કેમ જોવી?: ભારતમાં ફેલાઈ ચૂકેલાં સડાંની વાસ્તવિકતાથી પરીચિત થવું હોય તો!
કેમ ન જોવી?: સાંસ્કૃતિક મૂલ્યોને વેચી માર્યા હોય તો!
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
ફનરંગ । નવાઈની સાથોસાથ અત્યંત પીડા જન્માવે એવી આ વાત છે… માત્ર દોઢ હજાર વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવેલો ધર્મ વર્તમાન યુગમાં આતંકવાદનો પર્યાય બની ચૂક્યો છે! જેવી રીતે સડેલા ફળોની વાસ અને ડાઘ હંમેશા સારા ફળને ભાગે પણ આવતી હોય છે, એવી રીતે અલ્લાહના પથ ઉપર ચાલનારા વાસ્તવિક મુસલમાનની સાલસતા પણ રેડિકલ ઈસ્લામને કારણે આજે સંકટમાં છે.
ભારત હંમેશાથી બે વિરોધાભાસી અંતિમોનો દેશ રહ્યો છે. અહીં દ્વૈતવાદ અને અદ્વૈતવાદ સમાંતરે ચાલ્યા છે; સંપૂર્ણ વૈજ્ઞાનિક એવી શલ્યચિકિત્સાના જનક સુશ્રુત અને માનવમગજની તર્કસંગત સીમારેખાથી ઉપર એવા અઘોર અને તંત્રસમ્રાટ ગોરખનાથ પણ આ દેશમાં જન્મ્યા છે! આ મહાન રાષ્ટ્રએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા અલ્લાહના નેક બંદા સામે મસ્તક ઝુકાવ્યું છે, તો બીજી બાજુ કસાબ જેવા નિર્મમ ઈસ્લામિક આતંકવાદીને ફાંસી પર પણ ચડાવ્યો છે. સમગ્ર વિશ્વમાં જો અનુકરણ કરવાયોગ્ય કોઈ ધર્મ હોય, તો તે હિંદુ ધર્મ છે એવું કહેનારા કે.કે.મોહમ્મદ જેવા પુરાતત્વશાસ્ત્રી ભારત પાસે છે, તો સામે પક્ષે અતિક અહેમદ જેવા ગુંડાની હત્યા પર ‘લોકશાહીનું મરણ’ કહીને પોક મૂકતાં નકલી સેક્યુલર – લિબરલ – રેશનલ્સ લોકો પણ ભારતમાં વસે છે! આ એ જ પ્રજા છે, જેણે સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝને વાંચ્યા – જોયા – સાંભળ્યા છે, તો બીજી બાજુ ભારતવિરોધી વિચારધારા ધરાવતાં લોકો – રોમિલા થાપર, બરખા દત્ત, ગિરીશ કર્નાડ વગેરે – ને સમયસર પારખીને એમને ઘરની ડેલીએથી રવાના પણ કર્યા છે.
એવો જ આત્મજાગૃતિનો સમય હાલ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જોઈ રહી છે. એક સમયે ‘કાશ્મીર ફાઈલ્સ’ જેવી ફિલ્મને લેશમાત્ર ટેકો ન આપનારી આ ઈન્ડસ્ટ્રીએ આજે ધરખમ પ્રૉડક્શન-બેનર હેઠળ કથિત ‘લઘુમતી’ સમુદાયના ષડ્યંત્રોનો પર્દાફાશ કરતી સત્યઘટના આધારિત ફિલ્મ ‘ધ કેરેલા સ્ટોરી’ રજૂ કરવી પડી છે. ‘પ્રોપેગેન્ડા-પ્રોપેગેન્ડા’ના બૂમબરાડાની હવે ભારતીયો ઉપર અસર નથી થઈ રહી. વર્ષોથી ધરબાયેલું સત્ય છાપરે ચડીને ‘બાંગ’ પોકારી રહ્યું છે!
ફિલ્મના ટ્રેલર પરથી વાર્તાનો અંદાજ આવી જ જાય છે, માટે એ વિશે વાત કરવામાં વધુ સમય નહીં પસાર કરું. કેરેલામાં રહેતી યુવતી શાલિની ઉન્નીકૃષ્ણન (અદા શર્મા) ‘નેશનલ નર્સિંગ કૉલેજ’માં એડમિશન લે છે. હૉસ્ટેલના રૂમમાં તેની સાથે રહેતી અન્ય યુવતીઓ નિમા મેથ્યુસ (યોગિતા બિહાની) અને ગીતાંજલિ (સિદ્ધિ ઇદનાની) રેડિકલ ઈસ્લામના વિષચક્રમાં ફસાઈને કેવી વિકટ સ્થિતિમાંથી પસાર થાય છે, એ અંગે આ ફિલ્મ સંપૂર્ણ વાસ્તવદર્શી ચિતાર આપે છે. આસિફા (સોનિયા બલાની) જેવી રૂમમેટ ફક્ત આ પ્રકારની ફિલ્મોમાં જ નહીં, પરંતુ ભારતના એ દરેક ભાગોમાં જોવા મળે છે જ્યાં રેડિકલ ઈસ્લામિસ્ટ્સ ત્યાંના બાળકો – યુવાવર્ગનું બ્રેઈનવૉશ કરી એમને ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે.
આવી જ હાલત દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની પણ છે, જ્યાં ખ્રિસ્તીઓ છળકપટને આધારે હિંદુઓનું ધર્મપરિવર્તન કરી રહ્યા છે. બે વર્ષ પહેલાં હું દક્ષિણ ભારતના પ્રવાસે હતો, ત્યારે તમિલનાડુના રામેશ્વરમ્ નજીક જે દ્રશ્ય જોયું હતું એ આજે પણ ભૂલી શકાતું નથી. સનાતન સંસ્કૃતિના પ્રમુખ ધર્મસ્થાન એવા રામેશ્વરમ્ જ્યોતિર્લિંગ મંદિર નજીકના રસ્તા ઉપરની દીવાલો પર મોટા અક્ષરે હિન્દીમાં કોતરાયેલું છે: ‘ઈસુ હી એકમાત્ર પરમેશ્વર હૈ’!
ભગવાન બુદ્ધની વાણીને તોડી-મરોડી પોતાના અંગત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરનારા રાજરત્ન આંબેડકર જેવા નકલી બૌદ્ધોના ગાલ ઉપર આ ફિલ્મ એક લપડાક છે, જેઓ જાતિ-જ્ઞાતિના નામે હજારો લોકોને ઉશ્કેરી એમનું ધર્મપરિવર્તન કરાવી રહ્યા છે.
આનાથી મોટી વક્રતા બીજી કઈ હોઈ શકે? વર્ષો સુધી સેક્યુલર-સેક્યુલરિઝમના ગાણાં ગાઈને આપણે વિદેશીઓને ભારતના મૂળિયાં પર પ્રહાર કરવા માટે એમના હાથમાં સામે ચાલીને કુહાડી આપવાનું કામ કર્યુ છે! ટીપુ સુલતાન, અકબર જેવા લૂંટારાઓને આપણે હીરો તો બનાવી દીધા, પરંતુ ખુલ્લી છાતીએ અફઘાનીઓ સામે નિર્ભય થઈને બાથ ભીડનારા હજારો નાગા સાધુઓને ભૂલી ગયા! ‘સર્વધર્મ સમભાવ’નો અર્થ ‘હિંદુ ધર્મ પ્રત્યે શર્મિંદગી’ એવો ક્યારથી થઈ ગયો? ભારતમાં સર્વેનું સ્વાગત છે, પરંતુ દેશના ટુકડા-ટુકડા કરનારી વિચારધારાના ગુલામ આપણે ક્યારથી બની ગયા? ખ્રિસ્તીઓ પાસે સેંકડો ‘ક્રિશ્ચિયન કન્ટ્રી’ છે, ઈસ્લામ સામે અનેક ‘ઈસ્લામિક દેશો’ છે અને આમ છતાં આખી દુનિયામાં એકમાત્ર હિંદુ બહુમતી ધરાવતા દેશ – ભારત – ને ‘હિંદુ રાષ્ટ્ર’ જો કોઈ કહી દે તો હોબાળો કેમ મચી જાય છે? સેક્યુલર હોવાનો ઠેકો શું ફક્ત હિંદુઓએ જ લીધો છે? એવું પણ નથી કે ભારત અન્ય ધર્મના લોકોને ખદેડી મૂકવા માંગે છે. અહીંના હિંદુઓની એકમાત્ર માંગ એટલી છે કે એમને પોતાની સંસ્કૃતિ અને રીતિ-રિવાજો નિભાવવાનો અધિકાર સમ્માનપૂર્વક મળે. હિંદુઓ ક્યારેય મસ્જિદ કે ચર્ચના નિયમો બદલાવવા નથી નીકળ્યા, આમ છતાં શબરીમાલા વિવાદ, જગન્નાથ પુરી વિવાદ, ઉજ્જૈન મહાકાળની ભસ્મ-આરતી અને કામાખ્યામાં ચડાવાતાં પશુબલિ વિશે આપણે શા માટે અન્યોની ટિપ્પણીઓ સાંભળી લઈએ છીએ?
આ પ્રશ્નનો જવાબ ‘ધ કેરેલા સ્ટોરી’માં છે. ગીતાંજલિનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી સિદ્ધિ ઇદનાની પોતાના કમ્યુનિસ્ટ પિતાને ફરિયાદ કરતાં કહે છે કે, ‘તમે આખી જિંદગી મને નિરીશ્વરવાદ / નાસ્તિકતાની શીખ આપી, એને બદલે જો એક વખત પણ (ભારતની) સંસ્કૃતિની કથાઓ અને મહત્તા સમજાવી હોત તો કદાચ હું ક્યારેય ધર્મપરિવર્તનના રવાડે ન ચડી હોત!’
હિંદુઓની સૌથી મોટી સમસ્યા જ આ છે. સંતાનોના મન-હ્રદયમાં ભારતવર્ષ માટે સમ્માન જોવા તો ઈચ્છીએ છીએ, પરંતુ આ દેશને મહાન બનાવતી પૌરાણિક સંસ્કૃતિની ધરોહર સમા શાસ્ત્રો અને ધર્મગ્રંથોનું રસપાન કરાવવાનું ચૂકી જઈએ છીએ.
ફિલ્મમાં અફઘાનિસ્તાનની હિંદુકુશ પહાડીઓ અને કંધાર પ્રદેશને જોઈને હ્રદયમાં એ વાતની ટીસ ઉઠે છે કે એક સમયે અખંડ આર્યાવર્ત – અખંડ ભારતનો ભાગ એવા આ સુંદર ગાંધાર પ્રદેશને ઈસ્લામના આતંકવાદે તબાહ કરી નાંખ્યો છે. આટઆટલું ગુમાવીને બેઠા હોવા છતાં જો કોઈ વ્યક્તિના હ્રદયમાં હજુ પણ સેક્યુલર હોવાનો ધખારો હોય, તો એણે ‘અમન’નો માર્ગ અપનાવી – ધર્મપરિવર્તન કરાવી, હિંદુ ધર્મ પરનું ભારણ ઓછું કરી નાંખવું જોઈએ.
જેની સ્થાપના ભગવાન વિષ્ણુના અંશાવતાર એવા પરશુરામે કરી હતી, એવું ‘પરશુરામક્ષેત્રમ્’ – કેરળ આજે આતંકવાદીઓનું ઘર બની ગયું છે. કાશ્મીર સહિત અન્ય સ્થાનો પર થતાં આતંકવાદી હુમલામાં કેરળના આઈ.એસ.આઈ.એસ. તાલીમાર્થીઓ પણ સંડોવાયેલા હોય છે. ત્રેતાયુગમાં ઐશ્વર્ય – સત્તાલાલસા – પ્રજાદ્રોહ – ભોગવિલાસમાં રત થઈ જનારા રાજાઓને જે રીતે પરશુરામે સાફ કરી નાંખ્યા હતાં, એવી રીતે વર્તમાન ભારતને પણ આવા અનેક પરશુરામની જરૂર છે. ફરક માત્ર એટલો છે કે ભારતીયોનું પ્રધાન-શસ્ત્ર કોઈ પરશુ નહીં, પરંતુ સાંસ્કૃતિક – આધ્યાત્મિક – ધાર્મિક જ્ઞાન હોવું જોઈએ!
32,000 હિંદુ છોકરીઓની આ હચમચાવી નાંખનારી સત્યઘટનાને કરોડો હિંદુઓ સુધી પહોંચાડવા બદલ ડિરેક્ટર સુદીપ્તો સેન અને પ્રોડ્યુસર વિપુલ અમૃતલાલ શાહને બોહોમિસ્તુતિ (થેન્ક યુ)!
bhattparakh@yahoo.com
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.