- રૂ. 500 – 2000ની ચલણી નોટો ડ્રિંક્સ પાર્ટી, બાર વગેરેમાં નાચવા – ગાવાવાળા પર ઉડાડવામાં આવતી હોય છે.
- લાંચની લેવડ દેવડમાં પણ રૂ. 500 – 2000ની ચલણી નોટોનો થતો ઉપયોગ.
- રાજસ્થાનના પૂર્વ મંત્રી અને સાંગોદથી કોંગ્રેસના ધારાસભ્ય ભરતસિંહનો વડાપ્રધાનને પત્ર.
FunRang. રૂ. 500 અને 2000ની ચલણી નોટ પરથી મહાત્મા ગાંધીની તસવીર દૂર કરવાની માંગણી કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને કરવામાં આવી છે.
રાજસ્થાનના પૂર્વ મંત્રી અને સાંગોદના કોંગ્રેસી ધારાસભ્ય ભરતસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મહાત્મા ગાંધી સત્યના પ્રતિક છે તથા 500 અને 2000ની ચલણી નોટો પર ગાંધીજીની તસવીર હોય છે. લાંચની લેવડ – દેવડમાં તેનો જ સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. આ સંજોગોમાં રૂ. 500 અને 2000ની ચલણી નોટ પરથી મહાત્મા ગાંધીજીની તસવીર દૂર કરવાના સૂચન સહ માગણી ધારાસભ્યએ કરી છે. ગાંધીજીની તસવીરની જગ્યાએ ફક્ત તેમના ચશ્માની તસવીર કે પછી અશોક ચક્રની તસવીર લગાડવામાં આવે તેવું સૂચન પણ કરાયું છે.
તેમણે એમ પણ જણાવ્યું છે કે, ગાંધીજીની તસવીરવાળી રૂ. 500 અને 2000ની ચલણી નોટોનો દુરુપયોગ શરાબ પાર્ટી, બાર અને અન્ય પાર્ટીઓમાં નાચવા – ગાવાવાળાઓ પર ઉડાડવામાં પણ કરવામાં આવે છે. રાજસ્થાનમાં એક વર્ષમાં આશરે 616 લાંચનાં ટ્રેપ નોંધાતા હોય છે. દરરોજ સરેરાશ બે ઘટનાઓ બને છે.
વધુમાં જણાવ્યું છે કે, ટ્રેપ કરવા માટે લાંચની રોકડ રકમમાં પણ રૂ. 500 – 2000ની ચલણી નોટોનું જ આદાન પ્રદાન થાય છે. જેના પર ગાંધીજીની તસવીર હોય છે. ચલણી નોટ પર મહાત્માની તસવીર રાખીને તેમનું સન્માન કરવાને બદલે આ રીતે તેમનું અપમાન થાય છે.
ધારાસભ્યએ જણાવ્યું છે કે, ગાંધીજીનું ચિત્ર રૂ. 5, 10, 20, 50, 100, 200ની ચલણી નોટો પર રાખવામાં આવે. કારણકે, તે ચલણી નોટો ગરીબોના કામમાં આવે છે.
#Funrangnews #Demand #MahatmaGandhi #currencynote