[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફિલ્મ રિવ્યૂ । કેટલીક ફિલ્મો જોઈને થિયેટરમાંથી બહાર નીકળીએ ત્યારે મગજ સુન્ન પડી જાય! જીભને લકવો મારી જાય. હ્રદય તાર-તાર થવા લાગે. આંતરમનની તીણી ચીસો ચિત્તના મૌનને હલબલાવી નાખે! અસંખ્ય પ્રશ્નોનો વંટોળિયો તીવ્ર ગતિએ ધસી આવે. જે ખોખલા તથ્યો અત્યારસુધી મગજમાં રોપાયેલાં હોય, એ જ્યારે એકઝાટકે દૂર થાય ત્યારે ભેંકાર અંતરાત્માનો કાગારોળ અસહનીય બની જાય! મિથ્યા અને સત્ય વચ્ચેની ભેદરેખા વધુ પારદર્શક અને ઘટ્ટ બનવા લાગે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોયા બાદ દરેક ભારતીય પોતાને એક પ્રશ્ન તો જરૂર પૂછશે, ‘મારા કાશ્મીરી ભાઈઓ-બહેનોએ આ નિતાંત પીડા અને કારમી વાસ્તવિકતાનો સામનો શા માટે કરવો પડ્યો?’
સલામ છે, વિવેક અગ્નિહોત્રીને… જેમણે નિર્ભીક બનીને કાશ્મીરના નરસંહારની હકીકત ઉજાગર કરી. ‘ધર્મપલ્ટો કરો, ભાગો અથવા મૃત્યુ પામો!’ કાશ્મીરી પંડિતો સમક્ષ મૂકાયેલાં આ ભયાનક વિકલ્પોને કોઈ ફિલ્મ-મેકરે ત્રણ દાયકા બાદ આખરે ભારતીયો સમક્ષ લાવવાનું કામ કર્યુ. પ્રભાસ સ્ટારર બિગ-બજેટ ફિલ્મ ‘રાધેશ્યામ’ની સામે કોઈ તોતિંગ પ્રમોશન કે માર્કેટિંગ વગર તેમણે પોતાના પ્રેક્ષકોને ફક્ત કૉન્ટેન્ટ ઉપર વિશ્વાસ કરવાનું કહ્યું. બહુ ઓછા સ્ક્રીન્સ આ ફિલ્મને મળ્યા હોવા છતાં થિયેટર્સ ‘શુક્રવાર’ જેવાં આડા દિવસ અથવા વર્કિંગ-ડેમાં પણ હાઉસફૂલ જોવા મળે, એ ‘કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા પૂરવાર કરે છે.
કોઈ કહે કે ન કહે, પણ હકીકત એ છે કે ભારતીયોને હવે ક્રૂર અને જુલ્મી ઈતિહાસનાં એ દરેક પાનાં ફરી વાંચવા છે, જેને એક સમયે આપણી જાણબહાર ફેરવી નાખવામાં આવ્યા હતાં! આયુર્વેદિક દવા લાંબી બેશક ચાલે, પણ પેટના વર્ષો જૂના કચરાને મળ સ્વરૂપે બહાર પણ કાઢે! એવી રીતે, પાછલાં સાત દાયકામાં જે દેશવિરોધી આતંકને ભારતના ગર્ભમાં પનાહ મળી હતી તે હવે ઝપાટાભેર સાફ થઈ રહી છે! દુર્ગંધ મારતી ગટરમાં ખદબદતાં કીડાઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે એકજૂથ થઈ રહ્યા છે, છતાં એમનું પાંચિયું પણ નથી આવતું! કહેવાતાં ઈતિહાસકારો, કથિત લઘુમતી સમાજને અતિશય ‘પ્રેમ’ કરતાં નેતાઓની વોટ-બેંકની રાજનીતિ અને એમના રાજકીય પક્ષોએ જે સત્ય ફક્ત ‘નેશનલ આર્કાઈવ’ પૂરતું સીમિત થઈને રહેવા દીધું, એને અઢી વર્ષની મહેનત બાદ વિવેક અગ્નિહોત્રીએ સમસ્ત ભારતીય સમાજ સમક્ષ ખૂલ્લું મૂક્યું છે. આ ફિલ્મ રેડિકલ ઈસ્લામનો એ ચહેરો પ્રેક્ષકોની સામે લાવે છે, જેનાથી ફક્ત હિંદુઓ જ નહીં પરંતુ શીખો, ખ્રિસ્તીઓ, પારસીઓ અને મુસ્લિમો સુદ્ધાં પીડિત છે!
મૂળ વાર્તા મુખ્યત્વે બે ટાઇમલાઇનમાં ચાલે છે, ૧૯૯૦ અને ૨૦૧૬! ત્રણ દાયકા પહેલાંના કાશ્મીર અને આજના દિલ્હીની અહીં વાત છે.. મેટાફોરિકલી જ નહીં, પોલિટિકલી પણ! દિલ્હીમાં વસવાટ ધરાવતાં પીડિત કાશ્મીરી પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના અવસાન બાદ તેમનો પૌત્ર કૃષ્ણ પંડિત (દર્શન કુમાર) પોતાના દાદાના અસ્થિ લઈને કાશ્મીર આવે છે, જ્યાં તેની મુલાકાત પુષ્કરનાથના ત્રણ જૂના મિત્રો ડૉ. મહેશ કુમાર (પ્રકાશ બેલવાડી), નિવૃત્ત ડીજીપી હરિ (પુનીત ઇસ્સર), બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) અને બ્રહ્મા દત્તના પત્ની લક્ષ્મી દત્ત (મૃણાલ કુલકર્ણી) સાથે થાય છે.
જેહાદી વિચારધારા અને ભારતવિરોધી તત્વોને પ્રોત્સાહન આપનારી પ્રોફેસર રાધિકા મેનન (પલ્લવી જોષી)એ ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’ – જે.એન.યુ. (જેનું ફિલ્મમાં નામ એ.એન.યુ. કરી નાખવામાં આવ્યું છે એ)માં ભણતાં કૃષ્ણનું મગજ સંપૂર્ણતઃ પંડિતવિરોધી કરી નાખ્યું છે. કૃષ્ણના પૂર્વજોએ જે ઇસ્લામિક આતંકવાદીઓને લીધે કાશ્મીરમાં નરસંહાર વેઠ્યો, તેમના માટે કૃષ્ણના મગજમાં દયાની લાગણી છે, કારણકે ભારતીય મીડિયાએ ફેલાવેલાં જૂઠ મુજબ આજની તારીખે પણ ઇસ્લામિક ‘માઇનોરિટી’ સમાજ કાશ્મીરમાં પીડાય છે અને હથિયાર ઉઠાવવા માટે મજબૂર બને છે.
