• અન્નકૂટના દર્શનાર્થે 2200 શ્રદ્ધાળુઓ ઉમટ્યા
  • ગોકુલધામના પ્રાંગણમાં 15 મિનિટ સુધી યોજાયેલી ભવ્ય આતશબાજી નિહાળી શ્રદ્ધાળુઓ આનંદથી ઝૂમી ઊઠ્યા

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા, અમેરિકા અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે નવા વર્ષ નિમિત્તે શનિવારે લાભ પાંચમ પર્વે ગોવર્ધનપૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઇ હતી. શિયાળાના પ્રારંભે ફુલગુલાબી ઠંડીનો ચમકારો હોવા છતાં 201 અવનવી મીઠાઇ-વાનગીઓ સાથે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે 2200 જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાત્રે 7.30 વાગે ભવ્ય આતશબાજી સાથે અન્નકૂટ મહોત્સવનું સમાપન થયું હતું.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. આ હવેલીમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે શનિવારે લાભ પાંચમ પર્વે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુના સાંનિધ્યમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.15 ઓક્ટોબરે ગોકુલધામ હવેલીનો પંચમ પાટોત્ત્સવ ભવ્ય રીતે યોજાયો હતો.

શનિવારે સવારે 10 થી 11.30 સુધી ગોકુલધામ હવેલીના દર્શન ચોકમાં ગોવર્ધનપૂજા યોજાઇ હતી. ગોવર્ધન પૂજાના મનોરથી બેલા-બિરેન શાહ અને ગોપીબહેન મુન્શી સહિત વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ આ પૂજાનો લ્હાવો લઇ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી.

ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી શ્રી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. ગોકુલધામ હવેલીના મુખ્યાજી નરપત મહારાજ દ્વારા તૈયાર કરાયેલી 150 જેટલી અવનવી મીઠાઇઓ,વાનગીઓ અને વિવિધ પકવાન મળી 201 સામગ્રી-વાનગીઓ સાથેના આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.અન્નકૂટ દરમિયાન યોજાયેલી બે મહાઆરતીનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી સ્વ.દિલીપભાઇ તેમજ સરોજબહેન પટેલ, સ્વ.વિપિનભાઇ અને મનોરમાબહેન મજમુદાર અને કિર્તીબહેન-હેમંતભાઇ પટેલ સહિત 25 મનોરથીઓનું શ્રી ઠાકોરજી સન્મુખ સન્માન કરાયું હતું.

અન્નકૂટ મહોત્સવ સાથે આયોજિત નિ:શુલ્ક મહાપ્રસાદનો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શ્રદ્ધાળુઓએ ગોકુલધામ હવેલીના સ્વયંસેવક ભાઇઓ-બહેનો દ્વારા આ મહોત્સવ વેળા કરાયેલી કાબિલેદાદ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટ્રેજરર કિન્તુ શાહ ટીમના સભ્યો પરિમલ પટેલ,સમીર શાહ, અલકેશ શાહ, દીપ ઠાકર, કેતુલ ઠાકર, હિતેષ પંડિત, ભાવેશ સુરેજા, મેહુલ પારેખ,આત્મય તલાટી અને આર્ષ તલાટી, કરણ શાહ, તેમજ મહાપ્રસાદ સેવામાં રંજનબહેન સિરોયા,ધિરૂભાઇ પટેલ,અશ્વિન પટેલ, રાજુભાઇ પટેલ, ગિરિશ શાહ, આકાશ પટેલ, નિકશન પટેલ,કિરીટ શાહ, રજનીભાઇ શેઠ, દર્શન પટેલ, વૈભવ શાહે જહેમત ઉઠાવી હતી. ગોકુલધામ સજાવટ ટીમની બહેનોએ અન્નકૂટ પ્રસાદ વિતરણની કામગીરી નિભાવી હતી.

રાત્રે 7.30 વાગે ગોકુલધામના પ્રાંગણમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. 15 મિનિટ સુધી યોજાયેલી ફટાકડાની ભવ્ય આતશબાજી નિહાળી દર્શનાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આતશબાજી સાથે અન્નકૂટ મહોત્ત્સવનું સમાપન થયું હતું.

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *