કેમ જોવી?: એક માતા ગર્ભવતી બને એ પહેલાં સ્ત્રી હતી અને તેના પણ પોતાના કેટલાક સપના હતાં, એ હકીકત વસરાઈ ચૂકી હોય તો!
કેમ ન જોવી?: એક સારી ફિલ્મ ચૂકી જવી હોય તો!
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થયેલી ફિલ્મ ‘મજામાં’ માટે વધુ હરખ એટલે પણ હોવાનો, કારણ કે ગુજરાતની પૃષ્ઠભૂમિ પર ઘડાયેલી વાર્તા છે! માધુરી દીક્ષિત ગરવી ગુજરાતણનો કિરદાર નિભાવીને ગરબા કરે, એનાથી વધુ રૂડું દ્રશ્ય બીજું કયું હોઈ શકે? આનંદ તિવારી જેવા ધુરંધર દિગ્દર્શક હોય ને સાથોસાથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અફલાતુન આર્ટિસ્ટ સ્ક્રીન પર લાલ જાજમ પાથરીને પ્રેક્ષકોનું સ્વાગત કરતા હોય, પછી કંઈ ઘટે? વેબસીરિઝનો ક્રેઝ હજુ શરૂ પણ નહોતો થયો, એવા સમયે ‘બેન્ગ બાજા બારાત’ નામની અદ્ભુત વેબસીરિઝ બનાવનારા આનંદ તિવારીને આમેય ઑટીટી પર વધુ ફાવટ છે! આની પહેલાં આપણે એમની કાબિલેદાદ મ્યુઝિકલ વેબસીરિઝ ‘બંદિશ બેન્ડિટ્સ’ની વાત કરી હતી, યાદ છે? હા, બસ એ જ દિગ્દર્શક ફરી એકવાર એમેઝોન પરની પહેલીવહેલી ઇન્ડિયન ઑરિજિનલ ફિલ્મ લઈને પ્રેક્ષકો સમક્ષ હાજર થયા છે.
ફિલ્મનું વિષયવસ્તુ ખાસ્સું બૉલ્ડ છે, માટે વાર્તા સાંભળીને નાકનું ટિચકું ન ચડાવતાં! ફિલ્મમાં ઘણાં બધા કલાકારો હોવાને કારણે એમના મૂળ નામો સાથે જ વાર્તાની ચર્ચા કરીશું. માધુરી દીક્ષિત અને ગજરાજ રાવ પતિ-પત્નીના કિરદારમાં છે, જેમના ટિપીકલ ગુજરાતી પરિવારમાં ત્યારે તોફાન આવે છે જ્યારે માધુરી દીક્ષિતનો એક વીડિયો વાયરલ થાય છે. એ ક્લિપમાં માધુરી પોતાને ‘લેસ્બિયન’ કહીને સંબોધે છે અને આ જાણ્યા બાદ એના પરિવારમાં ભૂકંપ આવી જાય છે. એમના દીકરા રિત્વિક ભૌમિકને અમેરિકાથી ભારત આવેલી બરખા સિંઘ સાથે પ્રેમ હોય છે, પરંતુ શું તે લવસ્ટોરી તેની માતાની સચ્ચાઈ જાણ્યા બાદ પૂરી થઈ શકશે? રિત્વિક તેની માતાની વાસ્તવિક ઓળખને સ્વીકારી શકશે?
મેઇનસ્ટ્રીમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સમલૈંગિક વિષયો પર ફિલ્મો અને વેબસીરિઝ બનાવવાનું ચલણ ઑટીટી આવ્યા બાદ ખાસ્સું વધ્યું છે. ભારતીય સમાજ હવે ધીરે ધીરે આ પ્રકારના બૉલ્ડ વિષયોને સ્વીકારતો અને સમજતો થયો છે. એ પછી આયુષ્યમાન ખુરાનાની ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ની વાત હોય કે રાજકુમાર રાવ અભિનીત ‘બધાઈ દો’! સમલૈંગિક વિષયો ખેડાવા માંડ્યા છે. પરંતુ સ્ત્રીના સ્ત્રી માટેના આકર્ષણની વાત કહેતી એક જ અસરકારક ફિલ્મ મને યાદ આવે છે, જેનું નામ છે: એક લડકી કો દેખા ઐસા લગા! જેમાં સોનમ કપૂર લેસ્બિયનના રૉલમાં હતી. સત્ય તો એ છે સાહેબ, કે આ પ્રકારના કિરદાર નિભાવવા હિંમત માંગી લે એવું કામ છે. સોનમ કપૂરને ગમે એટલી ટ્રોલ કરીએ, પરંતુ તેણે એક સમયે આવી હટકે ફિલ્મ કરવાનું પસંદ કર્યુ હતું એ બાબતે તેને દાદ આપવી ઘટે! એવી જ રીતે, માધુરી દીક્ષિત પણ અસંખ્ય લોકોની દિલની ધડકન છે. આમ છતાં, પોતાની છબીને ધ્યાનમાં રાખ્યા વગર તેણે સમાજલક્ષી અને વિષયકેન્દ્રી ફિલ્મ પસંદ કરી, એ કાબિલેદાદ છે. આનંદ તિવારીએ ફિલ્મને જરા પણ અશ્લીલ કે બિભત્સ નથી બનવા દીધી! વિષય બૉલ્ડ હોવા છતાં તેને ખૂબ માવજતપૂર્વક સૉફ્ટ રાખવામાં આવી છે, જેથી ભારતીય પરિવારો આ કડવા ઘૂંટને ગળે ઉતારી શકે. ગજરાજ રાવ, સિમોન સિંઘ, બરખા સિંઘ, રિત્વિક ભૌમિક, રજિત કપૂર, શીબા ચઢ્ઢા, મલ્હાર ઠાકરના અભિનયના વખાણ કરીએ એટલા ઓછા છે! જો થોડા અલગ વિષય પરની ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો આજે જ એમેઝોન પ્રાઇમ પર ‘મજામાં’ જોઈ કાઢો!
bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ: થિયેટરમાં આ અઠવાડિયે અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના, નીના ગુપ્તા, સુનીલ ગ્રોવર અભિનીત ‘ગુડબાય’ ફિલ્મ રીલિઝ થઈ છે. ટ્રેલર અને ગીતો પરથી અત્યંત સુંદર ફિલ્મ જણાઈ રહી છે.
(ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.