ભારત માટે એ કાળો દિવસ હતો સાહેબ, જ્યારે જે.એન.યુ.માં ‘ભારત તેરે ટુકડે હોંગે’ના નારા લાગ્યા હતાં! આખા દેશનો એક જ સવાલ હતો કે ‘આ તે વળી કેવી વિદ્યાપીઠ, જ્યાં ભારતવિરોધી ચળવળને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સાથે સરખાવવામાં આવે છે?’ ત્યારબાદ, શહીન બાગના પડઘાં પણ હજુ શમ્યા નથી. ભૂતકાળમાં જે.એન.યુ.માં ઉછરી રહેલાં સાપ ઉર્ફે નવી દેશવિરોધી પેઢી ઉપર મેં લેખ લખ્યો હતો, ત્યારે જણાવ્યું હતું કે નવરાત્રિમાં ત્યાંના કેટલાક વિદ્યાર્થીજૂથો દ્વારા દુર્ગાપૂજા નહીં, ‘મહિષાસુર પૂજા’ થાય છે! કહેવાતી ટોપ યુનિવર્સિટીમાં જ્યારે આ પ્રકારના કાંડ ચાલી રહ્યા હોય, ધર્મના નામે નફરતભાવ અને અભિવ્યક્તિના ઓઠા હેઠળ દેશદ્રોહ કરવામાં આવતો હોય ત્યારે માથું શરમથી ઝૂકી જાય. ‘પાકિસ્તાન ઝિંદાબાદ’, ‘ભારત મુર્દાબાદ’, ‘મનુવાદ સે આઝાદી’ અને ‘હમેં ચાહીએ આઝાદી’ એ ફક્ત નારા નહોતાં, પરંતુ રેડિકલ ઇસ્લામ દ્વારા ભારત તેમજ અહીંના કૂમળા માનસ ઉપર થયેલાં આતંકવાદી પ્રહારો હતાં.. જેને ભારત આજે પણ માફ કરી શક્યું નથી! ‘મનુસ્મૃતિ’ ઉપર ભાષણો દેનારા અને પોતાના જ અલાયદા ભાવવિશ્વમાં રાચનારા લોકો આજે પણ એ સ્વીકારવા તૈયાર નથી કે, મનુએ જન્મ-સંબંધિત નહીં પરંતુ કર્મ-સંબંધિત વર્ણવ્યવસ્થાની વાત કરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર એ જાતિ નહીં, પરંતુ આશ્રમકાળ બાદ વ્યક્તિગત પસંદગીનો વિષય હતો.
ફિલ્મમાં પાત્રોના નામ પર ખાસ ધ્યાન આપવા જેવું છે: કૃષ્ણ પંડિત, શારદા પંડિત (કૃષ્ણની મા), પુષ્કર પંડિત, શિવ પંડિત, દુર્ગા, ભવાની, વિષ્ણુ રામ, બ્રહ્મા દત્ત, ડીજીપી હરિ, લક્ષ્મી દત્ત, ડૉ. મહેશ વગેરે! શરૂઆતના દ્રશ્યમાં એક છત નીચે ભેગા થતાં બ્રહ્મા, હરિ અને મહેશ એ હિંદુ ત્રિદેવના મનોમંથનનું સૂચન કરે છે. ક્લાયમેક્સમાં દર્શન કુમાર ઉર્ફે કૃષ્ણ કુમારના મોનોલોગ પરથી આ તમામ પાત્રોના નામો હિંદુ દેવી-દેવતાના નામ પરથી કેમ રાખવામાં આવ્યા, એ સમજાય છે. રેડિકલ ઇસ્લામના ત્રાસ અને ભયથી ધર્મપલ્ટો કરી ચૂકેલાં આતંકવાદી (જેમકે, મકબુલ ભટ્ટ)ની અટક આજે પણ એમના પૂર્વજોની જ જોવા મળે છે! દર્શન કુમાર કહે છે, ‘આ કહાની ફક્ત મારી મા ની જ નહીં, પરંતુ તમારી બધાની જનનીની છે!’
આ એ કાશ્મીરની વાત છે, જેને ગ્રીક તત્વચિંતકોએ પણ તમામ સંસ્કૃતિઓનું ઉત્પત્તિસ્થાન ગણાવ્યું છે. આ એ કાશ્મીરની વાત છે, જ્યાં સ્વયં ઋષિ કશ્યપના પગલાં પડ્યા હતાં, આ એ કાશ્મીરની વાત છે, જ્યાં આદ્યગુરુ શંકરાચાર્યએ તપ કર્યુ હતું. આ એ કાશ્મીરની વાત છે, જ્યાં વિશ્વના પ્રખર પંડિતો અને મહાજ્ઞાનીઓએ સદીઓ જૂનું પૌરાણિક વિજ્ઞાન સાચવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો! કદાચ આ જ એમની ‘ભૂલ’ હતી, કારણકે અફઘાનથી આવેલાં મહેમૂદ ગઝનવીની વાત હોય કે પછી ઘોરી, બાબર, ખિલજી, ઔરંગઝેબની! દરેક અફઘાની, મુઘલ વગેરે લૂંટારાઓને ભારતની સંસ્કૃતિ, ભવ્ય વારસા અને પૌરાણિક જ્ઞાનથી ચીડ ચડતી, કારણકે આ પ્રકારનો સમૃદ્ધ વારસો એમની પાસે ક્યારેય નહોતો.
ઘણાં સમય પછી એવી ફિલ્મ જોઈ, જેમાં લોહી નીતરતી લાશો જોઈને ચીતરી નથી ચડતી પરંતુ ક્રોધ પેદા થાય છે, હ્રદય રડી પડે છે, આંખો ભરાઈ આવે છે. ‘કાશ્મીર ફાઇલ્સ’માં જેમણે પોતાની પીડાને વાચા આપી છે, એ છે અનુપમ ખેર! કાશ્મીરી પંડિત તરીકે એમના પરિવારજનોએ વાસ્તવિક જીવનમાં જે દર્દ ભોગવ્યું છે, તે દર્દ એમના અભિનયમાં સ્પષ્ટપણે છલકાય છે. પરિવારને બચાવવા માટે ઇસ્લામિક આતંકવાદીઓ સમક્ષ એમણે કરેલાં કાલાવાલા, આજીજી, રોકકળ અનુપમ ખેરના પોતાના લોહિયાળ ભૂતકાળનું ફિલ્માંકન છે. ‘માદરે વતન’ ન જઈ શકવાની વિહ્વળતા અને મજબૂરી એમના હાવભાવમાં સાફ તરી આવે છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વાસ્તવમાં કોઈ ફિલ્મ નહીં, પરંતુ ખોવાઈ ચૂકેલાં દસ્તાવેજનું એ પાનું છે જેને સામા પ્રવાહે તણાયા બાદ આપણાં સુધી પહોંચાડવામાં આવ્યું છે. રીસર્ચ હેડ અને રાઇટર Saurabh પાંડેની મહેનતને સાષ્ટાંગ દંડવત્ કરું છું. વિવેક અગ્નિહોત્રીના પ્રામાણિક માંહ્યલાએ જીવ રેડીને કંડારેલાં સર્જનને હું નમન કરું છું.
??ક્લાયમેક્સ: ‘તાશ્કંદ ફાઇલ્સ’ અને ‘કાશ્મીર ફાઇલ્સ’ બાદ હવે રાહ જોઈશું, ‘દિલ્હી ફાઇલ્સ’ની, જે આ ફિલ્મ-શ્રેણીનો આખરી ભાગ છે!
??કેમ જોવી?: ભારતીય હો તો!
??કેમ ન જોવી?: ‘કાશ્મીર’ નામનો પ્રદેશ આ દેશનું અભિન્ન અંગ છે, એ હકીકતથી વાકેફ ન હો તો!
– Parakh Bhatt
bhattparakh@yahoo.com
(આજનો Funrang જોક)
(અમન સૂતો હતો, ચમન વાંચી રહ્યો હતો, ત્યાં મચ્છરનો ગણગણાટ આવ્યો)
અમન – (ઉંઘમાં) યાર, ચમન આ મચ્છર મારી નાંખ…
(ચમન વાંચવામાં વ્યસ્ત હતો… એટલે એણે મચ્છર ના માર્યું)
અમન – (ફરી ગણગણાટ થતાં) યાર મચ્છર મારને… ગણ ગણ કર્યા કરે છે..
ચમન – અરે એ તો ક્યારનું મારી નાંખ્યું… આ તો એની વિધવા રડી રહી છે એટલે અવાજ આવે છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz