મારું મગજ ઘડીભર સુન્ન પડી ગયું. મને સમજ નહોતી પડી રહી કે આ શું થઈ રહ્યું છે! તાર્કિક મગજ મારા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ સુષુપ્ત મગજને ખબર જ હતી કે ઉત્તરો મળવાના નથી!
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । (ગતાંકથી ચાલુ) ઊંઘરેટા ચહેરા સાથે ઊભા થઈને મેં લગભગ તંદ્રાવસ્થામાં જ દરવાજો ખોલ્યો. સામે હાઉસકિપીંગ-સ્ટાફનો માણસ ઊભો હતો.
‘સર… આ તમારો ટૉવેલ!’ તે ફાંકડું અંગ્રેજી બોલી રહ્યો હતો.
‘પણ મેં તો કોઈ ટૉવેલ મંગાવ્યો જ નથી!’ હું હજુ પણ ઘેનમાં હતો, ‘અને હું જાગતો જ ન હોઉં, તો તમને ફોન કોણ કરે?’
‘સર, બે મિનિટ પહેલાં જ તો તમે રીસેપ્શન પર ફૉન કરીને ટૉવેલ મંગાવ્યો!’ તેણે વિનમ્ર સ્વરે કહ્યું.
હું સફાળો ભાનમાં આવી ગયો! આંખમાંથી ઊંઘની એકઝાટકે વિદાય થઈ ગઈ. તરત મેં પલંગ પર નજર કરી અને પેલા જુવાનિયાને ઈશારો કરતાં કહ્યું, ‘ભાઈ, જો આ રહ્યો મારો ટૉવેલ… મેં રાતે જ તૈયારી કરી લીધી…’
અને, હું બોલતાં-બોલતાં અટકી ગયો. અચાનક પાછળ ફરીને ઘડિયાળમાં સમય તપાસ્યો. સવારના પોણા બે વાગી રહ્યા હતાં!
‘સર… તમે રીસેપ્શન પર આવીને અમારા ફોનની તપાસ કરી શકો છો! રૂમ નંબર ૫૦૨ માંથી જ અમને કૉલ આવ્યો હતો.’
મારું મગજ ઘડીભર સુન્ન પડી ગયું. મને સમજ નહોતી પડી રહી કે આ શું થઈ રહ્યું છે! તાર્કિક મગજ મારા સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ સુષુપ્ત મગજને ખબર જ હતી કે ઉત્તરો મળવાના નથી! શિવની નગરી કાશીએ પહેલાં જ દિવસે પોતાની અગોચર લીલા દેખાડવાની શરૂઆત કરી દીધી હતી. કાશીનો કોટવાળ – કાળભૈરવ – પોતે જાણે ધૂણી ધખાવીને સઘળા તંત્રને અને સમયની ગતિ મને સમજાવી રહ્યો હતો.
એ પછી તો હાઉસકિપીંગ-સ્ટાફ પાસેથી તરત ટૉવેલ લઈ, એનો આભાર માનીને મેં દરવાજો બંધ કર્યો. એ બિચારો છેક સુધી વિચારી રહ્યો હશે કે કોઈક વિચિત્ર પ્રાણી એમની હૉટેલમાં રોકાયું છે!
સવા બે વાગ્યા સુધીમાં તૈયાર થઈ, ધોતી-ઝભ્ભો પહેરીને હું રીસેપ્શન પર આવી ગયો અને ફોનની તપાસ પણ કરી!
હા… એ ફોન ‘રૂમ નંબર ૫૦૨’ માંથી જ આવ્યો હતો!
કાશી… પૂર્ણ શ્રદ્ધા સાથે થયેલું નામોચ્ચારણ પણ આંખોમાંથી ભક્તિનો મહોદધિ છલકાવી દે, એટલું પવિત્ર અને પૌરાણિક શહેર. ૧૨ વર્ષની નાની ઉંમરે મારા જીવનના સર્વપ્રથમ ગુરુએ મને શાક્તપંથની દીક્ષા આપી, એ વેળા એમણે કાશીદર્શનનો મહિમા મને જણાવ્યો હતો. પરંતુ ત્યારબાદ ૧૪ વર્ષના વ્હાણાં વીતી ગયા હોવા છતાં ક્યારેય વિશ્વનાથ બાબાનો આદેશ ન થયો. નાનપણમાં સમજના અભાવે અને મોટા થયા બાદ સમયના અભાવે કાશીના ભક્તિરસનું પાન ન થઈ શક્યું, પણ છેવટે અચાનક, સાવ અનાયાસે બાબાનું આમંત્રણ મળ્યું અને મોક્ષપ્રાપ્તિના દ્વાર સમા ઊર્જાવાન સ્થાન વારાણસીએ મને પોતાના ખોળામાં બોલાવી લીધો.
૩૩ કોટિ દેવતાઓ, ૬૪ યોગિનીઓ, અસંખ્ય નિત્યાઓના આ નગરમાં મૃત્યુ અને જીવન એકસાથે ધબકે છે. દેવાધિદેવના ત્રિશૂળ પર જેને સ્થાન મળ્યું છે, એવી કાશીનગરીમાં અષ્ટ-ભૈરવ આઠ અલગ-અલગ દિશાઓમાંથી તેનું રક્ષણ કરે છે. આ અષ્ટક્ષેત્રપાળ – રુદ્રભૈરવ, ચંદ્રભૈરવ, ક્રોધભૈરવ, ઉન્મત્તભૈરવ, કપાલીભૈરવ, ભીષણભૈરવ, સંહારભૈરવ અને અસિતાંગભૈરવ – ના પરિસરમાં પગ મૂકો, ત્યારે સમજાય કે વિધિવત્ રીતે પ્રાણ-પ્રતિષ્ઠિત તામસી-ઊર્જાના પ્રભાવમાં આવ્યા બાદની અનુભૂતિ કેવી હોય! અને છેલ્લે, કાશી તણા કોટવાળ – કાળભૈરવ – માનવદેહનાં સુષુપ્ત ઊર્જાચક્રોને પોતાની ઊર્જાની ભરી દે છે.
બાબા વિશ્વનાથના દરબારમાં થયેલી અનુભૂતિઓને શબ્દદેહ આપવાનું સામર્થ્ય મારામાં નથી રહ્યું, એટલે હું એ વિશે લખવાનું ટાળું છું. પાંચ દિવસ સુધી લાગલગાટ કરેલી મંગલા-આરતીના કંપનો હજુ પણ અનુભવી રહ્યો છે. પ્રકૃતિ અને પુરુષના દિવ્યદેહ સમા જ્યોતિર્લિંગ પર બિલિપત્ર અર્પણ કરી ચૂકેલી જમણાં હાથની તર્જની, અનામિકા, મધ્યમા, કનિષ્ઠા અને અંગુષ્ઠ વાટે હજુ પણ ઊર્જાનો અસ્ખલિત પ્રવાહ વહી રહ્યો છે… ઈડા, પિંગળા અને સુષુમ્ણા નાડીઓ એકાગ્ર ચિત્તે અવિરતપણે ‘શિવોહમ્’ના જાપ કરી રહી છે. મૂળાધાર, સ્વાધિષ્ઠાન, અનાહત, મણિપુર, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર ચક્રો અગમ્ય-અગોચર ઊર્જાના પ્રભાવ હેઠળ બ્રહ્મપદાર્થની પ્રાપ્તિનો અનુભવ કરી રહ્યા છે…
મણિકર્ણિકા ઘાટની ચિતાઓનો પ્રચંડ અગ્નિ આંખોમાં પરાવર્તિત થઈને જીવનનું અંતિમ સત્ય ઉજાગર કરી રહ્યો છે. શિવના ભૂતગણના નગ્ન આંખે થયેલાં સાક્ષાત્કારને લીધે દુન્યવી વાસ્તવિકતા – માયા – ના પરિમાણો બદલાઈ ચૂક્યા છે. દુર્ગા અને લલિતા ઘાટ પર મધ્યરાત્રિ તેમજ બ્રહ્મમૂહુર્તમાં મેં કરેલાં દેવી-અનુષ્ઠાન ભૌતિક અસ્તિત્વના વિલિનીકરણની ક્રિયા આરંભી ચૂક્યા છે…
આરતી દરમિયાન આંતરમન શિવ અને શક્તિની આ તેજોમય ભૂમિમાં વિલીન થતું રહ્યું. પંચમહાભૂતથી બનેલો દેહ નિરંતર પંચાક્ષરી ‘નમામિ ગંગે’નો જાપ કરી રહ્યો હતો. ભાગીરથીમાં તરબોળ થઈને રોમેરોમ રાજા ભગીરથ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યું હતું. આધુનિક છતાં અત્યંત પૌરાણિક, મલિન છતાં એકદમ નિર્મળ અને દૂષિત છતાં સદાય પાવનકારી ગંગાએ મને પોતાની ગોદમાં સમાવી લીધો…
bhattparakh@yahoo.com
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.