ગરીબી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રે ચાલતી ગેરરીતિ – ગેરવ્યવસ્થાઓને કારણે સહન કરવી પડતી પીડામાંથી અમને એક જ ઝાટકે મુક્તિ મળી અને તેનું સંપૂર્ણ શ્રેય અમે શાસકોને આપવા માંગીએ છીએ. – યુવા મૃતાત્મા
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
અનિલ દેવપુરકર । ર…હે…મ… રહેમ…
ગગનભેદી સ્વરે ઉચ્ચારાયેલા આ શબ્દોથી દેવરાજ ઈન્દ્ર ચોંક્યા. હજુ તો એ કંઈ વિચારે ત્યાં તો વિશાળ જનમેદની બંને હાથ હવામાં ઊંચા કરી રહેમ… રહેમ… પોકારતી તેમની સમક્ષ ઉપસ્થિત થઈ.
દેવરાજ ઈન્દ્રએ હાથ ઊંચો કરતાં જ પોકાર થંભી ગયા. તેમણે પ્રશ્નસૂચક નજરે ટોળાં સામે જોયું. એકાદ બે મૃતાત્મા બે ડગલાં આગળ આવ્યાં તેમણે કહ્યું, મહારાજ! રહેમ કરો… રહેમ કરો…
દેવરાજ ઈન્દ્રએ પૂછયું, હા પણ શેની રહેમ? જરા ફોડ તો પાડો..
એક જુવાનજોધ મૃતાત્મા આગળ આવ્યો. તેણે કહ્યું, મહારાજ! છેલ્લાં ૨૭ વર્ષ દરમ્યાન અમે સૌ કમોતે મરીને આવેલા મૃતાત્માઓ છીએ… વિકરાળ કોરોના દરમિયાન ઓક્સિજન અને દવા-ઈન્જેકશનો વગર રસ્તાઓ પર તરફડી તરફડીને મરેલાઓ, નિર્લજ્જ પશુપાલકોએ રખડતાં મૂકેલાં ઢોરોની અડફેટે આવીને પ્રાણ ખોનારા, બેરોજગારીથી કંટાળી આત્મહત્યા કરનારા અને વારંવાર પેપરો ફૂટવાને કારણે સરકારી નોકરી મેળવવાની આશા ખોઈ-હતાશ થઈ આત્મહત્યા કરનારાઓ તથા નિર્દોષ મનોરંજનના હેતુથી ઝૂલતા પુલ પર લટાર મારવા નીકળેલાઓ…
હા, પણ તેનું શું છે? ઈન્દ્રરાજે જરા જિજ્ઞાસાવશ પૂછયું.
છેલ્લાં ર૭ વર્ષ દરમિયાન અમે અહીં આવેલાઓ પૈકી લગભગ તમામ અમારા કમોત માટે શાસકોને જવાબદાર ગણી તેમને ગાળો ભાંડતા રહ્યા, તેમને કોસતા રહ્યા, તેમને ધિક્કારતા રહ્યા. પણ હવે અમને એવું લાગે છે કે અમને કમોતે મરવા દઈ ખરેખર તો એમણે અમારા ઉપર કદી ન ફેડી શકાય એવો ઉપકાર કર્યો છે.
ક્ષણિક તો ઈન્દ્રરાજ પણ અચંબિત થઈ ગયા. એમણે પૂછયું, એ કઈ રીતે?
શહેરની વચ્ચોવચ ભરચક માર્ગ પર રખડતી ગાયે શિંગડે ભેરવીને ઉછાળવાને કારણે મૃત્યુ પામેલા અન્ય એક યુવા મૃતાત્માએ કહ્યું, મહારાજ, પીડાદાયક ગરીબી, અસહ્ય મોંઘવારી અને લાયકાત છતાં લલાટે લખાયેલી બેરોજગારી જેવા મોરચે લડીને રોજ ટુકડે ટુકડે મરવા કરતાં એક જ ઝાટકે મૃત્યુ મળ્યું એ કાંઈ શાસકોનો અમારા પરનો નગણ્ય ઉપકાર ગણાય?
અન્ય એક મૃતાત્માએ કહ્યું, હું તો મારા માતા-પિતાનો એકનો એક દીકરો હતો. કોરોનાકાળમાં ઈન્જેકશનના અભાવે હું તરફડતો હતો. મારા પિતા એક રાજનેતા પાસે ગયા અને કહ્યું કે તમે હજારો ઈન્જેકશનોનો સ્ટોક કરી રાખ્યો છે એમાંથી મારા દીકરા માટે એક આપો. તેમણે ઉદ્ધતાઈપૂર્વક તેમને ધમકાવી નાંખતાં કહ્યું કે આ તો અમારા પક્ષના હોદ્દેદારો-કાર્યકરો માટે છે, તમારા જેવા એલિયા-ટેલિયાઓ માટે નથી. એ જ વખતે એમની સામે ધ્રૂસકે ધ્રૂસકે રડતાં મારા પિતાના ખભા પર હાથ મૂકી મારી બહેને ફોન સ્વીચ ઓફ કરી મોંફાટ રડતાં રડતાં કહ્યું, બાપુ… ભાઈ ગયો…
યુવા મૃતાત્માએ ઉમેર્યું, મારા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અજાણ્યાઓના હાથે સ્મશાને જલાવી દેવાયો.પણ મને અને મારા કુટુંબને સરકારી આર્થિક સહાયની આશા જાગી કે જેનાથી થોડા દહાડા તો બે ટંક જમવાની જોગવાઈ થશે એવો સંતોષ મને અને મારા કુટુંબને મળ્યો એ કાંઈ નાની ઉપલબ્ધિ થોડી ગણાય?
દેવરાજ ઈન્દ્ર તો એક-એકને સાંભળતા ગયા અને મ્હોં વકાસીને જોતાં રહ્યાં. એક અન્ય મૃતાત્મા આગળ આવ્યો. એણે કહ્યું, મહારાજ! આ હજારો મૃતાત્માઓ પાસે આવી કોઈ ને કોઈ કહાની છે. એ બધી પ્રથમ નજરે અમને સૌને પણ હૃદયદ્વાવક લાગી હતી, પણ હવે અમને લાગે છે કે ગરીબી, મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ-સ્વાસ્થ્ય ક્ષેત્રે ચાલતી ગેરરીતિ – ગેરવ્યવસ્થાઓને કારણે સહન કરવી પડતી પીડામાંથી અમને એક જ ઝાટકે મુક્તિ મળી અને તેનું સંપૂર્ણ શ્રેય અમે શાસકોને આપવા માંગીએ છીએ.
હા, પણ હવે તમે મારી પાસે કઈ રહેમની આશા લઈને આવ્યા છો? ઈન્દ્રરાજે સહેજ આશ્ચર્ય સાથે પૂછયું. એક મૃતાત્માએ કહ્યું, ઈન્દ્રરાજ! હાલ અમારા અપમૃત્યુ માટે જવાબદાર શાસકો વધુ એકવાર ચૂંટણી જીતવા આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. અમારી વિનંતી છે કે એમને આ ચૂંટણીમાં પણ લગભગ અસંભવ અને શંકાસ્પદ લાગે એ હદના રેકોર્ડબ્રેક આંકડા સાથે જીતાડી આપી, અમારા પર રહેમ કરો.
ઈન્દ્રરાજ તો હતપ્રભ જ થઈ ગયા. અન્ય એક યુવા મૃતાત્માએ કહ્યું, ઈન્દ્રરાજ! રોજ ટુકડે ટુકડે મરવા કરતાં એક જ ઝાટકે મૃત્યુનું નિમિત્ત બની એ શાસકો વધુ પાંચ વર્ષના શાસન દરમિયાન અમારા જેવા અન્ય હજારોને અમારી જેમ કાયમી મુક્તિ આપે તો એ તમામ મૃતકો કેટલા નસીબદાર ગણાશે! બાકી ભૂખમરો, ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ગેરરીતિ જેવા રોગોનો તો કોઈ ઈલાજ જ નથી.
જ્યારે લોકો રોગમુક્ત થઈ જ નથી શકવાના તો તેમને આવી રીતે તો એ યાતનાઓમાંથી કાયમ માટે છોડાવી શકાય એવી અમારી ઉદ્દાત ભાવના છે.
ઈન્દ્રદેવ ઘડીક વિચારમાં પડયા ત્યાં ફરી સામૂહિક સ્વરે રહેમ… રહેમ…ના પોકારો થવા માંડયા. મૃતાત્માઓની વાતોનો ગર્ભિત અર્થ પામેલા ઈન્દ્રદેવે એમના હોઠના એક ખૂણાને એક દિશા તરફ લંબાવી સહેજ મર્માળા સ્મિતે હાથ ઊચો કરી પંજો દેખાડતાં કહ્યું, તથાસ્તુ.. તેમ થાઓ…
એ સાથે આનંદથી કિકિયારીઓ પાડતું એ ટોળું પાછું વળ્યું, ત્યારે સામૂહિક સ્વરે કોઈ બે અક્ષરી શબ્દના લયબદ્ધ રીતે થતા સામૂહિક ઉચ્ચારણો વાતાવરણમાં પડઘાતા હતા.
સહેજ સ્વસ્થ થઈ દેવરાજ ઇન્દ્રએ દ્વારપાળ તરફ જોઈને કહ્યું… નેક્સ્ટ….
ક્રમશઃ
(અનિલભાઈની ફેસબુક વોલ પરથી સાભાર લીધેલો લેખ)
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.