• ગત મોડી રાતે ખાસવાડી ઢોરવાડાનું તાળું તોડી લોકોએ 150 જેટલી ગાયો બચાવી.
  • ખટંબા સહિતના ઢોરવાડામાં દૂઝણી અને અન્ય ગાયોની દેખરેખમાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ.

FunRang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

Vadodara News વડોદરા મહાનગર સેવાસદનના સત્તાધારીઓના પ્રચંડ પાપાચારને કારણે છેલ્લાં બે – ત્રણ દાયકાથી નગરજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. સત્તાધારીઓના વાંકે જ, આ વર્ષ માત્ર 12 ઈંચ જેટલાં વરસાદમાં વિશ્વામિત્રી નદીએ 35.25 ફૂટની સપાટી વટાવીને લાખો વડોદરાવાસીઓને અસહ્ય ઉપાધીની થપાટ મારી છે. ત્યારે એક ચોંકાવનારી વિગતો જાણવા મળે છે કે, છેલ્લાં 48 કલાકમાં વડોદરા કોર્પોરેશન સંચાલિત વાઘોડિયાના ખટંબા ઢોરવાડામાં 40થી વધુ ગાયો મૃત્યુ પામી છે.

ફનરંગ ન્યૂઝના પત્રકાર ગોસ્વામી જલ્પેશને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, વડોદરા શહેરના રસ્તાઓથી કોર્પોરેશનની ઢોર પાર્ટી રખડતી ગાય સહિતના ઢોરને પકડી જાય છે. બાદમાં તેમને ખાસવાડી – ખટંબા સહિતના ઢોરવાડામાં રાખવામાં આવે છે.

સામાન્ય રીતે ઢોર પકડવા માટે પહોંચડી ઢોરપાર્ટીની ટીમ સાથે ઢોરના માલિકોએ મારામારી કરી હોવાના સમાચારો છાશવારે સપાટી પર આવતાં હોય છે પરંતુ, ઢોરને પકડ્યા બાદ કોર્પોરેશન તંત્ર ગાય – ભેંસની કેવી દેખરેખ રાખે છે? એ આજે જાણવા મળી રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઢોરવાડામાં દૂધ આપતી દૂઝણી ગાયોને જ સારી રીતે સ્વચ્છ જગ્યા પર રાખીને, સારું ઘાંસ ખવડાવવામાં આવે છે. જ્યારે બાકીના ઢોરને ખૂબ ખરાબ દશામાં રાખવામાં આવે છે. જોકે, ગાયમાતાના નામે પ્રચંડ બહુમતીથી જીતીને આવતાં કોઈ નેતા આ બાબતે આજદીન સુધી એક શબ્દ પણ બોલ્યો હોય એવું કોઈના ધ્યાનમાં આવતું નથી.

ગોસ્વામી જલ્પેશના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં ત્રણ દિવસથી પડી રહેલાં ભારે વરસાદને કારણે ઢોરવાડામાં રહેલી 70 જેટલી ગાયો સહિતના પશુઓની હાલત દયનીય બની હતી. ખટંબા ઢોરવાડામાં ગઈકાલે 30 જેટલી અને આજરોજ 12 જેટલી ગાયો મૃત્યુ પામી હોવાનું જાણવા મળે છે. આમ એકંદરે, બે દિવસમાં 40થી વધુ ગાયોના જીવ ગયા છે.

ગઈકાલે રાત્રે જ્યારે વિશ્વામિત્રી નદીના પાણી ભયજનક સપાટી ઉપર 8 થી 10 ઈંચ વધારે પહોંચ્યા હતાં. ત્યારે ખાસવાડી ઢોરવાડામાં ફસાયેલા પશુઓની તંત્ર દ્વારા કોઈ જ ચિંતા કરવામાં આવી નહોતી. જેના પગલે પશુ માલિક યુવાનોએ રાતના સમયે ખાસવાડી ઢોરવાડાના ગેટનું તાળું તોડીને 150 જેટલી ગાયોને બચાવી હતી.

ગોસ્વામી જલ્પેશે કોર્પોરેશનના અધિકારી સાથે વાત કરતાં તેમણે આ અંગે સ્પષ્ટ ઉત્તર આપવાનું ટાળ્યું હતું. અને પશુ માલિકો પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો.

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *