વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે, જ્યારે હું સંપૂર્ણ જાગૃત અવસ્થામાં ધ્યાન ધરી રહ્યો હતો, ત્યારે મારાથી અમુક જ ફૂટના અંતરે એક આકૃતિનું પ્રાગટ્ય થયું… જે આંશિક રીતે બીજી દિશામાં ફરીને ઊભી હતી.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । ગયા અઠવાડિયે શ્રીવિદ્યા ઉપાસક ઓમ સ્વામીના સંન્યાસ પૂર્વેના જીવન અંગે આપણે જાણ્યું. આજે એમના અંગ્રેજી પુસ્તક ‘ઈફ ટ્રુથ બી ટૉલ્ડ’ના પ્રકરણ-14 (સાક્ષાત્કાર)નો એક અંશ અહીં પ્રસ્તુત છે.
ઑવર ટુ ઓમ સ્વામી:
“તીવ્રતા અને સંપૂર્ણ એકાગ્રતા સાથે હું ધ્યાન ધરી રહ્યો હતો, મારા હ્રદયમાં વ્યાકુળતા વ્યાપ્ત હોવા છતાં પણ મને હજુ આદિશક્તિના દિવ્ય સ્વરૂપના દર્શન પ્રાપ્ત નહોતાં થયા. ખરું કહું તો, ધ્યાન ધરવાની પ્રક્રિયામાં ઘણો સુધાર થયો હોવા છતાં તે મારી પ્રગતિ સૂચવે છે કે કેમ, એની પણ મને જાણ નહોતી. મારાથી શક્ય એટલા વધુ સમય સુધી હું સતત ધ્યાન ધરી રહ્યો હતો. મેં નિર્ણય કર્યો કે સાધનાની પૂર્ણાહુતિ થાય, ત્યાં સુધી હું સંપૂર્ણ ધીરજ સાથે પ્રતિક્ષા કરીશ.
શ્રીયંત્ર અને મંત્ર સાથે જગતજનનીનું ધ્યાન ધરવાનો આરંભ કર્યો, તેના બરાબર ચાલીસ દિવસો પશ્ચાત્ એટલે કે ૧૩મી ફેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ મારી સાથે એક એવો પ્રસંગ બન્યો, જેની મેં તદ્દન અપેક્ષા નહોતી રાખી!
થોડા જ દિવસો પહેલાં, મેં મારા નિત્યક્રમમાં પરિવર્તન લાવ્યું હતું અને હવે હું દરરોજ રાતે ૯ વાગ્યાથી શરૂ કરીને સવારે ૧૦ વાગ્યા સુધી ધ્યાન ધરવા માંડ્યો હતો. વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે, જ્યારે હું સંપૂર્ણ જાગૃત અવસ્થામાં ધ્યાન ધરી રહ્યો હતો, ત્યારે મારાથી અમુક જ ફૂટના અંતરે એક આકૃતિનું પ્રાગટ્ય થયું… જે આંશિક રીતે બીજી દિશામાં ફરીને ઊભી હતી.
પાછલાં બે દાયકાની અંદર, હું અલગ અલગ દેવીઓ, યોગિનીઓ, યક્ષિણીઓ અને અપ્સરાઓની તાંત્રિક સાધનાઓ કરી ચૂક્યો હતો; જે મહાદેવીથી નિમ્નસ્તરની શક્તિઓ ગણાય છે. કેટલીક વખત મેં દૈવી સ્વરૂપોને હાજરાહજૂર નિહાળ્યા હતાં, પરંતુ આ પ્રકારના અનુભવો એટલા ઓછા સમય માટે થયા હતાં કે તેનો કોઈ અર્થ મને સમજાયો નહીં. બીજી બાજુ, સ્વપ્નમાં પણ હું આકૃતિઓ નિહાળી ચૂક્યો હતો. અલબત્ત, આજ વખતે હું સંપૂર્ણ સભાનાવસ્થામાં હતો એટલે મને લાગ્યું કે પાછલાં પ્રસંગોની માફક હું આજે પણ એક દિવ્યાંગનાને નિહાળી રહ્યો છું! મારી ધારણા હતી કે આ દૈવી સ્વરૂપ પણ થોડી ક્ષણોમાં અદ્રશ્ય થઈ જશે. આમ જોવા જઈએ તો, મેં આ દૈવી સ્વરૂપને મારા ધ્યાનભંગ માટે પ્રગટ થયેલું સ્વરૂપ માની લીધું હતું.
પહેલાથી પણ વધારે દ્રઢ સંકલ્પ અને પરમ સ્વસ્થતા સાથે મેં મારી એકાગ્રતાને ફરી ધ્યાન તરફ દોરી. આમ છતાં, દૈવી આકૃતિ અદ્રશ્ય થઈ નહીં અને પોતાનું મોં દીવાલ તરફ રાખીને ત્યાં જ સ્થિર ઊભી રહી.
એકાએક એમણે પોતાના બંને હાથ લયબદ્ધ રીતે હવામાં ઝુલાવવાની શરૂઆત કરી – અત્યારે એક હાથ ઝુલ્યો અને પછી બીજો; હવે જમણો હાથ ઝુલ્યો અને પછી ડાબો! એ હાથોની સંમોહિત કરી દેનારી ગતિવિધિને કારણે મારી એકાગ્રતામાં ભંગ ન થાય, એ હેતુથી મેં મારું ધ્યાન મંત્ર પર કેન્દ્રિત રાખ્યું.
એ દિવ્યાકૃતિ મારી સામે મોં રાખીને જમીન ઉપર બિરાજમાન થઈ. મેં હજુ પણ એમની સામે બરાબર રીતે નજર નહોતી કરી. હું ઊંડા ધ્યાનમાં મગ્ન હતો અને પ્રગટ થયેલી દિવ્યાકૃતિની અવગણના કરવા માટે મક્કમ હતો.
‘આયો જી.. આયો જી.. સર્વાનંદ બાબા, આયો જી’ (પધારો રે.. પધારો રે.. સર્વાનંદ બાબા, પધારો રે) અત્યંત સુમધુર સ્વરમાં એ નારીએ મને પુકાર લગાવી.
નાગાબાબાએ આપેલા નામનું ઉચ્ચારણ કરીને એમણે મને પોતાની પાસે બોલાવ્યો હોવાનું તથ્ય હું જાણતો હોવા છતાં, મેં એમના તરફ ધ્યાન ન આપ્યું અને સાધનામાં જ પ્રવૃત્ત રહ્યો. થોડી ક્ષણો વીતી ગયા પછી, એમણે ફરી મને પોકાર્યો. તેઓ આદિ પરાશક્તિની સખી અથવા સંગિની-શક્તિઓમાંની એક એવી કોઈ નિત્યા હશે, એવું વિચારીને મેં ફરી એમને ગણકાર્યા નહીં ને ધ્યાનમગ્ન જ રહ્યો! ત્રીજી વખત મારા નામનું ઉચ્ચારણ કર્યા બાદ, દિવ્યાકૃતિએ સીધો મારી સામે દ્રષ્ટિપાત કર્યો… અને હવે હું એમની વધુ અવગણના ન કરી શક્યો. આખરે તેમને મારા એ નામની જાણ હતી, જેના વિશે ભાગ્યે જ કોઈક જાણતું હતું. તદુપરાંત, તેઓ ત્યાં દ્રઢનિશ્ચયી થઈને બિરાજમાન હતાં. જો તેઓ કોઈ અનિચ્છનીય કે વણમાંગી શક્તિ હોત અથવા તો મને માત્ર આશિષ આપવાના હેતુ સાથે જ અહીં પધારી હોત, તો અત્યારસુધીમાં તો અંતર્ધ્યાન પણ થઈ ચૂકી હોત; પરંતુ જેવી રીતે એક માતા પોતાના સંતાનની સાથે બેસે, એવી રીતે પલાંઠી વાળીને તેઓ ધરતી ઉપર બેઠા હતાં.
મેં એક એવું પગલું ઉઠાવ્યું, જે મેં આજ પહેલાં ક્યારેય નહોતું ઉઠાવ્યું… હું મારા ધ્યાનપ્રક્રિયા દરમિયાન જ ઊભો થઈ ગયો. એ સમયે કડકડતી ઠંડી હતી અને મેં ઊનનાં પગમોજાં પહેર્યા હતાં. મેં ઝડપથી મારા મોજાં ઉતાર્યા, જેથી હું ઉઘાડા પગે એ દિવ્ય-સ્વરૂપાને નમન પાઠવી શકું. કુટિરમાં એટલી જગ્યા નહોતી કે હું એમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી શકું. પરિણામસ્વરૂપ, શ્રીયંત્રની થોડે આગળ જઈ, ઠંડાગાર યજ્ઞકુંડની ઉપર સહેજ આડા સૂઈને મેં એમને સાષ્ટાંગ નમસ્કાર કર્યા.
‘હું સર્વાનંદ.’ કહીને મેં ઉપર જોયું.
જેવી રીતે મીણ તાપને સહન ન કરી શકે, જેવી રીતે પ્રકાશની ઉપસ્થિતિમાં અંધકાર વિલીન થઈ જાય; એવી રીતે હું એમનામાં ખોવાઈ ગયો. એક નાનકડી બૂંદ સમાન મારા અસ્તિત્વને અગાધ સમુદ્રની વિશાળતાનો તો ક્યાંથી અંદાજ હોય? કેવી રીતે કલ્પના કરી શકું એમ હતો કે સમસ્ત સૃષ્ટિનો પ્રાદુર્ભાવ જેમાંથી થયો છે, એ જગતજનની બ્રહ્માંડસામ્રાજ્ઞીના તેજસ્વી નેત્રોને હું નિહાળી શકીશ? મારી સામે વાત્સલ્યભાવે દ્રષ્ટિ કરી રહેલાં મહાદેવી એ જ હતાં, જેમની મેં જીવનપર્યંત પ્રતિક્ષા કરી હતી…
તેમનું આગમન થઈ ચૂક્યું હતું!”
(ક્રમશઃ)
bhattparakh@yahoo.com
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.