ઓમ સ્વામી શા માટે આટલા સિદ્ધ-મહાત્મા કહેવાય છે, એની પાછળનું કારણ પણ એમનો સંપ્રદાય જ છે; જે છે – ઉદાસીન પંથ!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ (અંતિમ ભાગ) મંત્ર અને તંત્રસાધનાના માર્ગ ઉપર આગળ વધી રહેલાં સાધકો માટે ગુરુનો સંપ્રદાય સૌથી વધુ મહત્વનો હોય છે. સંપ્રદાય જેટલો આદિકાલીન, એટલી સાધનાસિદ્ધિની શક્યતા વધુ! ભૂતકાળમાં ગુરુવિષયક લેખમાળામાં મેં જણાવ્યું હતું કે વ્યક્તિ મૃત્યુ પશ્ચાત્ માત્ર એક જ વસ્તુ પોતાની સાથે લઈ જઈ શકે છે: આધ્યાત્મિક સંપદા!

ઓમ સ્વામી શા માટે આટલા સિદ્ધ-મહાત્મા કહેવાય છે, એની પાછળનું કારણ પણ એમનો સંપ્રદાય જ છે; જે છે – ઉદાસીન પંથ!

શીખ અને હિંદુ ધર્મને એકબીજા સાથે જોડતી સૌથી મજબૂત કડી છે, ઉદાસીન સંપ્રદાય! ગુરુ નાનકદેવના જયેષ્ઠ પુત્ર આચાર્ય ચંદ્રજીએ આ પંથનું પુનર્ગઠન કર્યુ હતું. કેટલીય શતાબ્દીઓ સુધી વિદેશી આક્રાંતાઓ દ્વારા સનાતન ધર્મની રૂઢિગત આશ્રમ પરંપરા અને સાધુસમાજ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતાં. આનો સર્વાધિક પ્રભાવ ઉદાસીન સંપ્રદાય પર પડ્યો. આદિકાળથી પ્રસ્થાપિત ઉદાસીન ગુરુ-પરંપરામાં દેવર્ષિ નારદથી શરૂ કરીને અનેક શૈવ તેમજ શાક્ત ઉપાસકો થઈ ગયા. ભારતમાં સનાતન ધર્મના પ્રમુખ ધ્વજવાહક તરીકે એક સમયે ઉદાસીન ગુરુઓનું નામ લેવાતું હતું. વિદેશી આક્રમણો પછી ઉદાસીન સંપ્રદાયને એની ભવ્ય પ્રતિષ્ઠા પરત અપાવવાનું કાર્ય આચાર્ય ચંદ્રજી દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર દેશના તીર્થસ્થળો પર એમણે ઉદાસીન આશ્રમ અને અખાડાના નિર્માણનું કામકાજ દ્રુતગતિએ આગળ ધપાવ્યું. હજારો સંન્યાસીઓ અને સંતો-મહંતોએ સનાતન ધર્મના પુનઃપ્રચારનો સંકલ્પ લીધો. પરિણામસ્વરૂપ, ફરી એક વખત ભારતની વેદિક પરંપરામાં નવીન ચેતના પ્રગટી.

ઓમ સ્વામીના ગુરુ નાગાબાબા (કમૌલીવાલે) હઠયોગ અને રાજયોગ સાધનાના સિદ્ધ મહાયોગી હતા, જેઓ ઉદાસીન સંપ્રદાયના સિદ્ધાત્માઓ સાથે જોડાયેલાં હતાં. 88 વર્ષીય નાગાબાબાનું વૈકુંઠગમન લગભગ અઢી મહિના પહેલાં 1લી ડિસેમ્બર, 2022ના રોજ થયું. યુવાનીકાળમાં એમણે નવ વર્ષો સુધી નિરંતર ઊભા રહીને ‘ખડેશ્વરી તપસાધના’, 128 દિવસ સુધી સતત નિર્જળ અને નિરાહાર રહીને ‘કાષ્ઠવત્ સમાધિ તપસાધના’ કરી હતી. એ સિવાય હઠયોગની અન્ય પ્રમુખ સાધનાઓ માટે 45 દિવસ સુધી ‘પંચધૂની તપસાધના’ અને 60 દિવસ સુધી ‘જળધારા તપસાધના’ એમણે સિદ્ધ કરી હતી. કામાખ્યા તંત્રપીઠ પર કઠોર તંત્રસાધના થકી તેઓ ‘મહાતંત્રયોગી’ તરીકે પ્રસ્થાપિત થયા, અને બાદમાં ઉદાસીન સંતસમાજ દ્વારા એમને ‘તંત્રસમ્રાટ’ની પદવી આપવામાં આવી. સમગ્ર જીવનકાળ દરમિયાન એમણે શ્રીયંત્ર ઉપર અસંખ્ય સાધનાઓ કરી, મા મહાત્રિપુરસુંદરીની ષોડશ (સોળ) કળાઓ સિદ્ધ કરી હતી.

એમની સાથેની પ્રથમ મુલાકાતનું વર્ણન કરતા ઓમ સ્વામી પોતાના અંગ્રેજી પુસ્તક ‘ઈફ ટ્રુથ બી ટૉલ્ડ’માં લખે છે: ‘નાગાબાબાને જોતાંવેંત હું મંત્રમુગ્ધ થઈ ગયો. એમના જેવા તેજસ્વી સંન્યાસીના દર્શન મેં પહેલાં ક્યારેય નહોતા કર્યા. વર્ષોની ઉગ્ર સાધનાઓને કારણે એમનો વાન કાળો પડી ચૂક્યો હતો. એમનું શ્યામવર્ણી મુખારવિંદ લાંબી અને સંપૂર્ણ શ્વેત દાઢી-મૂંછ સાથે વિરોધાભાસ પેદા કરતું હતું. મને લાગ્યું જાણે હું કોઈ પ્રભાવશાળી સૂર્યગ્રહણ જોઈ રહ્યો છું! એમની લાંબી-સફેદ જટા મસ્તક ઉપર અસામાન્ય રીતે બંધાયેલી હતી. ગ્રંથોમાં જેમનું વર્ણન છે એવા મહાયોગીઓ, જેમણે કુંભક પ્રયોગ કર્યો હોય એવું ગોળાકાર પેટ અને તપસ્વીઓ સમાન વિશાળ તેજોમય લલાટ! જીવનમુક્ત આત્માની માફક તેઓ પલાંઠી વાળીને પોતાના આસન ઉપર બિરાજમાન હતા. એમણે મારી સામે જોયું. એમની ઝીણી, પરંતુ સ્થિર અને સંમોહિત કરી દેતીઆંખોએ મને એમના તરફ ખેંચ્યો. એ દ્રષ્ટિપાતને કારણે મારી અંદર ભય અને અહોભાવ બંને એકસાથે જન્મ્યા. એવું લાગ્યું જાણે તેઓ મારી સામે નહીં, પરંતુ મારી ભીતર તાકી રહ્યા છે! તત્ક્ષણ મેં મારી જાતને એમના ચરણોમાં સમર્પિત કરી દીધી. એવું લાગ્યું જાણે તેઓ સમસ્ત બ્રહ્માંડને પોતાની અંદર સમાવીને બેઠા છે. મને ખ્યાલ આવી ગયો કે મારી મુલાકાત એક પરમસિદ્ધ આત્મા સાથે થઈ છે!’

આ કૉલમમાં મેં ધર્મને હંમેશા તાર્કિક દ્રષ્ટિકોણ સાથે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓમ સ્વામીના આશીર્વાદથી કેન્સરપીડિત લોકો સ્વસ્થ થયા છે, નિઃસંતાન દંપતીઓને ત્યાં પારણું બંધાયું છે. અસંખ્ય લોકો એમની કૃપાથી લાભાન્વિત થયા છે, પરંતુ ચમત્કારોનું આલેખન કરીને વ્યક્તિને ધર્મ તરફ વાળવાની પ્રથા મને અનૈતિક લાગી છે. ઓમ સ્વામી પણ દ્રઢપણે માને છે કે અવનવા સંપ્રદાયોને અપનાવવાને બદલે મૂળ શાસ્ત્રો, વેદો, પુરાણોમાં અપાયેલી સાધના થકી જ સનાતન સંસ્કૃતિનું પુનરોત્થાન શક્ય છે. ચમત્કારની આશા નહીં, પરંતુ માણસના હ્રદયમાં પ્રગટતી શ્રદ્ધા જ ઈશ્વરભક્તિનું મૂળ હોવી જોઈએ! બોલો, શ્રીહરિ ભગવાન કી જય!

(સંપૂર્ણ)

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *