- મોરબીના હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં બનેલી કરુણાંતિકા.
- એક જ પરિવારના 6 શ્રમિકોનું દબાઈ જવાને કારણે મોત નિપજ્યું.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
સુરેન્દ્રનગર । મોરબીના હળવદની જીઆઈડીસીમાં આવેલી મીઠાની ફેક્ટરીમાં વિશાળ દીવાલ પડી જતાં માઠી ઘટના બનવા પામી હતી. દુર્ઘટનામાં એક જ પરિવારના 6 સહિત 12 લોકોના મોત નિપજ્યા હતાં. ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે મૃતકોના વારસદારોને ચાર – ચાર લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરાઈ હતી.
હળવદ જીઆઈડીસીમાં આવેલી સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં આજે 20થી વધુ મજૂરો મીઠાની થેલી ભરી રહ્યા હતાં. મીઠું ભરેલી થેલીઓ સીલ પેક કરીને દીવાલના સહારે ગોઠવી રહ્યા હતાં. દરમિયાનમાં અચાનક દીવાલ જમીન દોસ્ત થઈ જતાં તેની નીચે 20 જેટલાં શ્રમિકો દબાઈ ગયા હતાં. બનાવને પગલે ભારે બૂમરાણ મચી જવા પામી હતી. દીવાલ તળે કચડાઈ ગયેલા શ્રમજીવીઓની મરણતોલ ચીસો ગુંજી ઉઠી હતી.
બનાવને પગલે તાત્કાલિક જેસીબી દ્વારા કાટમાળ હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 12 શ્રમિકોના મૃતદેહ મળ્યા હતાં. હાલના તબક્કે અન્ય કોઈ શ્રમિક દબાયેલો છે કે નહીં તેની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
દીવાલ પડી જવાને કારણે જે 12 લોકોના મોત નિપજ્યા એમાં 6 શ્રમિકો તો એક જ પરિવારના હતાં. જેમાં રમેશભાઈ મેઘાભાઈ સોમાણી (ઉં.વ. 42), દિલીપભાઈ રમેશભાઈ સોમાણી (ઉં.વ. 23), શીતલબહેન દિલીપભાઈ સોમાણી (ઉં.વ. 22), દિપક દિલીપભાઈ સોમાણી (ઉં.વ. 2) શ્યામ રમેશભાઈ સોમાણી (ઉં.વ. 10) અને દક્ષાબહેન રમેશભાઈ સોમાણી (ઉં.વ. 14)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, અન્ય એક પરિવારના ત્રણ સભ્યો ડાહ્યાભાઈ નાગજીભાઈ ભરવાડ, રાજીબહેન ડાહ્યાભાઈ ભરવાડ અને દેવીબહેન ડાહ્યાભાઈ ભરવાડનું પણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કરવા સાથે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકના પરિવારજનોને ચાર – ચાર લાખ રૂપિયાની તેમજ ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય પૂરી પાડવાની જાહેરાત કરી હતી.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz