનાં સર્જન વિશેની પ્રક્રિયા એકસમાન દર્શાવવામાં આવી છે.

ત્રણેય મૂળ સર્ગને અનુસર્યા બાદ મહાવિષ્ણુની સર્જન-પ્રક્રિયા હવે વાસ્તવિક બ્રહ્માંડનાં નિર્માણ તરફ આગળ ધપે છે. વિજ્ઞાનમાં આપણે ભણી ચૂક્યા કે શરીર પરનાં લાખો છિદ્રો સતત સંકોચન અને વિસ્તરણ પામે છે. ઉંમર વધે એમ તેમાંથી રૂંવાટી જેવા વાળ ઉગવા માંડે છે. ભાગવતપુરાણમાં અપાયેલી થિયરી અનુસાર, મહાવિષ્ણુના શરીર પર આવેલા આવા કરોડો-અબજો છિદ્રોમાંથી નવા-નવા બ્રહ્માંડનું સર્જન થાય છે. ઉપરાંત, છિદ્રમાંથી દર વખતે એક નવા વિષ્ણુ ઉત્સર્જિત થઈને નવા બ્રહ્માંડના કર્તા-હર્તા બની જાય (માનવ-શરીર એક, પરંતુ લોહીમાંના કોષોની સંખ્યા અબજોમાં જોવા મળે; એ જ રીતે મહાવિષ્ણુ એક, પરંતુ તેમના શરીરમાંના અબજો શ્રીવિષ્ણુ એકીસાથે ઉત્સર્જિત થાય એ પ્રક્રિયા!) મહાવિષ્ણુનાં છિદ્રોમાંથી નીકળેલા અન્ય શ્રીવિષ્ણુને ‘ગર્ભોદકશાયી વિષ્ણુ’ તરીકે ઓળખવામાં આવે છે.

હવે, આજના વિજ્ઞાને બ્રહ્માંડ સર્જન અને વિનાશ માટે સાબિત કરેલી થિયરી પર નજર ફેરવીએ. અવકાશી દ્રવ્યોના સંકોચન અને વિસ્તરણની પ્રક્રિયા એકસાથે થતી જોવા મળે છે. ભાગવતપુરાણમાં કહેવાયું છે કે જ્યારે મહાવિષ્ણુના ઉચ્છશ્વાસ દરમિયાન બ્રહ્માંડનું વિસ્તરણ થાય છે. જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી બ્રહ્માંડ સતત વિસ્તરે છે. પરંતુ જ્યારે તેઓ શ્વાસ અંદર ખેંચે ત્યારે બ્રહ્માંડ સંકોચન પામવાનું શરૂ કરે છે અને અંતમાં, મહાવિષ્ણુ સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી પુનઃસર્જનની દિશામાં આગળ વધે છે.

ગર્ભોદકશાયી વિષ્ણુ એ મહાવિષ્ણુનાં છિદ્રમાંથી ઉત્પન્ન થયેલ વિષ્ણુ-વંશજ છે (એમ સમજોને કે, મહાવિષ્ણુ એટલે પ્રાઇમ-મિનિસ્ટર અને વિષ્ણુ-વંશજ એટલે ચીફ મિનિસ્ટર!) અંડાકાર બ્રહ્માંડના અસ્તિત્વમાં આવતાંની સાથે જ તેઓ સમગ્ર અવકાશને પાણી વડે ભરી દે છે. ત્યારબાદ, તેમની નાભિમાંથી કમળનાં ફૂલ પર બ્રહ્માનું ઉત્સર્જન થાય છે, જેઓ સમગ્ર વિશ્વમાં જીવન-ધબકાર પેદા કરે છે. ગર્ભોદકશાયી વિષ્ણુનું બીજું નામ હિરણ્યગર્ભ છે, જેમને પૂજાઘરમાં આપણે અંડાકાર વિષ્ણુ અર્થાત્ શાલીગ્રામ સ્વરૂપે પૂજીએ છીએ. આજે પણ ઘણા ઘરમાં શ્રીવિષ્ણુની મૂર્તિ નહીં, પરંતુ હિરણ્યગર્ભ સ્વરૂપ વિષ્ણુ જોવા મળે છે, જે ખરેખર બ્રહ્માંડના રચયિતા હોવાનું પ્રત્યક્ષ પ્રમાણ છે.

શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશન થકી વિશ્વભરમાં સનાતન સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરનારા ઓમ સ્વામી પોતાના પ્રવચનમાં કહે છે કે, ‘ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક છે શ્રદ્ધા અને આસ્થા! શંકા-કુશંકાઓમાં રચ્યાપચ્યા રહેતા સાધકો એટલી હદે અંધ હોય છે કે સાક્ષાત્ ઈશ્વર એમની સામે આવીને ઊભા રહે તો પણ એમને ખ્યાલ ન આવે! દરેક ભક્તના જીવનમાં એ સમય આવતો હોય છે, જ્યારે તેની આસ્થા ડગમગી જાય, પરંતુ એ દરમિયાન પણ જે વ્યક્તિ લાગલગાટ ભક્તિમાં લીન રહે તો તેના માટે ઈશ્વરપ્રાપ્તિ અશક્ય નથી.’

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *