• મોટો પુત્ર કુસંગે ચડી ગયો હોઈ, ડભોઈના હોટલ માલિક ચિંતિત હતાં.
  • હોટલ પર આવેલાં ભેજાબાજોએ વિધી કરાવવાના નામે હોટલ માલિકને છેતર્યા.
  • રૂ. 1.60 લાખમાં કરેલી પહેલી વિધી ફેઈલ ગઈ હોવાનું જણાવી બીજી વિધી કરાવાઈ.
  • ઉજ્જૈનથી વિધી માટે ખાસ તેલ મંગાવવા રૂ. 4.20 લાખ ખંખેર્યા, તેલની શીશી ફૂટી ગઈ હોવાનું જણાવી વધુ 4.20 લાખ પડાવ્યા.

FunRang News. ડભોઈના હોટલ માલિકનો મોટો પુત્ર કુસંગે ચડી ગયો હતો. મોટા પુત્ર સુધરે એની ચિંતા કરતાં હોટલ માલિકને ધૂતારાઓ ભટકાઈ ગયા હતાં. ધૂતારાઓના સંગે ચડીને હોટલ માલિકે રૂ. 17.20 લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ ડભોઈ પોલીસ મથકે નોંધાઈ હતી.

ડભોઈ ખાતે હોટલ ચલાવતાં શખ્સનો નાનો પુત્ર તેમને વ્યવસાયમાં મદદ કરે છે જ્યારે વડોદરા તાલુકાના વતનમાં રહેતો મોટો પુત્ર કુસંગે ચડી ગયો હતો. અવળી લતે ચડી ગયેલા મોટા પુત્રને સુધારવા માટે ચિંતિત હોટલ માલિકે અનેક પ્રયાસો કર્યા હતાં. દરમિયાનમાં હોટલ પર આવેલાં અટલ નરવત તડવીએ તેમને પુત્રની ખરાબ આદતો છોડાવવાની વાત કરી હતી.

હોટલ માલિકના મોટા પુત્રની લતો છોડાવવા માટે વિધી કરવા માટે અટલ તડવી ડભોઈ તાલુકાના નાગડોલ ગામના લક્ષ્મણ કાભઈ તડવીને લઈ આવ્યો હતો. લક્ષ્મણ તડવીએ વિધી કરવા જણાવ્યું હતું અને તેના માટે રૂ. 1 લાખ 60 હજારનો ખર્ચ થશે. એમ કહ્યું હતું. પુત્રની આદતો સુધરે એવી આશા રાખતાં હોટલ માલિકે નાણાં આપ્યા હતાં. ત્યારબાદ વડોદરા પાસેના એક ગામમાં લક્ષ્મણ તડવી અને અટલ તડવીએ કુસંગે ચડેલાં યુવકની વિધી કરી હતી.

રૂ. 1.60 લાખમાં વિધી કર્યા બાદ હોટલ પર આવેલા લક્ષ્મણે હોટલ માલિકને જણાવ્યું કે, વિધીમાં વિઘ્ન આવવાને કારણે તે સફળ થઈ નથી. રૂ. 3 લાખ 60 હજારમાં બીજી વિધી કરવી પડશે. હોટલ માલિકે નાણાં આપતાં લક્ષ્મણ અને અટલ યુવકને લઈને વડોદરા આવ્યા હતાં. માંડવી વિસ્તારમાંથી એક બોક્સ ખરીદીને તેમાં કેટલીક વસ્તુઓ મુકી આપી હતી. બાદમાં હોટલ માલિકના ખેતરમાં વિધી કરી હતી.

 

રૂ. 5 લાખ 20 હજારના ખર્ચે બે વખત વિધી કર્યા બાદ લક્ષ્મણે અંધશ્રદ્ધામાં જકડાઈ ગયેલા હોટલ માલિકને જણાવ્યું કે, વિધી માટે ઉજ્જૈનથી ખાસ તેલ મંગાવવું પડશે. ઉજ્જૈન તેલ લેવા જવા માટે તેણે હોટલ માલિક પાસેથી રૂ. 4 લાખ 20 હજાર પડાવ્યા હતાં. યુવક સાથે ઉજ્જૈન જઈને લક્ષ્મણે એક તેલની બોટલ તેને આપી હતી. અને તેલની બોટલ ઘરમાં મુકવા જણાવ્યું હતું.

ઉજ્જૈનથી આવ્યા બાદ બીજા જ દિવસે લક્ષ્મણ તડવી, અટલ તડવી અને હોટલ માલિક તેમના વતન ખાતેના ખેતરમાં મળ્યા હતાં. લક્ષ્મણે યુવક પાસેથી તેલની બોટલ મંગાવી હતી. બોટલ આવ્યા બાદ લક્ષ્મણે કહ્યું કે, બોટલ તૂટી ગઈ છે, રૂ. 4.20 લાખમાં બીજી લાવવી પડશે. અને જો બીજી વાર બોટલ તૂટશે તો રૂપિયા હું આપી દઈશ. અને વિધી કરવાનો સામાન ખરીદવા માટે રૂ. 3.60 લાખ જરૂર પડશે.

નાણાં તેમજ પરિવારજનોના ફોટો આપવામાં આવતાં લક્ષ્મણે ગામના સ્મશાનમાં કોઈ વિધી કરી હતી. આટલાં નાણાં ખર્ચવા છતાં પુત્રમાં કોઈ ફેર ના પડતાં, હોટલ માલિક અને લક્ષ્મણ વચ્ચે ચકમક ઝરી હતી. જેમાં કાર હોટલ પર છોડીને લક્ષ્મણ જતો રહ્યો હતો. ત્યારબાદ અનેકવાર વાયદાઓ કરવા છતાં તે નાણાં પરત કરતો નહોતો. જેને પગલે આખરે ડભોઈ પોલીસ મથકમાં લક્ષ્મણ કાભઈ તડવી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *