થોડા મહિના પહેલાં જ સાંભળવા મળેલાં એક સમાચારે ભારતભરમાં ચકચાર મચાવી હતી, જે મુજબ સમુદ્રનું જળસ્તર વધવાને કારણે આગામી ૧૦૦ વર્ષોની અંદર મહાનગર મુંબઈ પાણીમાં ગરકાવ થઈ જાય એવી સંભાવના છે! આવી જ કંઈક ઘટના આજથી કરોડો વર્ષ પહેલાં બની હોવી જોઈએ.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ (અંતિમ ભાગ) કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પર જોવા મળેલાં મહાપ્રલય અંગે પુરાણો અને આધુનિક વિજ્ઞાન કેટલી હદ્દે એકસરખી વિગતો આપે છે, એ જાણવા માટે શરૂ કરવામાં આવેલી આ શ્રેણીનો આજે ચોથો અને છેલ્લો મણકો હું લખી રહ્યો છું ત્યારે આનંદ એ વાતનો છે કે લેખનયાત્રા દરમિયાન વાંચવામાં આવેલાં અસંખ્ય સંદર્ભગ્રંથોએ મને પુષ્કળ નવા વિષયો સાથે અવગત કરાવ્યો છે.

મત્સ્ય અવતારની કથાના મૂળિયાં જેમાં રહેલાં છે, એવા જળપ્રલય અંગે મત્સ્યપુરાણમાં કહેવાયું છે:

अग्निप्रस्वेदसम्भूतां प्लावयिष्यन्तिमेदिनीम् ।

समुद्राः क्षोभमागत्य चैकत्वेन व्यवस्थिताः ॥

(મત્સ્યપુરાણ ૨.૯)

ભાવાર્થ: જે ધરતી ભૂતકાળમાં તાપગ્નિને કારણે ધગતી હતી, એ જળવર્ષાથી રેલમછેલ થઈ જશે.  જેને લીધે સમુદ્રો પણ અશાંત બની જશે!

‘એન્ડ-પર્મિયન થિયરી’ ઉપર કામ કરી ચૂકેલાં નિષ્ણાંત પ્રૉફેસર બેન્ટનએ રજૂ કરેલાં મૉડેલ મુજબ, પૃથ્વીના જુદા જુદા ભાગોમાં વધી ગયેલી એસિડવર્ષા અને ગ્લૉબલ વૉર્મિંગને કારણે સમુદ્રના જળસ્તરોમાં વધારો થવો અત્યંત સ્વાભાવિક છે. આથી, ‘જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ’ જેવી ઘટના ચોક્કસપણે આકાર પામી હોવી જોઈએ. રસપ્રદ વાત એ છે કે બેન્ટનના આ રીસર્ચ-મૉડેલ સાથે ભારતની સનાતન સંસ્કૃતિનું પૌરાણિક-મૉડેલ ઘણા ખરા અંશે મેળ ખાય છે.

થોડા મહિના પહેલાં જ સાંભળવા મળેલાં એક સમાચારે ભારતભરમાં ચકચાર મચાવી હતી, જે મુજબ સમુદ્રનું જળસ્તર વધવાને કારણે આગામી ૧૦૦ વર્ષોની અંદર મહાનગર મુંબઈ પાણીમાં ગરકાવ થઈ જાય એવી સંભાવના છે! આવી જ કંઈક ઘટના આજથી કરોડો વર્ષ પહેલાં બની હોવી જોઈએ.

દ્વારકાનગરી, કુમારીકંદમ, એટલાન્ટા જેવા સ્થળના જળમગ્ન થવાની ઘટનાને છેક ગઈ સદી સુધી કપોળકલ્પિત માનવામાં આવતી હતી, પરંતુ પુરાવાઓને પરિણામે આજે ચિત્ર તદ્દન બદલાઈ ચૂક્યું છે.

‘એન્ડ-પર્મિયન થિયરી’ અનુસાર, પ્રલય બાદના ૧૦ મિલિયન (૧ કરોડ) વર્ષ સુધી પૃથ્વી પરથી જીવસૃષ્ટિનું નામોનિશાન નહોતું. ‘બાયોટિક રિકવરી’ એટલે કે વનસ્પતિ, ફળ-ફૂલ વગેરે સહિત પ્રકૃતિને પુનઃ સજીવન થવામાં ૭ થી ૧૦ મિલિયન વર્ષો લાગ્યા હોવાની પુષ્ટિ મળી છે. મત્સ્યપુરાણના બીજા અધ્યાયના ૧૪મા શ્લોકમાં ભગવાન મત્સ્ય રાજા સત્યવ્રતને જણાવે છે કે, ‘ચાક્ષુષ મનવંતર’ના અંતે મહાપ્રલયની ક્રિયા પણ પૂર્ણ થઈ જશે.’

त्वया सार्द्धमिदं विश्वं स्थास्यत्यन्तरसंक्षये ।

एवमेकार्णवे जाते चाक्षुषान्तरसंक्षये ॥

(મત્સ્યપુરાણ ૨.૧૪)

દરેક મનવંતરના અંત સમયે એક સંધ્યાકાળ આવતો હોય છે. ફક્ત મનવંતર જ નહીં, પરંતુ યુગ-પરિવર્તન સમયે પણ સંધ્યાકાળ/સંધિકાળ આવતો હોવાનો ઉલ્લેખ ગ્રંથોમાં છે. કેટલાક વિદ્વાનોના મતાનુસાર, વાસ્તવિક કળિયુગ હજુ શરૂ નથી થયો. ઈસવીસન પૂર્વે વર્ષ ૩૧૦૨માં ભગવાન કૃષ્ણનું વૈકુંઠગમન થયું, ત્યારથી શરૂ કરીને આજ સુધી યુગોનો સંધ્યાકાળ ચાલી રહ્યો છે, જેને અંગ્રેજી ભાષામાં ‘ટ્રાન્ઝિશન પીરિયડ’ કહે છે. પુરાણોમાં અપાયેલી વૈજ્ઞાનિક સમય-ગણતરી મુજબ, એક મનવંતરથી બીજા મનવંતરની વચ્ચેનો સંધિકાળ ૩.૪૫૬ મિલિયન (૩૪ લાખ ૫૬ હજાર) વર્ષોનો હોય છે. મત્સ્યપુરાણમાં અપાયેલાં વર્ણન અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરીએ, તો સ્પષ્ટ છે કે પૃથ્વી પર ફરી જીવસૃષ્ટિ ધબકવામાં કુલ ૭ થી ૧૦ મિલિયન વર્ષોનો સમય લાગ્યો હતો. આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં ‘આઇસ-એજ’ (હિમયુગ) અથવા ‘કૂલ-ડાઉન પીરિયડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે!

મત્સ્યપુરાણમાં છઠ્ઠા – ચાક્ષુષ – મનવંતરની વાત કરવામાં આવી છે, જેને પૂર્ણ થયાને ૨૪ કરોડથી વધારે વર્ષો થયા છે. હાલ આપણે સાતમા વૈવસ્વત મનવંતરમાં જીવી રહ્યા છીએ. વાચકોને સુગમ રહે એ માટે સાતેય મનવંતરોના નામની યાદી અહીં પ્રસ્તુત છે: (૧) સ્વયંભુ (૨) સ્વરોચિશ (૩) ઉત્તમ (૪) તમસ (૫) રૈવત (૬) ચાક્ષુષ (૭) વૈવસ્વત. કુલ ૧૪ મનવંતરો અંગે આપણા પુરાણોમાં વર્ણન છે. એનો અર્થ એમ કે સાતમા વૈવસ્વત મનવંતર બાદ અન્ય સાત મનવંતરો સુધી સર્જન-વિનાશની આ લીલા આમ જ ચાલતી રહેશે.

શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક, પ્રખર જ્ઞાની અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશનના ફાઉન્ડર ઓમ સ્વામી પોતાના એક હિન્દી પ્રવચનમાં કહે છે કે, ‘રોજબરોજના જીવનમાં મનની શાંતિને ખેદાનમેદાન કરી નાંખતા ત્રાસદાયી સમાચારો કરતા પુરાણોનું વાચન વધુ લાભદાયી નીવડતું હોય છે. એવું નથી કે પુરાણોનું વાચન સાધકને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે. પરંતુ એટલું ચોક્કસ કે પુરાણ એ વ્યક્તિના દ્રષ્ટિકોણને વ્યાપ આપવાનું કાર્ય કરે છે!’

પુરાણોની વાત કરતા હોઈએ, ત્યારે એ પણ ભૂલવું ન જોઈએ કે વૈજ્ઞાનિકો દાયકાઓની મહેનત બાદ આ પરિણામ સુધી પહોંચ્યા છે. એમના કઠોર પરિશ્રમનું સન્માન તો હોય જ, પરંતુ ભારતને મદારીઓનો દેશ કહેનારા રેશનાલિસ્ટ્સની આંખ ઉઘડે એ માટે આધુનિક વિજ્ઞાનને પૌરાણિક બારીએથી નિહાળવું જરૂરી બની જાય છે.

(સમાપ્ત)

bhattparakh@yahoo.com

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *