- ગાય લઇને જતાં યુવકને રોક્યા બાદ દંડા ફટકારવામાં આવ્યાં.
- પશુપાલક પરિવારના ચારથી પાંચ મહિલા – પુરુષને પોલીસ મથકમાં લઈ જવાયા.
- બનાવને પગલે પશુપાલકોના ટોળે ટોળાં રસ્તા પર આવી પહોંચ્યા હતાં.
Mehulkumar Vyas.વડોદરા. આજે બપોરે બે વાગ્યાના અરસામાં ગોરવા પોલીસ મથક પાસે ભારે હોહા મચ્યો હતો. ટોળે વળેલાં પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો કે, ગાય લઈને ઘરે આવતાં યુવકને રોકીને પોલીસે માર માર્યો હતો. પોલીસના દમનકારી વર્તન સામે પશુપાલકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. પોલીસે માર મારતાં યુવકના માથામાંથી લોહી દદળવા માંડ્યું હતું. પોલીસે મહિલાઓ પર પણ જોર અજમાવ્યું હોવાનું લોકોનું કહેવું છે.
ગુજરાતનો સત્તાધારી ભાજપ પક્ષના અગ્રણીઓને શહેરના રસ્તાઓ રખડતાં ઢોરમુક્ત કરવાની ચળ ઉપડી છે. જોકે, શહેરના માર્ગો ઢોરમુક્ત કેવી રીતે કરવા એ અંગે કોઈ ચોક્કસ રણનિતી બનાવવાને બદલે માત્ર આદેશ – ફરમાનો છોડવામાં આવે છે. કોર્પોરેશનનું ભ્રષ્ટ તંત્ર ગોકળગાય ગતિએ રખડતાં ઢોર પકડતું હતું એટલે એમને નિયત ઢોર પકડવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો. જોકે, જે રીતે નિવેદનબાજીઓ થાય છે એ જોતાં એમ કહી શકાય કે, જેમ માંસાહારની લારીઓ હટાવવા માટેનો તુઘલગી વિચાર વહેતો થયો હતો. એવી જ રીતે, થોડા દિવસો – મહિનાઓ સુધી કવાયતો હાથ ધરવામાં આવશે. અને ચુંટણી નજીક આવતાં જ અગ્રણીઓ મત મેળવવા માટે પશુપાલકો સામે હાથ જોડતાં નજરે પડશે.
પ્રજાના મતે ચૂંટાયેલા રાજકારણીઓને પ્રજા કરતાં અતિ વધુ મહત્વના ગણતાં પોલીસ તંત્રએ પણ રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં ચુસ્તતા દાખવવામાં આવી રહી છે. કદાચ તેને જ પરિણામે આજરોજ પશુપાલકો અને ગોરવા પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી.
ગોરવા પોલીસ મથકની પાસે આવેલા ખુલ્લા મેદાન પાછળ પશુપાલકોના વાડા આવેલાં છે. આજે બપોરે બનેલી ઘટના અંગે પશુપાલકોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, એક યુવક પોતાની ગાય લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેને રોકવામાં આવ્યો હતો. અને ગાયને રોકી યુવકને દંડાથી માર મારવામાં આવ્યો હતો.
બનાવ અંગે જાણ થતાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયાં હતાં. લગભગ એકાદ કલાક સુધી માર્ગ પર ઉત્તેજના સભર દ્રશ્યો સર્જાયા હતાં. જોકે, આખરે પોલીસે દંડાના જોરે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પશુપાલકોએ બનાવ અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગોરવા પોલીસ મથક વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક વૃદ્ધને ગાયે અડફેટમાં લીધી હોવાની ઘટના બની હતી. જેને પગલે શક્ય છે કે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ગાય પકડવાનો પ્રયાસ કરવાના ભાગરૂપે કામગીરી કરવામાં આવી હોય.
(Funrang Joke)
પકડું સ્કૂલ સમયના મિત્રના ઘરે ગયો. ચા – પાણી કર્યા બાદ નિકળતી વખતે બાઈકની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાંખ્યો,
અને મિત્રની પત્ની બોલી ‘અરે ના… ના… છોકરાંઓને પૈસા આપવાની જરૂર નથી’ અને પકડુંને 100 રૂપિયાની ચોંટી…