આપણા દેશમાં સૂર્યના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, જેનો ઉલ્લેખ વિવિધ સંસ્કૃત સાહિત્યોમાં થયેલો છે. તેમની કલાત્મકતા અને ભવ્યતા બેજોડ છે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । સૂર્ય-ચંદ્રની ગણતરી કળિયુગના હાજરાહજૂર દેવોમાં થાય છે. સૂર્યની પ્રાતઃપૂજાનું મહત્વ શાસ્ત્રો અને વેદ-પુરાણોમાં બહુ પહેલાથી વર્ણવાયેલું છે. ચંદ્ર-સૂર્યનાં દુષ્પ્રભાવથી રક્ષણ મેળવવા માટે એમની વીંટીઓ પહેરવાનું સૂચન આપવામાં આવે છે. આપણા દેશમાં સૂર્યના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, જેનો ઉલ્લેખ વિવિધ સંસ્કૃત સાહિત્યોમાં થયેલો છે. તેમની કલાત્મકતા અને ભવ્યતા બેજોડ છે. ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક ‘ધ એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર’માં તો વિધિવત્ સૂર્યસાધના કરી શકવા માટેની પદ્ધતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે; જેમાં ઓમ સ્વામી જણાવે છે, ‘સનાતન ધર્મમાં સૂર્ય, ગણપતિ, શિવ, શક્તિ અને વિષ્ણુની સાધના કરવાનું ચલણ આદિકાળથી ચાલ્યું આવે છે.’
અમદાવાદથી થોડે દૂર મોઢેરાનું સૂર્યમંદિર ભારતનાં સૌથી ખ્યાતનામ મંદિરોમાંનું એક છે. અહીંના એક શિલાલેખમાં સોલંકીઓ વિશેનું વર્ણન પણ મળી આવ્યું છે. સૂર્યવંશી સોલંકી પ્રજા સૂર્યને કુળદેવતા તરીકે પૂજતી હતી. એમણે પોતાના આરાધ્યદેવ સૂર્યની અર્ચના કરવા માટે એક ભવ્ય સૂર્યમંદિર બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. ભારતના ત્રણ સૌથી પ્રાચીન સૂર્યમંદિરોમાં ઓરિસ્સાનું કોણાર્ક મંદિર, જમ્મુ સ્થિત માર્તંડ મંદિર અને ગુજરાતમાં આવેલા મોઢેરા સૂર્યમંદિરનો સમાવેશ થાય છે.
રાજા-રજવાડાંઓના સમયની શિલ્પકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જેને માનવામાં આવે છે એવા વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરની ખાસિયત એ છે કે મંદિર-નિર્માણ માટે ક્યાંય ચૂનાનો ઉપયોગ જ નથી થયો! ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને ભીમદેવે ત્રણ ભાગમાં બનાવડાવ્યું હતું. પહેલો હિસ્સો ગર્ભગૃહ, બીજો સભામંડપ અને ત્રીજો સૂર્યકુંડ! ગર્ભગૃહની અંદરની લંબાઈ ૫૧ ફૂટ ૯ ઇંચ તથા પહોળાઈ ૨૫ ફૂટ ૮ ઇંચ છે. સભામંડપની અંદર કુલ બાવન સ્તંભ છે. તમામ સ્તંભો પર કારીગરીનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાતાં વિભિન્ન દેવી-દેવતાઓનાં ચિત્રો તેમજ રામાયણ-મહાભારતનાં પ્રસંગોની કોતરણી કરવામાં આવી છે. સ્તંભની નીચેની બાજુ જોવામાં આવતાં તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની બાજુથી જોવામાં આવે તો તેનો આકાર ગોળ દ્રશ્યમાન થાય છે. મંદિર-નિર્માણ સમયે એવા પ્રકારની કારીગરી કરવામાં આવી છે કે, સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરનાં ગર્ભગૃહને ઝળહળા કરી દે! સભામંડપની આગળની બાજુ એક વિશાળ કુંડ છે, જેને લોકો સૂર્યકુંડ અથવા રામાકુંડનાં નામે ઓળખે છે. મુસ્લિમ શાસક અલાઉદીન ખિલજીએ આક્રમણ કરીને સૂર્યમંદિરની મૂર્તિઓને ભારે માત્રામાં નુકશાન પહોંચાડ્યુ હતું.
રથ આકારમાં બનેલું કોણાર્કનું સૂર્યમંદિર, ભારતની વાસ્તુકલાનું અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. જેનું નિર્માણ ૧૩મી સદીમાં રાજા નરસિંહદેવની આજ્ઞા પ્રમાણે કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ આકાર અને શિલ્પકલા માટે વિશ્વવિખ્યાત કોણાર્ક સૂર્યમંદિર સાથે એક હિંદુ માન્યતા જોડાયેલી છે. જેનાં મુજબ, સૂર્યદેવતાનાં રથમાં પૈડાની કુલ બાર જોડી છે. રથ ખેંચવા માટે એમાં ૭ ઘોડા જોડાયેલા છે. પૈડા અને ઘોડાનું નિર્માણ પત્થરોમાંથી કરવામાં આવ્યું છે. દુનિયાનાં અલગ-અલગ દેશોમાંથી પર્યટકો અહીં ખાસ ભારતીય શિલ્પ-કલા જોવા માટે આવે છે. અહીંયાની સૂર્ય પ્રતિમાને જગન્નાથ મંદિરમાં સુરક્ષિત રાખવામાં આવી છે, જેથી હવે કોણાર્ક મંદિરમાં કોઇ દેવ-મૂર્તિ નથી.
સૂર્યમંદિર સમયની ગતિ પણ દર્શાવે છે. પૂર્વ દિશા તરફ આવેલા ૭ ઘોડા અઠવાડિયાનાં સાત દિવસનું સૂચન કરે છે. ૧૨ જોડી પૈડા (કુલ ૨૪ પૈડા) આખા દિવસનાં ચોવીસ કલાકનું સૂચન કરે છે. એની સાથે જોડાયેલી ૮ તાડી દિવસનાં કુલ આઠ પ્રહરનું પ્રતીક સ્વરૂપ છે. કેટલાક લોકોનું તો એમ પણ માનવું છે કે, ૧૨ જોડી પૈડા એ વાસ્તવમાં ૨૪ કલાક નહીં પરંતુ વર્ષનાં ૧૨ મહિના સૂચવે છે. આખાય મંદિરમાં કેટલાય વિષયો અને દ્રશ્યોને પથ્થરોમાં કોતરવામાં આવ્યા છે.
મધ્યકાલીન યુગમાં સાતમી-આઠમી સદી દરમિયાન નિર્મિત માર્તંડ સૂર્યમંદિર, સૂર્ય રાજવંશનાં રાજા લલિતાદિત્યે અનંતનાગ નામનાં એક નાનકડા શહેર પાસે બંધાવ્યું હતું, જેની ગણના લલિતાદિત્યનાં પ્રમુખ કાર્યોમાં થાય છે. ચોક્કસ અંતરે રાખવામાં આવેલા કુલ ૮૪ સ્તંભ મંદિરની શોભામાં વધારો કરે છે. મંદિરનાં નિર્માણ માટે ચૂનાનાં પથ્થરોની (ચાર ખૂણા ધરાવતી) ઇંટોનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે, જે એ સમયનાં કારીગરોની કુશળતાનું પ્રદર્શન કરે છે. મંદિરની રજવાડી વાસ્તુકલા એને અલગ પ્રકારનો ઓપ આપવાનું કામ કરે છે. બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા કાશ્મીરી પહાડોની પૃષ્ઠભૂમિ પર વચ્ચોવચ આવેલું આ મંદિર કોઇ કરિશ્માથી કમ નથી. કારકૂટ વંશનાં રાજવી હર્ષવર્ધને ૨૦૦ વર્ષ સુધી મધ્ય એશિયા સહિત સમગ્ર અરબ દેશો પર એકહથ્થું રાજ કર્યુ હતું.
માનવામાં આવે છે કે, સૂર્યની પહેલી કિરણ સાથે રાજા પોતાનાં દિવસની શરૂઆત સૂર્યમંદિરમાં પૂજા કર્યા બાદ, ચારે દિશાઓમાં દેવતાનાં આહ્વાન સાથે કરતાં હતાં. હાલમાં ખંડેર બની ચૂકેલા આ મંદિરની ઉંચાઈ પણ હવે ફક્ત ૨૦ ફૂટ જેટલી રહી ગઈ છે. પહેલાનાં સમયમાં ઉપયોગમાં લેવાતાં વાસણો હજુ પણ મંદિરમાં રાખવામાં આવ્યા છે. કશ્મીરીઓને ૪૦૦ વર્ષ પછી ફરી પોતાનાં આ ભવ્ય વારસાનું જતન કરવાની વાત યાદ આવી ગઈ છે! ૧૪૦૦ વર્ષ જૂનું માર્તંડ સૂર્યમંદિર હાલ ભલે ભગ્નાવશેષ ધરાવતું હોય, એમ છતાં દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીંની બેનમૂન કલાકૃતિ જોવા માટે ખેંચાઈ આવે છે.
બેલાઉર ગામમાં કુલ બાવન તળાવનું નિર્માણ કરાવનાર રાજા સૂબાએ બેલાઉર સૂર્યમંદિર બનાવડાવ્યું હોવાની વાત મળી આવી છે. બેલાઉર ગામ બિહારનાં ભોજપુર જિલ્લા ખાતે સ્થિત છે. ગામનાં પશ્ચિમી-દક્ષિણ દિશામાં સૂર્યમંદિરનું નિર્માણ થયેલું છે. રાજા દ્વારા નિર્મિત બાવન તળાવોમાંના એકનાં મધ્યમાં સૂર્યમંદિર સ્થિત છે.
bhattparakh@yahoo.com
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.