•  ➡ ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના આ મહાઅભિયાનનું નેતૃત્વ રાજ્ય સરકારે લીધું છે.
  • ➡ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાના નિવારણ માટે મનુષ્યએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે.
  • ➡ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પધ્ધતિ છે, ખેડૂતોને ફાયદો થયો છે.
  • ➡ રાજ્યપાલે ખેડા જિલ્લાના વડતાલ ખાતે મધ્ય ગુજરાતના જિલ્લાઓના ખેડૂતો માટે ત્રિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્ય શાળાનો કરાવ્યો પ્રારંભ.

FunRang News. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,આત્મા પ્રોજેક્ટ, પ્રાકૃતિક ખેતી સંયોજક સમિતિ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાના વડતાલ ખાતે યોજાયેલ ત્રિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યશાળામાં મધ્ય ગુજરાત સહિત સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લાના ખેડુતોએ ભાગ લઈ રહ્યા છે. આ અવસરે રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ જિલ્લાઓના ખેડૂતોનું પ્રમાણપત્ર આપી બહુમાન કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહિ પણ જીવન દર્શન છે. રસાયણોના અવિવેકપૂર્ણ ઉપયોગના કારણે પ્રકૃતિને થયેલા નુકસાનના દુષ્પ્રભાવને નિવારવા માટે આ ક્રાંતિકારી પરિવર્તન છે. તે ખેડૂત સાથે પ્રકૃતિ સંરક્ષણ તરફની દશા અને દિશા બદલનારું બની રહેશે. આજે હજારો કિસાનો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના આ મહાઅભિયાનનું નેતૃત્વ રાજ્ય સરકારે લીધું છે

તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ આજે અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમાં જળવાયુ પરિવર્તન એક મોટો પડકાર વિશ્વ સામે છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાના કારણે પ્રદૂષણ ફેલાયું છે. આજે શ્વાસ લેવાની હવા પણ પ્રદૂષિત થઈ છે. દોઢ દાયકા પૂર્વે આપણે કોઈ પણ સ્થળેથી પાણી પી લેતા હતા. આજે પાણી પણ બોટલનું પીવું પડે છે. કારણ કે પાણી દુષિત થયું છે. હદ તો એ છે કે માતાના ધાવણમાં પણ યુરિયા મળે છે. હવે આવી ગંભીર સમસ્યાના નિવારણ માટે મનુષ્યએ પ્રકૃતિ તરફ પાછું વળવું પડશે.

તેમણે જણાવ્યું હતું કે, માણસ પાસે ગમે તેટલા રૂપિયા હોય પણ તેની નોટ ખાઈને જીવી શકાતું નથી. જીવન માટે તો ખોરાક જ ખાવો પડે છે. હવે આ ખોરાકનું સર્જન કરી ખેડૂત સર્વ જીવનું પોષણ કરે છે. ખેડૂત દિન – રાત મહેનત કરી, પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી અન્ન પેદા કરે છે. પરસેવો પાડીને મળતું ધન જ સાચી સંપત્તિ છે. એટલે જ ખેડૂત જગતનો તાત, રાજાનો રાજા છે.

આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રસાયણોના ઉપયોગથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. કેન્સર, ડાયાબિટીસ, રક્તચાપ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. જમીન, પાણી, હવાને નુકસાન થયું છે. હવે આપણે આપણી મૂળ ખેતી પધ્ધતિ તરફ પાછા વળ્યા સિવાય છૂટકો નથી, આ વાતની ગાંઠ બાંધી લેવાની જરૂર છે. વધુ પાક લેવાની હોડમાં ખાતરો, જંતુનાશકના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બની છે. તેનો એક માત્ર વિકલ્પ પ્રાકૃતિક ખેતી જ છે. આપણે ખેતીના મૂળ માર્ગથી ભટકી ગયા છે. ખેતીના મૂળ સ્વરૂપ તરફ પરત જવું પડશે.

તેમણે જણાવ્યું હતું કે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પધ્ધતિ છે. તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે. ખેતીની ઉપજ પણ વધી છે. હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં લાખો ખેડૂતો આ ખેતી કરતા થયા છે અને વધુ ઉપજ લેતા થયા છે. પ્રાકૃતિક ખેતીને સાચી રીતે કરવાથી ખેડૂતોની સાથે જમીન, પાણી, હવાને પણ ફાયદો થાય છે.

રાજ્યપાલે જણાવ્યું કે, ભારતીય અળસિયા માટી અને કૃષિ અવશેષો ખાઈને તેનું પોષક તત્વોમાં રૂપાંતર કરે છે જેમાં પાંચ ઘણો નાઈટ્રોજન,નવ ઘણો ફોસ્ફરસ અને ૧૧ ઘણો પોટાશ હોય છે જે હવાના ઓર્ગેનિક કાર્બનને વધારે છે જેથી જમીનની ફળદ્રુપતા વધે છે.જેના પરિણામે ખેતી ખર્ચ ઘટે છે અને ખેડૂતોની આવક વધે છે.

તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી સાથે આવરણ આચ્છાદિત (મલચિંગ) પદ્ધતિ અપનાવવાથી ૫૦ ટકા પાણીની બચત થાય છે. હિમાચલ પ્રદેશનું ઉદાહરણ આપતા રાજ્યપાલએ જણાવ્યું કે એક અભ્યાસ મુજબ હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ૫૬ ટકા ખર્ચ ઘટવા સાથે ખેડૂતોની આવકમાં ૨૭ ટકાનો વધારો થયો છે.

રાજ્યપાલએ રસાયણયુકત ખેતીને તિલાંજલિ આપી આપની પ્રાચીન ઋષિ પરંપરા અનુસાર ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાએ જણાવ્યું કે, રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં અદભુત પરિણામો મળી રહ્યા છે. રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતી માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધનો હાથ ધરવામાં આવ્યા છે. દાહોદ અને દેવાતજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહી તે માત્ર રાજ્યના દરેક જિલ્લામાં બજાર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સારી જાતના બિયારણો પસંદ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેત પેદાશોનું પ્રોસેસિંગ કરી પ્રાકૃતિક ખેતી બ્રાન્ડ ઉભી કરવા જણાવ્યું હતું.

વડતાલ સ્વામી નારાયણ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી મુનિ વલ્લભ સ્વામીએ જણાવ્યું કે, ઈશ્વરના અનેક સ્વરૂપ છે અને તે પૈકી પ્રકૃતિ પણ ઈશ્વરનું એક રૂપ છે. ભગવાને પ્રકૃતિનું એટલા માટે સર્જન કર્યું છે કે, તેનાથી જીવમાત્રનું કલ્યાણ થઈ શકે. આપણું પોષણ, ઉત્થાન પ્રકૃતિથી જ થાય છે. રસાયણોના વધારે ઉપયોગથી પ્રકૃતિને નુકસાન થયું છે. હવે તેનું રક્ષણ કરવાની ખૂબ જરૂરત છે. હાલના સમયમાં ખેડૂતોને સાચી પદ્ધતિથી ખેતી કરવાની તાલીમ આપવામાં આવે તે પ્રવર્તમાન સમયની માંગ છે. આ તાલીમથી ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો લગાવ વધશે અને પ્રકૃતિનું, જળ તથા જમીનનું રક્ષણ થશે.

પ્રારંભમાં સૌનો આવકાર કરતા આત્માના નિયામક ડી.વી. બારોટે જણાવ્યું કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવા આવે છે.આ કાર્યશાળામાં દસ જિલ્લાના અંદાજે ૨૭૦૦ જેટલા ખેડૂત મિત્રોને તાલીમ આપવામાં આવશે. સંયુક્ત ખેતી નિયામક શ્રી બી.વી.વસોયાએ આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે નીલકંઠ ધામ પોઈચાના કૈવલ્ય સ્વામી,પ્રાકૃતિક ખેતી સંયોજક સમિતિના સંયોજક પ્રફુલભાઈ સેંજલિયા, કલેકટર કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેકટર ભરત પટેલ,આત્મા,કૃષિ વિભાગના અધિકારીઓ સહિત અંદાજે ૨૭૦૦ જેટલા મહિલા ખેડૂતો સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *