આજે હું જે કિસ્સો કહેવા જઈ રહ્યો છું, એ થોડા સમય પહેલાં વારાણસીમાં મારી સાથે બન્યો હતો. ઈશ્વરની લીલા કેવી અગાધ અને અકળ હોય છે, એ મને આ ઘટના પછી સમજાયું.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ અધ્યાત્મજગતમાં ઘણી વખત સાધક સાથે એવા એવા કિસ્સા બનતા હોય છે, જેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા મુશ્કેલ અથવા અશક્ય હોય છે! શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશન થકી વિશ્વભરમાં સનાતન સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરનારા ઓમ સ્વામી પોતાના પ્રવચનમાં કહે છે કે, ‘ઈશ્વરપ્રાપ્તિ માટે આવશ્યક છે શ્રદ્ધા અને આસ્થા! શંકા-કુશંકાઓમાં રચ્યાપચ્યા રહેતા સાધકો એટલી હદે અંધ હોય છે કે સાક્ષાત્ ઈશ્વર એમની સામે આવીને ઊભા રહે તો પણ એમને ખ્યાલ ન આવે! દરેક ભક્તના જીવનમાં એ સમય આવતો હોય છે, જ્યારે તેની આસ્થા ડગમગી જાય, પરંતુ એ દરમિયાન પણ જે વ્યક્તિ લાગલગાટ ભક્તિમાં લીન રહે તો તેના માટે ઈશ્વરપ્રાપ્તિ અશક્ય નથી.’

આજે હું જે કિસ્સો કહેવા જઈ રહ્યો છું, એ થોડા સમય પહેલાં વારાણસીમાં મારી સાથે બન્યો હતો. ઈશ્વરની લીલા કેવી અગાધ અને અકળ હોય છે, એ મને આ ઘટના પછી સમજાયું.

આછા પીળા પ્રકાશથી ઝળહળી રહેલાં, સહેજ સાંકડા કહી શકાય એવા કૉરિડોરને વટાવીને હું મારા ઓરડા તરફ આગળ વધી રહ્યો હતો. અગિયાર વાગતાંમાં એકદમ શાંત થઈ ગયેલું વારાણસી ઊંઘમાં સરી પડ્યું હતું. ભાગીરથી ગંગાનો વ્હાલસોયો – મમતાસભર હાથ પોતાના સંતાનો પર ફરી રહ્યો હોય, એમ આખું શહેર મીઠાંમધુરા સ્વપ્નો જોઈ રહ્યું હતું. દિવસ આખાનો થાક હવે મારી આંખોમાં દેખાવા માંડ્યો હતો. સહેજ ઉપસી ગયેલાં પોપચાં અને આંખની નીચે થઈ ગયેલાં કાળા કુંડાળાં સૂચિત કરતાં હતાં કે મારા શરીરને આરામની જરૂર હતી.

નગવા – લંકાની ત્રણ – સિતારા હૉટેલ સર્વેશ્વરીના પાંચમા ફ્લૉર પર આવેલાં મારા ડિલક્સ-રૂમ ૫૦૨ને કી-કાર્ડ વડે ખોલીને તરત જ મેં કિંગ-સાઇઝ બેડ પર ઝંપલાવ્યું. રવિવારે સાંજે પાંચ વાગ્યે કાશી પહોંચાડનારી ફ્લાઇટ ખૂબ મોડી પડીને અંતે આઠેક વાગ્યે એરપૉર્ટ પર લેન્ડ થઈ હતી! હું અને મારી મિત્ર પ્રિયંકા જસાણી એરપૉર્ટમાંથી બહાર નીકળીને ‘ઑલા ટેક્સી’ કરીએ, ત્યાં સુધીમાં તો નવ વાગી ગયા અને ત્યારબાદ ‘બનારસ હિન્દુ યુનિવર્સિટી’ની હૉસ્ટેલમાં પ્રિયંકાને છોડ્યા બાદ હું મારી હૉટેલ પર પહોંચ્યો ત્યારે અગિયાર વાગવામાં ગણતરીની મિનિટો બાકી હતી.

ચેક-ઇન, આઇડેન્ટિટી વેરિફિકેશન સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હું પાંચમા માળે આવીને મારા કમરામાં આવીને જેવો પલંગ પર લાંબો થયો કે તરત નિદ્રાદેવીનું પ્રભુત્વ સ્થપાવાનું શરૂ થયું, પરંતુ એકદમ ઊંઘમાં સરી પડું એ પહેલાં જ ઊભો થઈને મારી લગેજ-બેગમાંથી ટ્રેક-પેન્ટ અને ટી-શર્ટ તથા પલંગ પર પડેલાં હૉટેલના બે ટૉવેલમાંથી એક ટૉવેલ ઉઠાવી હું વૉશરૂમ ભણી રવાના થયો. ઠંડાબોળ શાવર નીચે ઊભા રહીને સારું લાગ્યું અને ઝટપટ ખંખોળિયું ખાઈને ફરી પલંગ પર આવીને સૂતો. ત્યાં સુધીમાં લગભગ સાડા અગિયાર વાગી ચૂક્યા હતાં.

મોબાઇલમાં સવા વાગ્યાનો અલાર્મ મૂકીને હું આડો પડ્યો. રાજકોટથી અમદાવાદની પાંચ કલાકની સફર અને ત્યારબાદ અમદાવાદથી વારાણસી સુધીની લાંબી સફરનો થાક એમ કંઈ બે કલાકની ઊંઘમાં ઉતરી જાય, એવી શક્યતા નહોતી. પરંતુ શિવને પ્રિય સોમવારની મંગલા આરતી હું કોઈ સંજોગોમાં ચૂકવા નહોતો માંગતો. કાશી વિશ્વનાથના શરણમાં આવ્યા હોઈએ અને સોમવાર ચૂકી જઈએ એ તો કેમ ચાલે? સૂતાં પહેલાં એક વખત સવાર માટે જરૂરી સરસામાન અને ચીજ-વસ્તુઓ એની જગ્યાએ છે કે કેમ એની ચકાસણી કરી લીધી. કાશી વિશ્વનાથની પ્રાત: આરતીમાં પહોંચવું હોય તો અઢી વાગ્યે કતારમાં ઊભું રહી જવું પડે, ત્યારે છેક સાડા ત્રણ વાગ્યે દર્શનનો વારો આવે! સોમવારની ભીડ તો વળી અલગ! એટલે જ, મેં સાવચેતી ખાતર ૧:૧૫, ૧:૧૮, ૧:૨૦, ૧:૨૨ અને ૧:૩૦ વાગ્યાના એમ કુલ પાંચ અલાર્મ મૂકી રાખ્યા હતાં જેથી, ન કરે નારાયણ ને કદાચ એકાદ અલાર્મમાં ઊંઘ ન ઉડે તો અન્ય એલાર્મથી તો ઊડી જ જાય!

પણ ધાર્યુ તો આખરે ધણીનું જ થાય! પાંચે-પાંચ અલાર્મ એક પછી એક વાગીને બંધ થઈ ગયા અને મારી આંખમાં ચડેલું ઊંઘનું ઝેર ન ઉતર્યુ! હું ગાઢ નિદ્રામાં પોઢી ચૂક્યો હતો… એટલી ગાઢ કે કદાચ કોઈ ઢોલ-નગારા વગાડે તો પણ બે ઘડી માટે મને કંઈ ફર્ક ન પડે!

‘ટિંગ ટોંગ…’ મને ડોરબેલનો ધીમો અવાજ કાથે અથડાયો. હું તંદ્રામાં હતો અને શરીર જવાબ દઈ ચૂક્યું હતું. થોડી મિનિટો પસાર થઈ હશે, અને કોઈકે જોરજોરથી દરવાજો પીટવાની શરૂઆત કરી!

આખરે કોણ હતું એ દરવાજે? આગળ કઈ રહસ્યમય ઘટનાએ એ રાતે આકાર લીધો? શબ્દ-મર્યાદાને કારણે વધુ આવતાં અઠવાડિયે.

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com

(સંપર્ક) – ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link) – Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *