નાથુએ જે હિંસક કૃત્ય કર્યું હતું એ પ્રથમ નજરે ભલે પાપ ગણાય, પરંતુ અહીં આવતાં મૃતાત્માઓ પાસેથી મળતાં વૃત્તાંત સાંભળી મને એવું લાગે છે કે નાથુનું એ કૃત્ય પાપ નહીં, પુણ્યનું કામ હતું.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
અનિલ દેવપુરકર ।
(પૂર્વાર્ધ)
વૃદ્ધા ઈન્દ્રના દરબારખંડમાંથી બહાર નીકળી પરત મુલાકાતીઓના ખંડમાં પ્રવેશી ત્યાં સામે જ એણે એક વૃદ્ધને બેઠેલા જોયા. એની છાતીમાંથી વહી રહેલી રક્તની ધારને પોતાની જ પોતડીના એક ખૂણાથી લૂછી રહેલા વૃદ્ધ ગણગણી રહ્યા હતા, વૈષ્ણવજન તો તેને રે કહીએ….જે પીડ પરાઈ જાણે રે..
એક નજર એ વૃદ્ધ તરફ નાખી વૃધ્ધા બબડી… હવે આ ડોસો..અહીં શું માગવા આવ્યો હશે, કોણ જાણે…!!!
મનની વાત: ભાગ-૩
દ્વારપાળનો ઈશારો જોઈને ઉભા થયેલા વૃદ્ધની અચાનક વૃદ્ધા પર નજર પડી. ગોળ કાચના ચશ્માંની દાંડીને સરખી કરી વૃદ્ધ એને ક્ષણિક તાકતો રહ્યો. અચાનક એને ઓળખી જતાં જ વૃદ્ધનું બોખું મ્હોં આશ્ચર્યથી ખૂલ્લું થઈ ગયું.
વૃદ્ધને થયું… અરે! આ આટલી મરણાસન્ન થઈ ગઈ છે?! હું તો એને કેવી નવજાત મૂકીને આવ્યો હતો..! અને એ એવી તાજીમાજી રહે એ માટે મેં મારું રક્ત સુધ્ધાં વહાવી દીધું હતું અને આજે આની આ હાલત…?!
ત્યાં તો દ્વારપાળે શી…સ… શી…સ… કરી સિસકારો બોલાવી વૃદ્ધનું ધ્યાન ખેંચ્યું અને મોઢા પર સહેજ ગુસ્સાના ભાવ સાથે ઈશારો કરી કહ્યું .. જાવ… જલદી… અંદર…દેવરાજ ઈન્દ્ર રાહ જુએ છે.
વૃદ્ધાની પીઠને તાકવાનું છોડી વૃદ્ધ દેવરાજ ઈન્દ્રના દરબાર હોલમાં પહોંચ્યો. વૃદ્ધને જોતાં જ પહેલાં તો એને માન આપવા દેવરાજ ઈન્દ્રાસન પરથી ઘડીક ઊભા થઈ ગયા, પછી એમને ખ્યાલ આવ્યો કે, મારુ નામ જ ઈન્દ્ર છે તો મારે શું કામ આને આટલું માન આપવું જોઈએ..?! અને આ તો કેટલો અશક્ત લાગે છે. લોખંડી હોત તો જુદી વાત હતી. આ વિચાર સાથે જ ઈન્દ્ર વીજળિક ગતિથી ફરી સિંહાસનારૂઢ થઈ ગયા.
ડંગોરાના ઠક્… ઠક્… અવાજ સાથે વૃદ્ધ સ્ફૂર્તિલી ચાલે દેવરાજ સમક્ષ પહોંચ્યા. બોખાં મ્હોંએ એમણે દેવરાજને અભિવાદન કર્યું. દેવરાજે કહ્યું, તમને અહીં આવીને આટલાં વર્ષ થયાં… આજે પહેલીવાર તમે આ લોકઅદાલતમાં આવ્યા!
વૃદ્ધે કહ્યું, છેલ્લાં ૭૪ વર્ષથી… આમ ખાસ તો છેલ્લાં ૨૦ વર્ષથી જે મૃતાત્માઓ અહીં આવે છે તેમની પાસેથી હું ભારતનો વૃત્તાંત સાંભળું છું. પણ હવે સહન થઈ શકે એમ નથી એવું લાગતાં અહીં તમારી સામે આવ્યો છું.
દેવરાજે કહ્યું, બોલો… બોલો… સમસ્યા કહો.
વૃદ્ધે દીર્ઘ ઊંડો શ્વાસ લીધો અને બોખાં મ્હોંએ કહ્યું, ‘ નાથુને અન્યાય થયો છે, એની સજા માફ કરો…’ ઘડીભર તો દેવરાજ ઈન્દ્રને સમજાયું નહીં. એમણે પોતાના મગજ પર એક આંગળીથી ટકોરા મારતાં મારતાં નાથુ કોણ? એ વિચારવા માંડ્યું. વૃદ્ધે કહ્યું, દેવરાજ! મારા અને નાથુના વૈચારિક મતભેદોથી તમે અજાણ નથી. તે છતાં આજે હું એને ન્યાય અપાવવા આપની સમક્ષ આવ્યો છું.
દેવરાજે કહ્યું, આપ જરા ફોડ પાડીને કહો.
વૃદ્ધે જરા ખોંખારીને ગરદન ટટ્ટાર કરતાં કહ્યું, નાથુએ જે હિંસક કૃત્ય કર્યું હતું એ પ્રથમ નજરે ભલે પાપ ગણાય, પરંતુ અહીં આવતાં મૃતાત્માઓ પાસેથી મળતાં વૃત્તાંત સાંભળી મને એવું લાગે છે કે નાથુનું એ કૃત્ય પાપ નહીં, પુણ્યનું કામ હતું. એણે સમયસર એ કૃત્ય ન કર્યું હોત તો જેના માટે મેં મારું આખું આયખું ઘસી નાંખ્યું અને છેલ્લે, મારું રક્ત પણ સીંચી દીધું એ આઝાદીની દુર્દશા અને લોકશાહીના નામે ચાલતી સરમુખત્યારશાહીના વરવાં અનુભવો મારે જીવતેજીવ જોવા પડ્યા હોત. સારું છે કે, હું અત્યારે સદેહે ત્યાં નથી, નહીં તો નાથુએ જે કર્યું હતું એ મેં જાતે જ મારા પર કરી લીધું હોત.
બોલતાં બોલતાં ભાવુક થઈ ગયેલા અને આંખમાં આવેલાં ઝળઝળિયાંને ધ્રૂજતા હાથે લૂછી લેતાં વૃદ્ધે કહ્યું, દેવરાજ મારી અરજને સ્વીકારી નાથુની સજા માફ કરો…
દેવરાજ ઈન્દ્ર તો સ્તબ્ધ જ થઈ ગયા. એમણે કહ્યું, જેને આખો પૃથ્વીલોક દોષી ગણે છે એને તમે… નિર્દોષ છોડવાની વિનંતી કરો છો ?!
દેવરાજ ઈન્દ્રના શબ્દો પૂરા થાય ત્યાં જ વૃદ્ધે કેડે ખોસેલો એક કાગળ કાઢતાં કાઢતાં કહ્યું, દેવરાજ! હું માત્ર એવી વિનંતી કરવા નથી આવ્યો, પરંતુ નાથુનો કેસ રિ-ઓપન કરાવવા આવ્યો છું અને દેવરાજ! હું પૃથ્વીલોકમાં બેરિસ્ટર હતો. અહીં હું બચાવપક્ષના બેરિસ્ટર તરીકે નાથુ તરફે હાજર થયો છું. આ લો… મારું વકિલાતનામું…
આ વાક્યો બોલતી વખતે વૃદ્ધની આંખમાં અંગ્રેજ વાઈસરૉય સાથે વાત કરતી વખતે આવતી એવી ચમક દેખાઈ.
આ વખતે દેવરાજ ઈન્દ્રના મોઢેથી સરી પડ્યું… હે રામ…!
(સમાપ્ત)
(અનિલ દેવપુરની ફેસબુક વોલ પરથી સાભાર)
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.