FunVarta સામાન્ય જેવી જ બપોર હતી, લગભગ 2 વાગ્યાનો સમય હશે. આમ તો રાકેશ અને નેહાની નજર ઘડિયાળ પર નહોતી એટલે ચોક્કસ સમય ખાતરીપૂર્વક તો નહીં કહી શકાય. એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટની એક તરફની દિવાલ સૂર્ય પ્રકાશથી તપી રહી હતી જેને ઠંડી કરવા માટે ખુલ્લી બાલ્કનીમાંથી પવનની લહેરખી દોટ મૂકી રહી હતી. રાકેશ અને નેહા આંખમાં આંખ પોરવી પવનની લહેરખીથી ઠંડી થઈ રહેલી દિવાલનો ઘટનાક્રમ અનુભવી રહ્યાં હતાં. ચોથા માળના ચાર પૈકી 3 ફ્લેટ ખાલી હોવાથી બહાર સદંતર શાંતિ સ્થપાયેલી હતી.
દિવાલ પર અથડાતી પવનની લહેરખીની માફક નેહા રાકેશને અથડાઈ જવા સ્હેજ આગળ વધી ત્યાં તો ડોર બેલ વાગ્યો. રાકેશ સફાળો ઉભો થઈ ગયો, દરવાજો ખોલ્યો… રાકેશ કંઈક સમજે કે કહે એ પહેલાં તો બે જણ ઘરમાં ઘુસી આવ્યાં. એક જણે રાકેશનું મોં દબાવી દીધું અને ગળા પર છરી મૂકી ધમકી આપી… જરા સી ભી આવાઝ કી તો કાટ ડાલૂંગા.
રાકેશ ઉંહ કે આહ કરે એ પહેલાં તો નેહા દોડતી બહાર આવી, આમ તો નેહા બૂમ પાડવાની નહોતી. એનામાં હિંમત નહોતી એવું નહોતું પણ, એ કદાચ થોડી શરમાળવૃત્તિની હશે એમ પેલાં ચોરોને લાગ્યું. સડક થઈને ઉભી રહી ગયેલી નેહાને બીજા ચોરે ખુરશી પર બેસવા ઓર્ડર કર્યો.
નેહા તરત ખુરશી પર ગોઠવાઈ ગઈ, ચોરી કરવાના ફૂલ પ્રૂફ પ્લાન સાથે આવેલાં ચોર દોરડું લઈને આવ્યા હતાં. નેહાને દોરડાંથી ખુરશી સાથે બાંધી દીધી. દોરડાંને કારણે નેહાને ઇજા ના થાય એનું ધ્યાન રાખીને સ્ત્રીદાક્ષિણ્ય દાખવનારા ચોરે આખરે બીજા ચોરને ઇશારો કર્યો એટલે રાકેશ મુક્ત થયો.
ત્યારબાદ ચોરે પોતાની પરંપરાગત શૈલીમાં ચાકુ નેહાના ગળા પાસે લઈ જઈને રાકેશને કહ્યું કે, ઘર મેં જીતના સોના, રૂપિયા હૈ સબ દે દે વરના…
રાકેશ રડવા માંડ્યો… ચોધાર આંસુએ રડવા માંડ્યો… બંને ચોરોને થયું કે એ નેહાને ખૂબ પ્રેમ કરતો હશે… પણ, લાગણીઓ પર કાબૂ મેળવી ગળું ખંખેરી એક ચોરે ફરી ધમકી ઉચ્ચારી કે, સારા માલ દે દે વરના તેરી ઈસ…
રાકેશ હાથ જોડીને કરગર્યો કે, આપ કો જો લે જાના હો વો લે જાવ… પર ઈસકા દોરડા ખોલી નાંખો… યે દુસરે માળે પર રહેતી હૈ… મેરી બૈરી આવે એ પહેલાં નિકળો અહીંથી… આનું દોરડું નહીં ખુલે તો મારી બૈરીનું દીલ તૂટી જશે, સંસાર મારો લૂંટાઈ જશે.
બંને ચોરો થોડીક વાર માટે હેબતાઈ ગયાં, પણ પછી ડબલ ખુશ થયાં, રાકેશે જાતે દાગીના – રૂપિયા કાઢી આપ્યાં. ચોરોએ નેહાને દોરડાંથી છોડી દીધી અને નેહાને કારણે લાભ થયો હોવાથી નેહાને સોનાની બુટ્ટીઓ ગિફ્ટ કરી… જોકે, રાકેશે એ ગિફ્ટનો વિરોધ નોંધાવ્યો એટલે નેહાને ફાળે રોકડા 5 હજાર આવ્યાં…
નેહાને વિદાય આપ્યા બાદ રાકેશના આગ્રહવશ ચોરોએ એને ખુરશી સાથે બાંધ્યો… અને ચોર આભાર માનીને વિદાય થયાં.