ગાયત્રીમંત્ર પણ આદિકાળમાં તો ઋગ્વેદનો એક શ્લોક જ હતો… પરંતુ ભારતવર્ષનાં સિદ્ધ ઋષિ-મુનિઓએ એના સતત ઉચ્ચારણ અને જપ થકી તેને પ્રચંડ શક્તિશાળી મંત્રમાં પરિવર્તિત કરી દીધો!
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । આફ્રિકાના જંગલોમાં એક એવો કબીલો વસવાટ ધરાવે છે, જેમની ગણના વિશ્વની સૌથી આનંદિત પ્રજામાં થાય છે. કબીલાની કોઈ સ્ત્રી જ્યારે ગર્ભવતી બને, ત્યારે તેના રહેઠાણની આસપાસનું એક વૃક્ષ તેને ફાળવી દેવામાં આવે છે. ત્યારબાદ, ગર્ભવતી મહિલા પોતાની ગમતી એક ધૂન, ગીત અથવા સંગીતની પસંદગી કરે છે અને દરરોજ વૃક્ષ પાસે બેસીને પ્રેમપૂર્વક તેનું ગાયન કરે છે.
ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન એ સ્ત્રી દરરોજ પોતાના અજન્મા બાળકને હાલરડું સંભળાવતી હોય, એવી રીતે વૃક્ષ પાસે બેસીને ગીત ગણગણે છે. સ્નાનાદિ કર્મ, રસોઈ, રોજબરોજના કામકાજ, ભોજન તેમજ શયન વેળા પણ ગર્ભવતી મહિલા પોતાના પેટ પર વ્હાલસોયો હાથ ફેરવીને ગીત ગણગણ્યા રાખે છે. ટૂંકમાં, સ્ત્રીના દિવસનો મોટાભાગનો સમય આ એક ધૂન અથવા ગીત ગાવામાં પસાર થાય છે.
પ્રસૂતિનો સમય થાય એટલે કબીલાની સ્ત્રીઓ એ મહિલાની આજુબાજુ ઊભી રહીને સગર્ભાની ધૂન ગણગણે છે. સંતાનનો જન્મ થાય ત્યારે પણ આ સ્ત્રીઓનું ગાયન સતત ચાલુ રહે છે. ફક્ત એટલું જ નહીં, પરંતુ માતા પોતાના નવજાત શિશુને ધવડાવતી વેળા, જુદા જુદા તહેવારોની ઉજવણી વખતે તથા બાળકના પ્રત્યેક સારા પ્રસંગોએ એની માતા આ ગીત ગાઈને રાજીપો વ્યક્ત કરે છે.
આખી વાત હવે રસપ્રદ બને છે. એ બાળક જ્યારે મોટું થાય, યુવાવસ્થામાં પ્રવેશ કરે, પોતાનો ઘરસંસાર વસાવે એ વખતે તેના જીવનમાં આવતી દરેક સમસ્યાનો સામનો કરવા માટે માતા પાસેથી સાંભળવા મળેલું ગીત તેની મદદ કરે છે. તે જ્યારે હતાશ હોય, તાણગ્રસ્ત હોય, જિંદગીથી હારી ચૂક્યો હોય ત્યારે માતાનું એ ગીત ગણગણી લેવામાત્રથી તેના ચિત્તમાં આનંદ વ્યાપી જાય છે. સરળ ભાષામાં કહેવું હોય તો, બાળકના જન્મ પહેલાંથી તેને સંભળાવવામાં આવતી ધૂન કાળક્રમે બાળક માટે એક એવો ઊર્જાનો સ્ત્રોત બની જાય છે, જે ક્યારેય નાશ પામતો નથી.
શ્રીવિદ્યાના સિદ્ધ ઉપાસક ઓમ સ્વામીના પુસ્તક ‘ધ એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર’માં આ વાસ્તવિક કિસ્સો કહેવામાં આવ્યો છે. કોઈપણ સામાન્ય સંગીત અથવા શ્લોકને મંત્રઊર્જામાં પરિવર્તિત કરવાનું રહસ્ય ઉપરોક્ત ઉદાહરણમાં છુપાયેલું છે. ગાયત્રીમંત્ર પણ આદિકાળમાં તો ઋગ્વેદનો એક શ્લોક જ હતો… પરંતુ ભારતવર્ષનાં સિદ્ધ ઋષિ-મુનિઓએ એના સતત ઉચ્ચારણ અને જપ થકી તેને પ્રચંડ શક્તિશાળી મંત્રમાં પરિવર્તિત કરી દીધો!
એક જગ્યાએ સતત દિવસો-મહિનાઓ-વર્ષો સુધી ખોદકામ થાય, તો એક દિવસ ત્યાંથી પાણીનો સ્ત્રોત મળી આવે. એક ચોક્કસ વિષયમાં નિષ્ણાત થવા માટે જેવી રીતે વ્યક્તિ તેના ઉપર સતત અધ્યયન-મનન-ચિંતન કરે છે, એવી જ રીતે કોઈ સ્તુતિ અથવા સ્તોત્રને ઊર્જાથી ભરી દેવા માટે તેનું સતત રટણ થવું જરૂરી છે. અગત્યનું એ છે કે, રટણ એકાગ્રચિત્તે થતું હોવું જોઈએ… બેધ્યાનપણે નહીં! ખાલી કરવા ખાતર કરેલું કામ કોઈ ફળ નથી આપતું, એવી રીતે મંત્રઊર્જાનો પ્રભાવ અનુભવવા માટે તેની પાછળ કલાકો સુધી ધ્યાન ધરવું આવશ્યક છે.
ગુજરાતના પ્રખ્યાત લોકગાયક, કલાકાર અને પરમ મિત્ર હેમંત જોષી સાથે તાજેતરમાં સંગીતના આધ્યાત્મિક વિજ્ઞાન અંગે ગોષ્ઠિ ચાલી રહી હતી. એમની વર્ષોની સંગીત-સાધનાનો અનુભવ કહે છે કે સંગીત જ ઈશ્વર છે. અષ્ટાંગ યોગ – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ – થકી ઈશ્વર પ્રાપ્ત કરવા માટે તો વ્યક્તિએ પહેલાં સાત ચરણોમાંથી પસાર થવું પડે છે, પરંતુ સંગીત સ્વયં યોગ છે અને સાધકને તત્કાળ સમાધિવસ્થા સુધી લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે. વાતચીત દરમિયાન તેઓ એક સુંદર વાક્ય બોલ્યા, ‘એક સાધે, સબ સાધે!’ સંગીતના માત્ર એક સૂર સાથે પણ જો અનુસંધાન સાધી શકાય, તો બાકી સઘળું પ્રાપ્ત કરવું શક્ય છે. નરસિંહ મહેતાને થયેલાં શ્રીકૃષ્ણના અનેકાનેક દિવ્ય અનુભવો અને સાક્ષાત્કાર એમની નિઃસ્વાર્થ ભક્તિ ઉપરાંત કેદાર રાગને પણ આભારી છે. એવી જ રીતે મીરાનું કૃષ્ણમાં એકાકાર થવું એ પણ સંગીત-આરાધનાનું ફળ ગણી શકાય. સૂરદાસના ભજનોમાં તો એ સામર્થ્ય હતું કે દિવ્યાંગ હોવા છતાં તેઓ કૃષ્ણના વિગ્રહ પર થયેલાં શણગારને અનુરૂપ ભજન બનાવી શકતાં!
સંગીત અને મંત્ર બંને આમ તો એકબીજાના પૂરક ગણી શકાય. જો પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણભાવ હોય, તો બંનેની ઊર્જાઓ સાધકને અનહદ આનંદનાદની અનુભૂતિ અપાવી શકે છે!
bhattparakh@yahoo.com
(ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.