પેલ્યોન્ટોલૉજિસ્ટ (જીવાશ્મ-વિજ્ઞાની)ના મત અનુસાર, ‘એન્ડ-પર્મિયન’ પ્રલય સમયે ધરતી પરના અડધા ભાગના જીવજંતુની પ્રજાતિઓનો નાશ થઈ ગયો હતો. મત્સ્યપુરાણ પણ કહી રહ્યું છે કે સૂર્યકિરણોને કારણે અસંખ્ય જીવો ખત્મ થયા.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ (ગતાંકથી ચાલુ) ગયા અઠવાડિયે મત્સ્યપુરાણમાં થયેલાં મહાપ્રલયના વર્ણન અંગે ગોષ્ઠિ શરૂ કરી હતી. વૈજ્ઞાનિકોના મત મુજબ ૨૫.૧૯ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી ઉપર માનવજાતનો સમૂળગો સફાયો થઈ જાય એવો વિધ્વંશ જોવા મળ્યો હતો, જેને તેઓએ ‘એન્ડ-પર્મિયન માસ એક્સટિન્ક્શન’ નામ આપ્યું છે. બીજી બાજુ, પુરાણોના મતાનુસાર આવો સમય આજથી ૨૫.૧૧ કરોડ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો.

૧૯૮૦ની સાલથી આ વિષય ઉપર હજારો રિસર્ચ-પેપર કેટકેટલા લબ્ધપ્રતિષ્ઠિત સામયિકો, સાયન્સ જર્નલ્સ અને પુસ્તકોમાં પ્રકાશિત થયા છે. વૈજ્ઞાનિકોએ પુષ્કળ સમય અને ઊર્જા ખર્ચીને માનવજાત ઉપર આવેલાં એ પ્રલયની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી છે. આ જ વિગતોને મત્સ્યપુરાણમાં અપાયેલી વિગતો સાથે સરખાવતાં ચોંકાવનારા પરિણામો જાણવા મળે છે.

રાજા સત્યવ્રત દ્વારા ભગવાન શ્રીવિષ્ણુના સર્વપ્રથમ મત્સ્ય અવતાર સાથેની વાતચીત દરમિયાન એમને પ્રલય વખતે થનારા સર્વનાશ અંગે પૃચ્છા કરે છે, જેના પ્રત્યુત્તરમાં મત્સ્ય અવતાર એમને ૮ એવા લક્ષણો જણાવે છે, જે કુદરતી આપત્તિ સ્વરૂપે ભૂલોક પર ત્રાટકશે!

(૧) ભયંકર દુષ્કાળ તેમજ સંસાધનોની ઘટ.

(૨) સોલાર રેડિયેશનને કારણે સૂક્ષ્મજીવોનો સફાયો.

(૩) ધરતી ઉપર પ્રચંડ અગ્નિ.

(૪) જ્વાળામુખી પ્રસ્ફુટન.

(૫) અત્યંત દુષ્કર પૂરવાર થવા જઈ રહેલું ગ્લોબલ વૉર્મિંગ.

(૬) વધી રહેલાં તાપમાનને કારણે એસિડિક વરસાદની સંભાવના.

(૭) સમુદ્રમાં જળસ્તર ઊંચુ આવવાને કારણે દરિયાઈ જીવોનો નાશ.

(૮) મનવંતરના અંત સમય સુધી ચાલનારા વિધ્વંશનું દ્રશ્ય.

આ યાદી બાદ, હવે સર્વનાશના સર્વપ્રથમ દ્યોતકને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી જોઈએ:

अद्य प्रभृत्यनावृष्टिर्भविष्यति महीतले ।

यावद्वर्षशतं साग्रन्दुभिक्षमशुभावहम् ॥

(મત્સ્યપુરાણ ૨.૩)

ભાવાર્થ: આજથી ધરતી ઉપર વરસાદ નહીં વરસે! આવનારા હજારો વર્ષો સુધી ભૂલોક પર અશુભ-અપશુકન જોવા મળશે અને સંસાધનોની ઓછપ પ્રવર્તશે.

‘એન્ડ-પર્મિયન’ થિયરી પર કામ કરી ચૂકેલાં સંશોધકોના રિસર્ચ-પેપરમાં એ વાતનો ઉલ્લેખ છે કે એ સમયે દુષ્કાળને કારણે બીજમાંથી અંકુર ફૂટવાની પ્રક્રિયા અને કુદરતી વનસ્પતિના ઉગવાની ક્રિયા લાંબા અંતરાલ માટે અટકી ગઈ હતી.

મત્સ્યપુરાણના બીજા અધ્યાયનો ચોથો શ્લોક સોલાર રેડિયેશન અથવા અલ્ટ્રા-વાયોલેટ રેડિયેશનની વાત કરે છે:

ततोल्पसत्त्वक्षयदा रश्मयः सप्त दारुणाः ।

सप्तसप्तेर्भविष्यन्ति प्रतप्तांगारवर्षिणः ॥

(મત્સ્યપુરાણ ૨.૪)

ભાવાર્થ: ૪૯ ગણા નુકશાનકારક સાત સૂર્યકિરણોને કારણે અસંખ્ય જીવો નાશ પામશે. જ્વલનશીલ પદાર્થોની વર્ષા થશે!

ઉપરોક્ત શ્લોકમાં ઉલ્લેખ થયેલ સાત કિરણોના પ્રકારો અંગે મત્સ્યપુરાણ કોઈ પ્રકાશ પાડતું નથી, પરંતુ એના વિશે શ્રીવિષ્ણુપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. સૂર્યના સાત કિરણો એટલે: (૧) સુષુમ્ણા (૨) હરિકેશ (૩) સુરાદના (૪) ઉદન્વસુ-સંયદ્વસુ (૫) વિશ્વકર્મા (૬) ઉદાવસુ (૭) વિશ્વવ્યચા-અખરાદ્. તદુપરાંત, શ્લોકમાં જેનો ઉલ્લેખ થયો છે, એવા જ્વલનશીલ પદાર્થો અર્થાત્ ઉલ્કાપાતની ઘટનાને પણ નજરઅંદાજ ન કરી શકાય. સૌ કોઈ જાણે જ છે કે ડાયનોસોરના લુપ્ત થવા પાછળ આવા જ જ્વલનશીલ અવકાશીય પદાર્થોને કારણભૂત માનવામાં આવે છે.

આમાંથી અલ્ટ્રા-વાયોલેટ રેડિયેશન ધરાવતાં વિકિરણ કયા છે, એ ઊંડાણપૂર્વકનો અભ્યાસ માંગી લેતો વિષય છે. આધુનિક એસ્ટ્રોફિઝિક્સ દ્રઢપણે માને છે કે સોલાર રેડિયેશનમાંના એકમાત્ર ‘અલ્ટ્રા-વાયોલેટ રેડિયેશન’માં જ એટલી ક્ષમતા છે કે જીવસૃષ્ટિનો સફાયો કરી શકે! ઓઝોન સ્તરમાં ગાબડાં પાડવા પાછળ આ વિકિરણો જ જવાબદાર ગણાય છે. પૂરતાં સંશોધનો બાદ પૂરવાર થયું છે કે આ પ્રકારનું રેડિયેશન ‘એન્ડ-પર્મિયન’ વખતે જોવા મળ્યું હતું.

અલ્ટ્રા-વાયોલેટ રેડિયેશનને કારણે નાના જીવો પર પણ ગંભીર અસર જોવા મળે છે. પેલ્યોન્ટોલૉજિસ્ટ (જીવાશ્મ-વિજ્ઞાની)ના મત અનુસાર, ‘એન્ડ-પર્મિયન’ પ્રલય સમયે ધરતી પરના અડધા ભાગના જીવજંતુની પ્રજાતિઓનો નાશ થઈ ગયો હતો. મત્સ્યપુરાણ પણ કહી રહ્યું છે કે સૂર્યકિરણોને કારણે અસંખ્ય જીવો ખત્મ થયા.

આશ્ચર્યની વાત એ છે કે ભારતના વેદ-પુરાણો અને આધુનિક વિજ્ઞાનને એકબીજા સાથે જોડતી આટઆટલી કડીઓ દીવડાં જેટલી સ્પષ્ટ હોવા છતાં આ દેશને મદારીઓનું રહેઠાણ ગણવામાં આવ્યો, જેની પાછળ વિદેશી આક્રાંતાઓની સાથોસાથ સંસ્કૃતિવિરોધી અને ઈશ્વરવિરોધી વિચારધારા ધરાવનારા લોકોનો ખાસ્સો ફાળો છે!

જેમને ભગવાન શ્રીહરિ સાક્ષાત્ છે, એવા સિદ્ધયોગી અને ‘સાધના’ મોબાઇલ એપ્લિકેશનના પ્રણેતા ઓમ સ્વામી ઘણી વાર પોતાના પ્રવચનોમાં કહે છે કે ઈશ્વરને પામવા માટે સર્વપ્રથમ એનામાં શ્રદ્ધા હોવી જરૂરી છે, ત્યારબાદ આવશ્યકતા છે સમર્પણભાવની! સાચા મનથી જ્યાં સુધી એમને પોકારવામાં ન આવે, ત્યાં સુધી એ પોતાના અસ્તિત્વની વિશાળતા ઉજાગર કરતો નથી.

આગામી અઠવાડિયાઓમાં મહાપ્રલય દરમિયાન મત્સ્ય અવતાર દ્વારા વર્ણવવામાં આવેલી અન્ય ૬ કુદરતી આપત્તિઓ વિશે વિસ્તારપૂર્વકની માહિતી મેળવીશું.

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *