હિંદુ વેદ-પુરાણોમાં અપાયેલ બ્રહ્માંડનાં સર્જનને અગર આજના મોડર્ન સાયન્સ સાથે સરખાવીને જોઈએ તો સમજી શકાય કે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોથી બનેલા પરમાણુ વાયુ-સ્વરૂપમાં એકઠા થઈને અલગ-અલગ તત્વોનું નિર્માણ કરે છે.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા મહાવિષ્ણુની સૂક્ષ્મ ચેતનામાંથી પ્રગટ થયેલ કરોડો-અબજો શ્રી (ગર્ભોદકશાયી) વિષ્ણુ પોતપોતાનાં અલગ બ્રહ્માંડોના અધિપતિ છે. તેમના અવતરણને ૧૦૦૦ મહાયુગ વીતી ગયા બાદ પ્રત્યેક ગર્ભોદકશાયી વિષ્ણુની નાભિમાંથી ભગવાન બ્રહ્મા કમળના આસન પર સૃષ્ટિચક્રમાં પ્રવેશ કરે છે. વૈજ્ઞાનિક શૈલીમાં કહેવું હોય તો, માતાની નાળ સાથે જેમ બાળક જોડાયેલું હોય એ જ રીતે, બ્રહ્મા પણ શ્રીવિષ્ણુનાં નાભિકમળ સાથે અતૂટ સંબંધ ધરાવે છે.

ગર્ભોદકશાયી વિષ્ણુના નાભિકમળમાંથી જન્મ લીધા બાદ ભગવાન બ્રહ્મા શુન્યમનસ્ક ભાવે પોતાની આજુબાજુ છવાયેલ ઘેરા અંધકારને દૂર કરવાનાં પ્રયાસો કરવા લાગે છે. તેમને પાંચ મસ્તકો છે, જે જન્મતાંવેત ચાર દિશા (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ) અને ઉર્ધ્વભાગનાં મસ્તક વડે પોતાની આજુબાજુમાં પ્રકાશની શોધ કરે છે. તદ્દન દિશાહીન હોવાને લીધે તેઓ મૂંઝાઈને ધ્યાનમુદ્રામાં બેસી જાય છે. ફરી ૧૦૦ મહાયુગ વીતી જાય છે અને આખરે શ્રી ગર્ભોદકશાયી વિષ્ણુ તેમને માર્ગ સૂઝાડવા માટે પોતાના પૂર્ણ સ્વરૂપમાં દ્રશ્યમાન થાય છે.

શ્રીવિષ્ણુ સૃષ્ટિના સર્જનથી માંડીને બ્રહ્માના જીવન-પ્રયોજન સુધીની તમામ ગાથા તેમને વિસ્તૃત રીતે સમજાવી આપે છે. પોતાના સમગ્ર જીવન-કાર્યથી માહિતગાર થઈને બ્રહ્મા જીવસૃષ્ટિનું સર્જન કરવાનો આરંભ કરે છે. તેઓ સૌપ્રથમ હાલીચાલી ન શકે તેવા સ્થિર પદાર્થો (જેમકે ગ્રહ, પહાડ, નદી વગેરે) નું નિર્માણ કરે છે (ગ્રહ પોતે ક્યારેય ભ્રમણ નથી કરતો. ગુરૂત્વાકર્ષણબળ તેને આમ કરવા પર મજબૂર કરે છે!) ત્યારબાદ, ઝાડ, છોડ, ઔષધિ, ૧૨ પ્રકારના પંખી, ૨૮ પ્રકારના પ્રાણીનું સર્જન કર્યા બાદ ચાર સનાતન કુમારોનો જન્મ થાય છે. પરંતુ તેઓ બ્રહ્માના સર્જનનાં કાર્યને અવગણીને ધ્યાન-તપ અને અધ્યાત્મના રસ્તે ચાલી નીકળે છે. જેના લીધે ક્રોધે ભરાયેલ બ્રહ્મા પોતાનાં ત્રીજા નેત્રમાંથી અતિ વિનાશકારી પરમ શિવતત્વનું ધ્યાન ધરે છે. ભગવાન રૂદ્ર, તેમનાં એકસમાન દેખાતા ૧૦ સ્વરૂપો (ક્લોન્સ) સાથે અર્ધનારીશ્વરરૂપે પ્રગટ થઈને વિશ્વને નારીશક્તિ ‘રૂદ્રાણી’ પ્રદાન કરે છે.

હવે વારો આવે છે બ્રહ્માના દસ માનસપુત્રોનો! તેમની વિરક્તિથી ક્રોધે ભરાયેલ બ્રહ્મા અનેક તામસિક શક્તિ (અસુર/રાક્ષસ) પેદા કરે છે. થોડા સમય બાદ ગુસ્સો શાંત થતાં તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. પરિણામસ્વરૂપ, જન્મ લે છે દેવતાઓ! પછી તો પિતૃ, દેવી સરસ્વતી, ગાયત્રી તેમજ પ્રસુતિ પણ સૃષ્ટિચક્રમાં પ્રવેશ લે છે. દક્ષ પ્રજાપતિ અને પ્રસુતિએ ત્યારબાદ ધરતી પર જીવનને આગળ ધપાવ્યું હોવાની કથા છે.

હિંદુ વેદ-પુરાણોમાં અપાયેલ બ્રહ્માંડનાં સર્જનને અગર આજના મોડર્ન સાયન્સ સાથે સરખાવીને જોઈએ તો સમજી શકાય કે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોથી બનેલા પરમાણુ વાયુ-સ્વરૂપમાં એકઠા થઈને અલગ-અલગ તત્વોનું નિર્માણ કરે છે. ક્રમાનુસાર, સ્થિર પદાર્થો જેમકે ગ્રહો, પહાડ, રેતી આકાર લે છે. અને ત્યારબાદ પ્રાણી, પંખી, જળચર, ઔષધિ અસ્તિત્વમાં આવે છે. સૌથી છેલ્લે મનુષ્ય નિર્માણ સાથે સર્જનની પ્રક્રિયા પૂરી થાય છે.

પુરાણોમાં જે દશાવતારનો ઉલ્લેખ થયેલો છે એ ખરેખર મહાવિષ્ણુ કે ગર્ભોદકશાયી વિષ્ણુના રૂપો નથી! આશ્ચર્ય થાય એવી વાત જરૂર છે, પરંતુ સત્ય તો એ છે કે મહાવિષ્ણુનું ત્રીજું અને આખરી સ્વરૂપ ‘ક્ષીરોદકશાયી વિષ્ણુ’ છે! તેમને આપણે પરમાત્મા સ્વરૂપે પૂજીએ છીએ. તેઓ દરેક યુગમાં અલગ-અલગ અવતારો ધારણ કરી વિશ્વને અધર્મની પકડમાંથી મુક્ત કરી પૃથ્વી પર ધર્મની સ્થાપના કરે છે. ધ્રુવલોકના શ્વેતદીપ પર આવેલા ક્ષીરસાગરમાં તેમનું રહેઠાણ હોવાથી તેમને ‘ક્ષીરોદકશાયી વિષ્ણુ’ કહેવાયા છે.

ક્ષીરોદકશાયી વિષ્ણુ અત્યંત મૃદુ હ્રદયી અને જીવંત ચેતનાના સ્વામી છે. તેઓ પૃથ્વીના કણ-કણમાં નિવાસ કરીને માનવજાતને હંમેશા સત્કર્મો કરવા માટેની પ્રેરણા આપતાં રહે છે. મહાવિષ્ણુ અને ગર્ભોદકશાયી વિષ્ણુએ સોંપેલા તમામ કાર્યોને નિષ્ઠાપૂર્વક પૂરા કરીને બ્રહ્માંડને તેનાં પૂર્ણત્વ તરફ લઈ જવું એ તેમનું કર્મ છે, જે યુગ-યુગાંતર સુધી ચાલ્યા રાખે છે.

ચંડીગઢથી સાડા ચાર કલાકના અંતરે આવેલાં સોલાન ખાતેના ‘બદ્રિકા આશ્રમ’માં જેમનો નિવાસ છે, એવા શ્રીવિદ્યાના ઉપાસક અને ‘સાધના’ મોબાઇલ એપ્લિકેશનના ફાઉન્ડર ઓમ સ્વામી જણાવે છે કે, ‘વેદો અને પુરાણોમાં જેટલા દેવી-દેવતાઓનો ઉલ્લેખ છે, તેઓ એક સમયે આ ધરતી ઉપર વિચરણ કરી ચૂક્યા છે. એ પછી ભગવાન વિષ્ણુની વાત થતી હોય કે દેવાધિદેવ શિવની! અધ્યાત્મ ભારતના મંદિરોમાં નહીં, પરંતુ આ ભૂમિના કણ-કણમાં વ્યાપ્ત છે!’ ઓમ સ્વામી અંગે એવું કહેવાય છે કે, તેમને ભગવાન શ્રીહરિ અને જગદંબા સ્વયં સાક્ષાત છે! તેમના આહ્વાન પર આદિશક્તિ યંત્રાધિષ્ઠાત્રી રાજરાજેશ્વરી મહાત્રિપુરસુંદરીને પણ પ્રગટ થાય છે! વિશ્વભરમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે એમણે રૂપિયા 10 કરોડના ખર્ચે ‘સાધના’ એપ્લિકેશન ડેવલપ કરી છે. સમય અને સામગ્રીના અભાવે જપ, તપ કે યજ્ઞ ન કરી શકતાં સાધકો પોતાના ઘરે બેઠાં બેઠાં પૂજા-ભક્તિ અને સાધના કરી શકે એ માટેનો આ પ્રયાસ છે.

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *