કેમ જોવી?: માતાના સૌમ્ય અને રૌદ્ર બંને સ્વરૂપોને ભીની આંખે નિહાળવાની સજ્જતા હોય તો!

કેમ ન જોવી?: એક અદ્ભુત ફિલ્મ ચૂકી જવી હોય તો!

Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

ફનરંગ ઘણી ફિલ્મો રિવ્યુથી ઉપર ઉઠી ચૂકી હોય છે. ભલે એ બૉક્સ-ઑફિસ પર સફળ હોય કે નિષ્ફળ, પણ પ્રેક્ષકોના હ્રદય ઉપર રાજ કરવામાં કામયાબ થઈ હોય છે. ‘મેરા નામ જોકર’ આમાંની એક ફિલ્મ હતી, જે વર્ષો બાદ સફળતાનો આસ્વાદ ચાખી શકી અને લોકોના મનોમસ્તિષ્કમાં ઘર કરી ગઈ. તાજેતરમાં નેટફ્લિક્સ પર રીલિઝ થયેલી ફિલ્મ ‘મિસિસ ચેટર્જી વર્સિસ નૉર્વે’ની ગણતરી પણ પણ આ પ્રકારની ફિલ્મોમાં કરી શકાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જો કોઈ બે અભિનેત્રીઓ આજની તારીખે સદાબહાર હોય, તો એ છે કે: માધુરી દીક્ષિત અને રાણી મુખર્જી! એમાંય ખાસ કરીને રાણી મુખર્જીની ફિલ્મો કમર્શિયલ દ્રષ્ટિકોણથી ભલે 100-200 કરોડ ન કમાવી આપતી હોય, પણ પ્રેક્ષકોની આંખમાં આંસુ લાવવાનું ચૂકતી નથી. ‘મર્દાની’ ફિલ્મ આવા જ એક વિષય પર બનેલી ફિલ્મ હતી. જ્યારે ‘મિસિસ ચેટર્જી વર્સિસ નૉર્વે’ સત્યઘટના પર આધારિત ફિલ્મ છે, જેમાં રાણી મુખર્જીએ માતાનો રોલ ભજવ્યો છે.

પોતાના બે સંતાનો – શુભ અને શુચિ – અને પતિ અનિરુદ્ધ ચેટર્જી (અનિર્બાન ભટ્ટાચાર્ય) સાથે રહેતી દેબિકા ચેટર્જી (રાણી મુખર્જી) પોતાના પિયર – કલકત્તા, ભારત – થી દૂર ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા માટે નૉર્વેમાં સ્થાયી થઈ છે. એક દિવસ નૉર્વેના સરકારી અધિકારીઓ દ્વારા તેના બંને નાનકડા ભૂલકાઓને ઉઠાવીને ફૉસ્ટર-હૉમમાં મૂકી દેવામાં આવે છે. દેબિકા ચેટર્જી અને તેનો પતિ માતા-પિતા તરીકે એમના બાળકોને સંભાળવા માટે સક્ષમ નથી, એ બહાનું આગળ ધરીને નૉર્વે સરકાર એમના સંતાનોને દત્તક આપવાની તૈયારી કરી રહી છે. આ પરિસ્થિતિ સામે હિંમતભેર બાથ ભીડનારી દેબિકા ચેટર્જીને કેટલા સમય બાદ અને કયા સંજોગોમાં તેના સંતાનો પાછા મળશે, એના પર આખી ફિલ્મ આધારિત છે.

નૉર્વેના સરકારી વકીલ તરીકે જિમ સાર્ભ અને ભારતના કેબિનેટ મંત્રી તરીકે નીના ગુપ્તાના નાના પણ અત્યંત મહત્ત્વના કિરદારો ફિલ્મમાં સમાવિષ્ટ છે. એક માતા તરીકેના કિરદારમાં રાણી મુખર્જી એ હદ્દે પોતાના પાત્રને ભજવે છે કે પ્રેક્ષકની આંખમાં આંસુ આવ્યા વગર ન રહે. તેની વેદના અને આક્રંદ સંવેદનશીલ વ્યક્તિના હ્રદયમાં શૂળની માફક ભોંકાય છે. તેની આંખમાંથી વહેતું પ્રત્યેક આંસુ અંગાર બનીને કાળજાને જીર્ણશીર્ણ કરી નાંખે છે. વાસ્તવિક ઘટના ઉપર આધારિત ફિલ્મ હોવાને કારણે ક્લાયમેક્સમાં આ કેસની સાચી તસ્વીરો પણ દર્શાવવામાં આવી છે. નીના ગુપ્તાનું પાત્ર જેમના વ્યક્તિત્વ પર આધારિત છે, એ હતાં આપણા પૂર્વ વિદેશમંત્રી – દિવંગત સુષ્મા સ્વરાજ. ઈન્ટરનેટ ઉપર આજની તારીખે પણ સુષ્મા સ્વરાજના વીડિયો વાયરલ છે. ભારતના તેઓ એક એવા રત્ન હતાં, જેમણે ઘણી જિંદગીઓ સુધારવાનું કામ કર્યુ હતું. ભારતની બહાર વિદેશી ધરતી ઉપર વસવાટ ધરાવતાં લોકો માટે એમણે ઘણું કામ કર્યુ છે. આશિમા છિબર દિગ્દર્શિત અને લિખિત ‘મિસિસ ચેટર્જી વર્સિસ નૉર્વે’ ફિલ્મ બિલકુલ ચૂકવા જેવી નથી. સપરિવાર જોવા જેવી ફિલ્મ.

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ: ડિઝની પ્લસ હૉટસ્ટાર પર શુભમન ગિલના અવાજમાં એનિમેટેડ વેબસીરિઝ ‘સ્પાઈડરમેન: અક્રૉસ ધ સ્પાઈડરવર્સ’ રીલિઝ થઈ રહી છે. આમ તો, ભારતીય પ્રેક્ષકોને એનિમેશનનો ચસ્કો લગાડવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે. માર્વેલ સ્ટુડિયોઝ માટે આ પ્રયોગ કેટલો સફળ સાબિત થાય છે એ જોવું રસપ્રદ રહેશે.

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *