સંસારનો ત્યાગ કરીને પહાડો પ્રત્યે આસક્તિ દાખવવી નિરર્થક જણાતી હતી. મોહ ભલે ગમે તે વસ્તુનો હોય, છેવટે તો તે બંધન અને દુઃખનું જ કારણ બને છે.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ (ભાગ-7) જગતજનનીનો આત્મ-સાક્ષાત્કાર થયા પશ્ચાત્ પોતાની મનોસ્થિતિ વર્ણવતા ઓમ સ્વામી એમના અંગ્રેજી પુસ્તક ‘ઈફ ટ્રુથ બી ટોલ્ડ’માં સંસારના ઉદ્ધાર માટે હિમાલયમાંથી પુનઃ પરત આવવાની યાત્રા વર્ણવે છે.

ઑવર ટુ ઓમ સ્વામી:

“… મારી યાત્રા પૂર્ણ થઈ ચૂકી હતી!

મારી પાસે મારો દેહ ત્યજી દેવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ હતો, પરંતુ મને લાગ્યું કે આવું કરવું એ સ્વાર્થીપણું કહેવાશે. બ્રહ્માંડનું મારા ઉપર ઋણ હતું… હું જે કંઈ શીખ્યો, એ અન્ય સાથે વહેંચવું એ મારું કર્તવ્ય હતું. લોકોને રસ્તો ચીંધવાને બદલે એમને માર્ગદર્શન આપવાની અને એમની સાથે યાત્રા ખેડવાની મારી ઈચ્છા હતી; કારણ કે હું દ્રઢપણે માનું છું કે આપણે સ્વયંનું નેતૃત્વ કરતા શીખવું જોઈએ, અન્યોના નેતૃત્વ હેઠળ ચાલવાની જરૂર નથી! સત્ય તો એ છે કે આપણામાંથી મોટાભાગના લોકો પોતાના વિચારો અને લાગણીઓના નિયંત્રણ હેઠળ હોય છે, પરંતુ વાસ્તવમાં આનાથી એકદમ વિપરીત હોવું જોઈએ. આત્મ-સાક્ષાત્કાર આ પ્રક્રિયાને પલ્ટાવી નાંખે છે… ઉપાસક ક્રમશઃ પોતાના વિચારો અને લાગણીઓને નિયંત્રણમાં લાવવાની કળા શીખી જાય છે.

આ જ સમય હતો, સંન્યાસધર્મને નવેસરથી વ્યાખ્યાયિત કરવાનો! એક સંન્યાસી સંસાર ઉપર બોજો બનીને શા માટે રહે? પોતાના જીવનનું ઉત્તરદાયિત્વ તેના ખુદના ખભા ઉપર હોવું જોઈએ અને અંગત જરૂરિયાતો માટે અન્યો પર આધારભૂત ન રહી શકાય. હું એક સંન્યાસી બનવા માંગતો હતો, ભિક્ષુક નહીં. મારી અંગત જરૂરિયાતો માટે કદીય દાન ન સ્વીકારવાની મેં પ્રતિજ્ઞા લીધી. હું કોઈ સંગઠન ઊભું કરીને જુદી જુદી જગ્યાએ આશ્રમ બનાવવા નહોતો ઈચ્છતો. હકીકતે હું મારા મૂળ ઉદ્દેશ્ય સાથે જોડાઈ રહેવા ઈચ્છતો હતો, જેથી અન્ય જિજ્ઞાસુ સાધકોને પણ મેં જે આનંદની અનુભૂતિ કરી હતી એ નિર્વાણાનંદને યોગ્ય બનાવી શકું.

હું ૩ જૂનનાં રોજ હિમાલયમાંથી નીચે પરત ફરી રહ્યો હતો. પ્રદીપે ગામવાસીને જાણ કરી દીધી હતી કે હું થોડા દિવસો માટે ત્યાં રોકાઈશ. મારી સાધના સંપન્ન થઈ હોવાથી પ્રદીપે ભગવાન જગન્નાથના મંદિરે તીર્થયાત્રા માટે જવાનો નિર્ણય કર્યો હતો. હું એમને ફરી ચાલુ વર્ષના અંતભાગમાં મળીશ, એ નિશ્ચિત હતું.

૪ જૂનનાં રોજ ઘણા બધા ગામવાસીઓ મારા સ્વાગત હેતુ પધાર્યા. બબલુનો ખૂબ આગ્રહ હતો કે હું ચામોલી ખાતેના અનસુયા મંદિરમાં રોકાઉં. એમના પ્રેમાગ્રહને માન આપીને મેં કુમારીપૂજનની નાની વિધિ સંપન્ન કરી, જેમાં સોળ વર્ષથી નાની વયની કન્યાઓનું માતારૂપે પૂજન કર્યા પશ્ચાત્ એમને ભેટ-સોગાદ આપવામાં આવે છે.

વિધિ પૂર્ણ થયા પછી સૌને ભોજન પીરસવામાં આવ્યું. માત્ર બે રીંગણાં અને એક ફૂલકોબીમાંથી રાંધવામાં આવેલું શાક ચાલીસથી વધારે લોકો ભરપેટ જમ્યા. કેટલાક લોકોને તો બબ્બે વખત પણ પીરસાયું. હું એમ નથી કહી રહ્યો કે આ કોઈ ચમત્કાર હતો; વાસ્તવમાં પરમાત્માના ગૂઢ રહસ્યો પરત્વે હું આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યો છું. શું વધારાનું શાક ઈશ્વરકૃપાથી આપોઆપ પાત્રમાં આવી ગયું? આ અગત્યનું નથી. પંગતમાં બિરાજમાન ગામવાસી ભરપેટ જમીને ઘરે ગયા, એ મહત્ત્વપૂર્ણ છે.

જંગલને વિદાય આપતી વેળા, ક્ષણવાર માટે મને ઉદાસીનતા અનુભવાઈ. ઉદાસીનતા એટલા માટે કારણ કે, આ સ્થાન કેવળ શાંત અને ગમતીલું જ નહીં પરંતુ અત્યંત વિશેષ હતું. જગતમાતા પરામમ્બિકાએ મને અહીં દિવ્યદર્શન આપ્યા હતાં. મારા માટે આ સ્થળ એમનું જ પ્રતિબિંબ હતું… જો કે, આમ જોવા જઈએ તો જગતમાં એવું શું શેષ હતું જેમાં તેઓ પ્રતિબિંબિત ન થતાં હોય? એ સિવાય, આ જંગલો ભલે મને અત્યંત પ્રિય હોય, પરંતુ આખરે મારે તો મારી યાત્રા આગળ જ ધપાવવાની હતી…

સંસારનો ત્યાગ કરીને પહાડો પ્રત્યે આસક્તિ દાખવવી નિરર્થક જણાતી હતી. મોહ ભલે ગમે તે વસ્તુનો હોય, છેવટે તો તે બંધન અને દુઃખનું જ કારણ બને છે.

વૃક્ષો અને મારી વચ્ચે કેટલીક સામ્યતા હતી… બંને નિર્લેપ અને વૈરાગ્યસભર હતાં. એમના મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલાં હતાં અને મારા મૂળિયાં મારી ભક્તિમાં! વૃક્ષો પોતાના સ્થાન પરથી ડગમગ્યા નહીં. એમણે મને પરત ફરવા માટે લલચાવ્યો નહીં. મેં પણ મારો દ્રષ્ટિકોણ બદલ્યો નહીં; કારણ કે કરૂણાના પાત્રને પ્રેમ કરવાને બદલે કરૂણાના ભાવ સાથે આસક્તિ હોવી એ મારા મતાનુસાર શ્રેષ્ઠ બાબત છે. છેવટે પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વજનને એક દિવસ તો અલવિદા કહેવું જ પડે છે… એ જ શાશ્વત ભાવ છે! પ્રકૃતિ અને હું બંને આ વાત બરાબર રીતે સમજતાં હતાં.

… મેં જંગલોનો આભાર વ્યક્ત કર્યો અને બ્રહ્માંડજનનીના વિચારોમાં આનંદમગ્ન હ્રદય સાથે ત્યાંથી એક નવી યાત્રા ખેડવા માટે નીકળી પડ્યો.”

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *