કેમ જોવી?: અદ્ભુત વાર્તા, અદ્ભુત કથનશૈલી અને અદ્ભુત અભિનય માટે!

કેમ ન જોવી?: કોમેડી-થ્રીલરમાં રસ ન હોય તો!

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમને પછાડીને ભારતીય ઑટીટી-સામ્રાજ્યનો સરતાજ બની ચૂકેલું ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ પોતાના દિલધડક કૉન્ટેન્ટ માટે જાણીતું છે. વિષયવસ્તુની પસંદગી, વાર્તાની કથનશૈલી, દિગ્દર્શન, સંગીત, નિર્માણ સહિતના દરેક પરિબળોમાં હૉટસ્ટાર ખાસ્સી ચીવટ સાથે કામ કરે છે. એનું તાજુ અને શ્રેષ્ઠ ઉદાહરણ એટલે: તાઝા ખબર! ભુવન બામ જેવા યુટ્યુબ સુપરસ્ટારના ઑફિશિયલ ડિજિટલ ડેબ્યુને આ શૉએ ભવ્ય રીતે ન્યાય આપ્યો છે. આ પહેલાં ભુવન બામના પોતાના યુટ્યુબ પ્લેટફૉર્મ પર ‘ઢિંઢોરા’ નામનો વેબ-શૉ રીલિઝ થઈ ચૂક્યો છે, પરંતુ તેને કોઈ જાણીતાં ઑટીટી પ્લેટફૉર્મને બદલે ભુવન દ્વારા જાતે જ યુટ્યુબ પર પ્રકાશિત કરવામાં આવ્યો હોવાને લીધે ડેબ્યુ ગણી શકાય નહીં. એનું એક કારણ એ પણ છે કે ભુવન પોતે યુટ્યુબ પર વર્ષોથી નાના-મોટા વીડિયો અને શૉર્ટ-ફિલ્મ બનાવતો આવ્યો છે. આથી યુટ્યુબને તેનું હૉમ-ગ્રાઉન્ડ ગણવું પડે.

મુંબઈની ચૉલમાં રહેતો વસંત ગાવડે ઉર્ફે વસ્યા (ભુવન બામ) જાહેર શૌચાલયમાં નોકરી કરે છે. ગરીબીમાંથી બહાર આવીને અમીર બની ગયા હોવાના સ્વપ્ન સાથે શરૂ થયેલાં પહેલા એપિસોડમાં વસંતને જાણ સુદ્ધાં નથી કે તેની જિંદગીમાં કેવડું મોટું પરિવર્તન આવવાનું છે! સ્વભાવે દયાળુ હોવાના નાતે લોકો તેને પ્રેમ કરે છે. તેની મા પ્રત્યે વસંતને ખૂબ વ્હાલ છે. એક દિવસ જાહેર શૌચાલયના સંડાશમાં વૃદ્ધ સ્ત્રી બેભાન થઈને ઢળી પડે છે, પરંતુ ગંદકીના ડરે તેને કોઈ મદદ નથી કરતું! એવા સમયે વસંત એ વૃદ્ધાને ઊંચકીને બહાર લાવે છે, જેની પાસેથી વસંતને ભવિષ્ય જોઈ શકવાનું વરદાન મળે છે. તેના મોબાઈલ ફોનમાં આવનારા સમયમાં બનવા જઈ રહેલી ઘટનાઓના સમાચાર અમુક કલાકો અગાઉ જ પૉપ-અપ થવા માંડે છે… અને એટલે શૉનું નામ રાખવામાં આવ્યું છે: તાઝા ખબર!

અદ્ભુત શૉ છે સાહેબ! પળેપળ ઘાટું થઈ રહેલું સસ્પેન્સ, હળવીફૂલ કરી દેનારી કોમેડી, ચીલાચાલુ થ્રીલર શૉથી તદ્દન હટકે કહી શકાય એવો આ ફેન્ટસી શૉ ‘રેગ્સ ટુ રીચિસ’ સુધીની સફર દર્શાવવામાં સફળ નીવડે છે. મૂળ વાર્તા હુસૈન દલાલના પિતા અબ્બાસ દલાલની છે, જેને ભુવન બામ અને હુસૈન દલાલે સાથે મળીને લખી છે. પોતાના એક ઈન્ટરવ્યુમાં ભુવન બામ જણાવે છે કે, ‘જ્યારે ઢિંઢોરા સીરિઝ લખાઈ રહી હતી, ત્યારે એક બ્રેક દરમિયાન હુસૈન દલાલે મને તાઝા ખબરની વન-લાઈનર જણાવી. એ વન-લાઈનર સાંભળીને તરત મને એ વાર્તા પ્રત્યે ખેંચાણ વધ્યું અને પછી અમે બંને એકને બદલે બબ્બે શૉ પર એકસાથે કામ કરવા માંડ્યા. સવારે ઢિંઢોરાનું કામ થતું હોય અને બપોર પછી તાઝા ખબરનું!’

ભુવન બામે આખા શૉને પોતાના ખભે ઉપાડી લીધો છે. છ એપિસૉડ્સ બિન્જ-વૉચ કરી શકાય એટલા રસપ્રદ છે. એના સિવાય મહેશ માંજરેકર. શ્રિયા પિલગાંવકર, જે.ડી. ચક્રવર્તી, દેવેન ભોજાણી, શિલ્પા શુક્લા, મિથિલેશ ચતુર્વેદીનું કામ પણ અફલાતુન છે. શૉને વાસ્તવિકતાની વધુ નજીક રાખવામાં ડિરેક્ટર હિમાંક ગોરનો સિંહફાળો ગણી શકાય. પહેલી સિઝન જે ક્લિફ-હેન્ગર સાથે પૂરી થઈ છે, એના પરથી સ્પષ્ટ છે કે બીજી સિઝન ચોક્કસપણે આવશે. અધૂરામાં પૂરું, ભુવન બામે પણ કહી દીધું છે કે બીજી સિઝન બની રહી છે! આજે જ જોઈ કાઢો, મજા પડશે.

bhattparakh@yahoo.com

ક્લાયમેક્સ: ગઈકાલે જ અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરના ડેબ્યુ વેબ-શૉ ‘નાઈટ મેનેજર’ની જાહેરાત ‘ડિઝની પ્લસ હૉટસ્ટાર’ ઉપર ટ્રેલર સ્વરૂપે કરવામાં આવી છે. લાગી રહ્યું છે કે નેટફ્લિક્સની દુકાનના પાટિયા બંધ કરીને જ તેઓ જંપશે!

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *